સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI) જોધપુર
January, 2008
સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI), જોધપુર : ભારતના શુષ્ક પ્રદેશોમાં ભૂમિ-ઉપયોજન, કૃષિપ્રબંધ અને પશુપાલન સાથે સંકળાયેલી સંસ્થા. તેની સ્થાપના ICAR(Indian Council of Agricultural Research)ના નેજા હેઠળ 1959માં થઈ. ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી 12 % જેટલો વિસ્તાર શુષ્ક છે; જેમાં 3.17 કરોડ હેક્ટર ભૂમિ ગરમ રણપ્રદેશ અને 0.7 કરોડ હેક્ટર ભૂમિ ઠંડા પ્રદેશ સ્વરૂપે રોકાયેલી છે. ગરમ રણપ્રદેશમાં મુખ્યત્વે ઓછો અને અનિયમિત વરસાદ, વધારે પડતો બાષ્પીભવન-દર, ઊંચું તાપમાન અને ભૂમિની અલ્પફળદ્રૂપતા પાક-ઉત્પાદન અને માનવજીવન ઉપર અસર કરે છે. વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા જરૂર કરતાં વધારે સ્રોતોના ઉપયોગને કારણે ભૂમિ ખરાબ થતાં તેની ઉત્પાદનક્ષમતા ઘટવા લાગી છે. આ પરિસ્થિતિને નાથવા અને ઉપલબ્ધ સ્રોતોના લાંબાગાળાના વૈજ્ઞાનિક પ્રબંધ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા જોધપુરના મુખ્ય મથક દ્વારા જુદા જુદા આઠ વિભાગોમાં કાર્યરત છે.
આ સંસ્થા લગભગ 284 હેક્ટર વિસ્તારમાં આવેલી છે; જેમાં પાંચ મુખ્ય ભાગમાં પ્રયોગશાળાઓ અને ઑફિસ-બિલ્ડિંગ, ફાર્મ અને વિવિધ ફાર્મ-પ્રયોગશાળાઓ, મધ્યસ્થ ખંડ, સભાખંડ અને સંગ્રહાલય છે. સંશોધન કરતા વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ અને મહેમાનો માટે હૉસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સંસ્થા આધુનિક પુસ્તકાલય ધરાવે છે; જેમાં 20,000થી વધારે પુસ્તકો અને 60,000 જેટલાં પાછલાં વર્ષોનાં સામયિકો છે. પુસ્તકાલયમાં કૃષિવિજ્ઞાનના દરેક વિષય માટે 1975થી AGRRS database છે. Agricultural Research Information Centre ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે.
હાલમાં આ સંસ્થામાં લગભગ 150 જેટલા વૈજ્ઞાનિકો સંશોધનકાર્યમાં પ્રવૃત્ત છે. સંશોધનકાર્યમાં મદદ કરવા 319 ટૅકનિકલ અને 286 જેટલા અન્ય કર્મચારીઓ છે. વળી, આ સંસ્થાને મદદરૂપ થવા લગભગ 125 વહીવટી કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. પ્રારંભમાં આ સંસ્થા ICARના અનુદાનથી કાર્યરત હતી. 1998-99માં તેનું અંદાજપત્ર રૂ. 9.62 કરોડ હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ચાલતી અન્ય પરિયોજનાઓ સાથે આ સંસ્થા સંકળાયેલી છે.
હેતુઓ : 1. શુષ્ક આબોહવાયુક્ત વિસ્તારમાં ટકાઉ (sustainable) કૃષિપદ્ધતિના વિકાસ સંબંધી મૂળભૂત અને ઉપયોગી સંશોધનકાર્યો કરવાં.
2. રણના ફેલાવાને લગતી અને તેના નિયંત્રણ માટેના સ્રોતોની રાષ્ટ્રીય કક્ષાએ માહિતી એકત્રિત કરવી.
3. જે તે વિસ્તારને અનુરૂપ પ્રૌદ્યોગિકી (technological) હેતુઓ સિદ્ધ કરવા વૈજ્ઞાનિક આગેવાની અને રાષ્ટ્રીય કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી કાર્ય કરવું.
4. વૈજ્ઞાનિક યંત્રોને લગતી તાલીમ આપવી.
પ્રવૃત્તિઓ : સંસ્થા દ્વારા શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશને લગતાં મૂળભૂત અને ઉપયોગી સંશોધનો કરવામાં આવે છે. મૂળભૂત સ્રોતોની શોધ, રણનિર્માણની પ્રક્રિયા, ખરાબ ભૂમિની સુધારણા, વનીકરણ, પવનથી થતા ભૂક્ષરણ(erosion)ની અટકાયત, શુષ્ક કૃષિ અને સંકલિત જલસંચયન-પ્રબંધન, વૈકલ્પિક ભૂમિ વપરાશ, પાણીનો યોગ્ય વપરાશ, વિસ્તાર-પ્રબંધન, ભૂમિ-સંરક્ષણ, પાકસુધારણા, પ્રાણી-ઉત્પાદન અને પ્રબંધન, અનુપયોગી જણાતી વનસ્પતિનો કુદરતી ઉપયોગ, પ્રૌદ્યોગિકીનો પ્રસાર વગેરે પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે.
CAZRI વાસ્તવમાં દક્ષિણ અને અગ્નિ એશિયામાં 30 જેટલા વિવિધ વિષયો ઉપર કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાએ રણની નાજુક આબોહવાકીય પરિસ્થિતિમાં પણ વિકાસનાં પગલાં ભરવા માટેની શરૂઆત કરી છે. તેના વૈજ્ઞાનિકોના સઘન પ્રયાસોથી થરના રણનો વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ કરવામાં આવ્યો છે, જે એક સિદ્ધિ છે.
વ્યાસ પાંડેય