સેન્ટ્રલ ઇલેટ્રૉનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પિલાણી

January, 2008

સેન્ટ્રલ ઇલેટ્રૉનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પિલાણી : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના નેજા હેઠળની અને ટૂંકમાં ‘સીરી’ તરીકે જાણીતી પ્રયોગશાળા. ‘સીરી’ની સ્થાપના સન 1953માં પિલાણી, રાજસ્થાન ખાતે થયેલ છે. તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા શિલારોપણ થયા બાદ ‘સીરી’ના સંશોધનકાર્યનો આરંભ સન 1958માં થયો. ત્યારથી આજ દિન સુધીના સમયગાળામાં સંસ્થાએ અનેક ઉત્પાદનો તથા પ્રક્રિયાઓ વિકસાવ્યાં છે, વળી વીજાણુ-ઉદ્યોગની વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરી છે. સીરીની પડકારરૂપ પ્રવૃત્તિઓ માટે સુસજ્જ પ્રયોગશાળાઓ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જ્યાં 600થી વધુ નિષ્ણાતો અને સહાયક કર્મચારીઓ સેવારત છે.

સીરી મુખ્યત્વે અર્ધવાહક યુક્તિઓ (semiconductor devices), વીજાણુ-પ્રણાલીઓ (electronics systems) તથા સૂક્ષ્મતરંગ નલિકાઓ(microwave tubes)ના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ બાબતે યોગદાન આપતી સંસ્થા છે. આ ત્રણ મહત્ત્વનાં ક્ષેત્રો ઉપરાંત સીરીની પ્રવૃત્તિઓ અન્ય સંલગ્ન દિશાઓમાં પણ વિસ્તરેલી છે. તેમાં સીરીના નવી દિલ્હી તેમજ ચેન્નાઈના એકમો પણ જોડાયેલા છે. આ બંને એકમો સીરી, પિલાણીના નેજા હેઠળ 1974માં પ્રાદેશિક એકમ તરીકે સ્થપાયા પછી 1979માં પૂર્ણત: કાર્યરત છે.

દિલ્હી એકમ સંગ્રહાલયોને લગતા વીજાણુ (museum electronics) શ્યશ્રાવ્ય ઉપકરણો તથા ધ્વનિ-વાચા-તકનીકી નિયંત્રિત યંત્રને લગતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે; જ્યારે ચેન્નાઈ એકમ સ્પીચ-ટૅક્નૉલૉજી, સંચાર, કાગળ અને ખાદ્યાન્ન સંબંધી સંશોધન અને વિકાસ સાથે સંલગ્ન છે. સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓમાં ઘન કચરાના સુયોજિત નિકાલમાં મદદરૂપ થઈ શકે તેવી વ્યવસ્થા વિકસાવવાનો સમાવેશ થઈ રહ્યો છે.

અર્ધવાહકના ક્ષેત્રમાં વિશેષત: આઇ. સી. ડિઝાઇન, યુક્તિ-પ્રક્રમણ, સંકર-પરિપથ (hybrid circuits), ઑપ્ટૉ-ઇલેક્ટ્રૉનિક્સ પ્રયુક્તિઓ તેમજ અર્ધવાહક પદાર્થ જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ઇલેક્ટ્રૉનિક્સ પ્રણાલીઓમાં એગ્રી ઇલેક્ટ્રૉનિક્સ, વાચા-તકનીકી, ઔદ્યોગિક ઇલેક્ટ્રૉનિક્સ તથા ઇન્સ્ટ્રુમેન્ટેશન પદ્ધતિઓને કેન્દ્રમાં રાખીને સંશોધનકાર્ય ચાલે છે. સૂક્ષ્મતરંગના ક્ષેત્રમાં સંચાર તેમજ ઉદ્યોગોની જરૂરિયાત પર કામ થઈ રહ્યું છે.

સીરી વિવિધ યુનિવર્સિટીના સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટેની તાલીમનું આયોજન કરે છે. તદુપરાંત ઉદ્યોગો માટે સલાહસેવાઓ પૂરી પાડે છે. વળી તે ઉચ્ચક (કૉન્ટ્રાક્ટ) પદ્ધતિ હેઠળ આ ક્ષેત્ર સાથે સંલગ્ન એવા એકમોને સંશોધન-સહાય પણ પૂરી પાડે છે.

હર્ષદભાઈ દેસાઈ