સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ : જળસંસાધન મંત્રાલય, ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથોરિટી, નવી દિલ્હીના આશ્રયે 1954માં સ્થપાયેલ તથા 1970માં બંધારણીય રીતે પૂર્ણપણે કાર્યરત થયેલ રાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા ભૂગર્ભજળભંડારોનાં સર્વેક્ષણ, અન્વેષણ, સિંચાઈ-વ્યવસ્થા, વિતરણ, ઔદ્યોગિક તેમજ ગૃહવપરાશ, જરૂરી જળનિયંત્રણ, જળવિકાસ જેવી જવાબદારીઓ નિભાવે છે. સંશોધનથી મેળવાતી ભૂગર્ભજળની આધારસામગ્રી દ્વારા રાજ્યો તથા સંલગ્ન સંસ્થાઓને આયોજન અને સંચાલન માટે તે જરૂરી માર્ગદર્શન આપે છે. આ બોર્ડ સંશોધન અને વિકાસ, કૃત્રિમ પુન:જળભરણ પદ્ધતિઓ, જળસ્રાવનો તુલનાત્મક અભ્યાસ અને જળપ્રદૂષણ જેવી બાબતો અંગેની વિશેષ યોજનાઓનો અમલ પણ કરે છે. જાહેરક્ષેત્રના, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સંલગ્ન કર્મચારીઓ માટે તાલીમ અભ્યાસક્રમોનું આયોજન કરી ભૂગર્ભજળનાં જુદાં જુદાં પાસાંની તાલીમ આપે છે. રાષ્ટ્રના ભૂગર્ભજળસ્રોતોનો અંદાજ; તેમનાં સંગ્રહ અને વૃદ્ધિ; પ્રદૂષણથી તેમનો બચાવ તથા પર્યાવરણક્ષમતા તેમજ આર્થિક સિદ્ધાંતોને આધારે ભૂગર્ભજળનું વિતરણ જેવી બાબતો તે હાથ પર લે છે.

આ બોર્ડ ભૂગર્ભજળ-અન્વેષણનું કાર્ય ચાર ક્ષેત્રીય શાખાઓ (ફોટો જિયૉલૉજી, દૂરસંવેદન, આધુનિક ભૂમિતળ ભૂભૌતિક સર્વેક્ષણ અને સપાટીજળ મૉનિટરિંગ) દ્વારા વર્ષમાં ચાર વાર જળનિયંત્રણ તથા જળગુણવત્તાની ચકાસણી કરે છે. દ્વીપકલ્પીય ભારતનાં રાજ્યોમાં ભૂગર્ભજળ પ્રોજેક્ટો દ્વારા ચકાસણી-કૂવાઓ ઊભા કરી પાણીની ગુણવત્તા તથા અન્ય આધારસામગ્રી ભૂગર્ભજળનો ઉપયોગ કરતી સંસ્થાઓને પૂરી પાડે છે.

આ સંસ્થા તેના એકસો જેટલાં શારકામ-યંત્રો દ્વારા રાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં જળસ્રાવસ્રોતોની માહિતી મેળવે છે તથા તેની ભૂગર્ભશારકામપાંખ શારકામોમાંથી ઉપલબ્ધ આધારસામગ્રીને લક્ષમાં લઈ ક્ષેત્રીય ભૂગર્ભજળસ્રોતોની ભૂમિતિ નક્કી કરી, ભૂગર્ભજળના વિકાસ માટેની યોજના ઘડે છે. દૂરસંવેદન દ્વારા ઉપલબ્ધ આધારસામગ્રીનો ઉપયોગ કરીને શારકામ કાર્યો હાથ પર લેવાય છે. આ સંસ્થા દ્વારા ચકાસણી કરીને 31-5-2003 સુધીમાં 10,051 શારકૂવા તૈયાર કરાયા છે. તે પૈકીના 7649 શારકૂવા સફળ થયા છે. આ ઉપરાંત, 7164 શારકૂવા તૈયાર કરવા માટે રાજ્ય સરકારોને જાણ કરવામાં આવેલી છે. રાજ્યોને ભૂગર્ભજળના વિકાસની યોજના કરવા માટે જરૂરી નાણાકીય તથા વહીવટી વ્યવસ્થા કરવા માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલું છે. આ વિભાગ કેન્દ્ર/રાજ્ય સરકારો ને સંલગ્ન સંગઠનોને જરૂરી તાલીમ આપવાનું આયોજન પણ કરી આપે છે. વળી, દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બોર્ડ દ્વારા ટ્યૂબવેલ ખોદીને પીવાના પાણીની સમસ્યા હલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસા અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં આ બોર્ડ દ્વારા 1519 ટ્યૂબવેલ ખોદી આપવામાં આવેલા છે.

આ બોર્ડ ભૂભૌતિક સ્તરગોઠવણી ક્રમાંક આલેખન દ્વારા ક્ષેત્રીય ભૂગર્ભજળસ્રાવસ્રોતોના વિસ્તારની ભૂમિતિ, રચના તથા જળની ગુણવત્તા નક્કી કરી, કંઠારવિસ્તારોમાં થતા ક્ષારતાપ્રવેશના પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરે છે.

ભૂગર્ભજળનાં સંગ્રહ, ઉપાર્જન તથા વિસ્તૃતીકરણના મુદ્દાઓ માટે આ બોર્ડની પમ્પિંગ-ચકાસણી પાંખ કાર્યરત છે. તે ભૂગર્ભજળધારક શારકામક્ષેત્રોમાં શારકૂવાનાં સ્થળોની જગ્યા, અંતર અને જળસ્રોતોના વિસ્તાર-સીમાંકનનું કાર્ય કરે છે.

અંદાજે 16,000 જેટલા જળ-આલેખ દ્વારા જળગુણવત્તાની જાણકારી મેળવવાનું કાર્ય 2004 સુધીમાં પૂર્ણ થયું છે. આ ઉપરાંત 2,240 પીઝોમીટર ગોઠવીને જળશાસ્ત્રીય પ્રકલ્પોની જળસપાટીની દેખરેખ રાખવાનું, જળસપાટીની ડિજિટલ નોંધણી રાખવાનું, નિયત અંતરે સાધનો ગોઠવી ભૂગર્ભજળની સપાટીની જાણકારી રાખવાનું કામ આ બોર્ડ દ્વારા થાય છે.

ક્ષેત્રીય પ્રયોગશાળાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા-ચકાસણી તથા રાષ્ટ્રીય કક્ષાએ જળ-ગુણવત્તાના નકશાઓ બનાવવાનું કાર્ય ચાલે છે. પ્રયોગશાળાઓમાં ઑટોમેટિક ઍબ્સૉર્પશન સ્પેક્ટ્રોફોટોમીટર, ગૅસ ક્રોમેટોગ્રાફ, આયનમીટર, કન્ડક્ટિવિટીમીટર, સેમી-ઑટોમેટિક ચકાસણીમાપક વગેરે જેવાં સાધનોની મદદથી જળમાં રહેલા અકાર્બનિક-કાર્બનિક બંધારણીય દ્રવ્યોનું તથા મુખ્ય અને ગૌણ ટ્રેસ એલિમેન્ટ્સનું રાસાયણિક પૃથક્કરણ થાય છે.

આ બોર્ડ કંઠારવિસ્તારોના ક્ષારતાપ્રવેશ પ્રદૂષણના નિયંત્રણ/અટકાવ માટે સૂચનો તથા જરૂરી માર્ગદર્શન પૂરાં પાડે છે. છિદ્રાળુ ચૂનાખડકની ગુફાઓમાં ભૂગર્ભજળની શક્યતાની ચકાસણી કરી, ગુફાઓમાં સંગ્રહાયેલ જળસ્રોતોની વૈજ્ઞાનિક રીતે ભૂભૌતિક-ભૂવિજ સર્વેક્ષણથી જાણકારી મેળવી આપે છે. ભૂગર્ભજળમાં રહેલા ‘આર્સેનિક તત્વ’થી થતા આર્સિનીકોસિસ, કેરાટોસિસ અને ચામડીના કૅન્સરના રોગોને નાથવા ઊંડાણના જળસંચયસ્થાનો(aquifers)નું સંશોધન કરી આર્સેનિક તત્ત્વના પ્રમાણનું માપ કાઢે છે.

આ બોર્ડની કૃત્રિમ પુન:જળભરણ (artificial recharge) પાંખ સાધનોથી સુસજ્જ અને કાર્યરત છે. પુન:જળભરણ માટે ઉપયોગમાં લેવાતી વિશેષ પદ્ધતિઓમાં ‘ડીચ અને ફરો’ પદ્ધતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જળસ્રાવ તળાવ, ચેકડૅમ, ગામતળાવોનો કાંપ ઉલેચી ઊંડા કરવાનું કામ, ખુલ્લા કૂવાઓમાં પુન:જળભરણ, રિચાર્જ શાફ્ટ, ઇંજેક્શનવેલ, ધાબાના પાણીથી પુન:જળભરણ જેવી વિવિધ પદ્ધતિઓને અમલમાં મૂકી ભૂગર્ભજળસંરક્ષણ અને જળવૃદ્ધિ કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણ તેમજ ઝડપી ઔદ્યોગિકીકરણ દ્વારા બોર્ડની પર્યાવરણ પાંખ ઔદ્યોગિક કચરાની, રાસાયણિક ખાતરોની તથા જંતુનાશકોની અસરોથી ભૂગર્ભજળને પ્રદૂષિત થતું રોકવા પ્રયાસો કરે છે. પ્રદૂષિત સપાટીજળનું ભૂગર્ભજળમાં સંમિશ્રણ ન થાય તે માટે પણ પ્રયોગો હાથ ધરે છે. કેટલાક એકમો જો ભૂગર્ભજળને પ્રદૂષિત કરતા હોય તો તેમને અટકાવવા માટે તેમના પર વિશેષ કર લાદવાની યોજના પણ આ બોર્ડની વિચારણા હેઠળ છે.

ભૂગર્ભજળનાં સંશોધનો અંગેનાં તક્નીકી પ્રકાશનોને જાહેર જનતાની જાણ માટે પ્રકાશિત કરવા માટે આ બોર્ડની એક અલગ પાંખ તેના દસ્તાવેજી પુરાવાઓ બનાવી નકશાઓ, લેખો, અહેવાલો તેમજ પરિસંવાદોના અંકો વ્યાપારી ધોરણે બહાર પાડવાનું કાર્ય કરે છે. ભૂગર્ભજળનો યોગ્ય વપરાશ, સિંચાઈ, પાણીનો પીવા માટે ઉપયોગ વગેરે માટે સંશોધન કરી, જળનો ઓછામાં ઓછો વ્યય થાય એવી અભ્યાસ-યોજનાઓને તે હાથ પર લે છે.

ભૂગર્ભજળને લગતાં સંશોધનો અને તેના સંચાલન માટે ‘રાજીવ ગાંધી રાષ્ટ્રીય ભૂગર્ભજળ તાલીમ અને સંશોધનસંસ્થા’ ઑગસ્ટ, 1997માં રાયપુર (છત્તીસગઢ) ખાતે ઊભી કરવામાં આવી છે. આ સંસ્થા ભૂગર્ભજળ અંગે કામ કરતી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંયુક્ત સાહસથી તાલીમ અને તક્નીકી વિદ્યાનાં હસ્તાંતરણનાં કાર્યો કરે છે.

ગુજરાતમાં સંસ્થાના પશ્ચિમી ક્ષેત્ર દ્વારા ભૂગર્ભજળસંગ્રહ માટે ધાબા/છાપરાના વરસાદી જળના સંગ્રહ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ યોજનામાં ભૂગર્ભજળસ્રોતોના ભંડારોમાં વર્ષાજળનો સંગ્રહ કરવાની પદ્ધતિઓ તેમજ પુન:જળભરણના લાભો સમજાવવામાં આવે છે.

સપાટીજળ કરતાં ભૂગર્ભજળનું મહત્ત્વ ઘણું ઊંચું ગણાય. સંગ્રહ તથા વપરાશ માટે ન્યાયી, શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો રાષ્ટ્રીય હિતમાં છે. પ્રવર્તમાન સંજોગોમાં દેશ માટે બે બાબતો સમસ્યારૂપ બની રહેલી છે : (i) પીવાના પાણીની માંગ વર્ષોવર્ષ વધતી જાય છે, (ii) તેની સાથે મીઠા પાણીની આવક ઘટતી જાય છે. આ માટે બોર્ડ કૃત્રિમ પુન:જળભરણની પદ્ધતિ અપનાવવા લોકસમજ કેળવવાનું કાર્ય કરે છે. નવમી પંચવર્ષીય યોજનામાં આ બોર્ડ દ્વારા ‘સ્ટડી ઑવ્ રિચાર્જ ટુ ગ્રાઉન્ડ વૉટર’ની યોજના મૂકવામાં આવી છે. તેની ફળશ્રુતિરૂપે લગભગ બધાં જ (27) રાજ્યોમાં ત્યાંની જળભૂસ્તરીય પરિસ્થિતિને લક્ષમાં લઈને 174 પ્રકલ્પો હાથ ધર્યા છે, તે પૈકીના 115 પ્રકલ્પો પૂર્ણ થઈ ગયા છે. 59 પ્રકલ્પોનું કાર્ય ચાલી રહ્યું છે. કૃત્રિમ પુન:જળભરણ અને વર્ષાજળના સંગ્રહ માટે દસમી પંચવર્ષીય યોજનામાં આયોજન કરવામાં આવ્યું છે. તેનો અંદાજી ખર્ચ 175 કરોડ રૂપિયાનો મુકાયો છે. આ બોર્ડ ભારતના જુદા જુદા ભાગોમાં જળસંગ્રહની તક્નીકી સેવા નિ:શુલ્ક આપે છે. તેની સમજ કેળવાય તે માટે NCERTનાં પુસ્તકોમાં વિગતે માહિતી આપેલી છે.

આ બોર્ડ વૈજ્ઞાનિક અહેવાલ અને નકશા રાજ્ય સરકાર અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓને નિયમિત માહિતી મળી રહે તે માટે પ્રકાશિત કરે છે. તાજેતરમાં આ બોર્ડ દ્વારા ભારતનો જળભૂસ્તરીય નકશો પ્રકાશિત કરવામાં આવ્યો છે.

જયંત વિ. ભટ્ટ

નીતિન કોઠારી