સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરાઈકુડી
January, 2008
સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડી : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ન્યૂ દિલ્હીના નેજા હેઠળ પ્રસ્થાપિત 38 જેટલી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ પૈકીની એક. ‘સેક્રિ’(C.E.C.R.I.)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થાની સ્થાપના 25 જુલાઈ, 1948ના રોજ તામિલનાડુના કરાઈકુડી ખાતે થઈ હતી. તેનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ઔદ્યોગિક અને પ્રયુક્ત વિજ્ઞાનને લગતું સંશોધન હાથ ધરવાનો છે. સંસ્થામાં મુખ્યત્વે નીચેના વિભાગો કાર્યરત છે :
(i) સંક્ષારણ (corrosion) વિજ્ઞાન અને ઇજનેરી; (ii) વિદ્યુતલેપન (electroplating) અને ઔદ્યોગિક ધાતુ-પરિષ્કૃતિ (metal finishing); (iii) વિદ્યુતરાસાયણિક ઊર્જા પ્રણાલીઓ; (iv) વિદ્યુતરસાયણો; (v) વિદ્યુત-જલધાતુકર્મ (electrohydro metallurgy); (vi) વિદ્યુત-તાપધાતુકર્મ (electropyro metallurgy); (vii) વીજરાસાયણિક દ્રવ્યવિજ્ઞાન (materials science); (viii) વીજધ્રુવશાસ્ત્ર (electrodics) અને વિદ્યુતઉદ્દીપન (electrocatalysis); (ix) ઇલેક્ટ્રૉનિક્સ અને વીજરાસાયણિક ઉપકરણીયતા (instrumentation); (x) પ્રદૂષણ-નિયંત્રણ અને (xi) ઉચ્ચ કોટિનાં સાધનોની સુવિધા.
આ ઉપરાંત તે ચેન્નાઈ, મંડપન અને થુઠુક્કુડી (Thoothukkudi) સ્થિત ત્રણ વિસ્તરણ સંશોધન અને વિકાસકેન્દ્રો પણ ધરાવે છે.
સંસ્થાના વિવિધ વિભાગોમાં થઈને 163 જેટલા વૈજ્ઞાનિકો સહિત લગભગ 545 જેટલા કર્મચારીઓ સેવાઓ આપી રહ્યા છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ, સરકારી સંસ્થાઓ અને જાહેર તથા ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમો સંસ્થાની તજ્જ્ઞતા(expertise)નો લાભ લે છે.
સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઍલ્યુમિનિયમના ઉત્પાદન માટે કાર્બન વિનાના પારિમૈત્રિક (ecofriendly) એનૉડ શોધી ઍલ્યુમિનિયમ ટૅક્નૉલૉજીમાં મહત્ત્વની પ્રગતિ (break through) હાંસલ કરેલ છે. ઇલેક્ટ્રૉનિક્સ, ઔષધો, નાભિકીય ઇંધન(nuclear fuel)ને લગતા સંશોધન વગેરે માટે ઉપયોગી એવા કૅલ્શિયમના ઉત્પાદન માટેનું વીજાપઘટક (electrolyser) પણ શોધ્યું છે. સંરક્ષા-વિમાનો, હળવાં યુદ્ધવિમાનો અને આધુનિક હળવાં હેલિકૉપ્ટરોનાં લૅન્ડિન્ગ ગિયર(landing gear)ની પ્લેટિંગની તેમજ ઇસરોના IISU (Isro Inertial Systems Unit) માટે તથા ઇન્સેટ અને IRS ઉપગ્રહોમાં ઉપયોગમાં લેવાની ઍલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓને સોનાનો ઢોળ ચડાવવાની વિધિ પણ વિકસાવી છે. સંસ્થાએ નીચાં તાપમાનોએ કામ આપતી લેડ-ઍસિડ બૅટરી વિકસાવી છે. તે સંસ્થા ઇંધન-કોષો (fuel cells) પર પણ સંશોધન કરી રહી છે. ભારત ક્રૉમાઇટ અયસ્કનો એક મહત્ત્વનો ઉત્પાદક હોઈ સંસ્થાએ વિકસાવેલી ક્રૉમિયમ ધાતુની ટૅક્નૉલૉજીને કારણે ભારત આ ધાતુના ઉત્પાદનમાં સાતમો દેશ બન્યો છે. ‘સેક્રિ’એ ઍલ્યુમિનેટ લિકરમાંથી ગેલિયમ ધાતુ પુન: પ્રાપ્ત કરવાની વિધિ વિકસાવી છે, જેના દ્વારા નૅશનલ ઍલ્યુમિનિયમ કંપની (ભુવનેશ્વર) વર્ષે એક ટન જેટલી ગેલિયમ ધાતુનું ઉત્પાદન કરી શકશે. આ ઉપરાંત પણ અનેક ક્ષેત્રોમાં મહત્ત્વનું સંશોધનકાર્ય આ સંસ્થામાં થઈ રહ્યું છે.
આ સંસ્થા એક સમૃદ્ધ પુસ્તકાલય ધરાવે છે. તેમાં 45,000 જેટલાં પુસ્તકો અને સામયિકોનાં પાછળના અંકો(back volumes)નો સમાવેશ થાય છે.
આ સંસ્થાની ઉપલબ્ધિમાં 700 પેટન્ટ, 220 પ્રક્રમો (processes), 300 જેટલાં પ્રાયોજિત અને સહાયક અનુદાન પ્રકલ્પો, 400 પરવાનાઓ અને 4100 જેટલાં સંશોધન અને આલોચનાત્મક લેખોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ સંસ્થા ઉદ્યોગો માટેનાં તાલીમી અભ્યાસક્રમો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદો પણ યોજે છે.
‘બુલેટિન ઑવ્ ઇલેક્ટ્રૉકૅમિસ્ટ્રી’ એ સંસ્થા દ્વારા પ્રકાશિત થતું જાણીતું માસિક છે.
જ. દા. તલાટી