સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP) લખનૌ

January, 2008

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP), લખનૌ : ઔષધકીય અને સુવાસિત વનસ્પતિઓ ઉપર સંશોધન કરતી ભારતીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), દિલ્હીની લખનૌ ખાતે આવેલી મહત્ત્વની પેટાસંસ્થા છે.

આ સંસ્થા વાનસ્પતિક સંશોધન તથા વિકાસ અને જૈવતકનિકી (biotechnology) ક્ષેત્રે નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે :

(1) વાનસ્પતિક સ્રોતોમાંથી ઔષધોનું સંશોધન

(2) ઔષધ-સંશોધનોમાં આણ્વીય જનીનવિજ્ઞાન(molecular genetics)ની સંડોવણી

(3) જનનરસ (germplasm) અને વિવિધ જનીનપ્રકારો-(genotypes)ના માપન માટે DNA ફિંગર-પ્રિન્ટિંગ

(4) આણ્વીય વનસ્પતિશાસ્ત્ર અને જનીન-ઇજનેરી દ્વારા મોં વાટે આપી શકાય તેવી રસીઓ(vaccines)નો વિકાસ

(5) પારજનીનિક (transgenic) વનસ્પતિઓનો વિકાસ

(6) ફુદીના(Mentha arvensis)નું પેશીય સંવર્ધન અને જરૂરી ગુણધર્મ પ્રાપ્ત કરવા અંગે સંશોધન

(7) લુપ્ત થતી જતી વનસ્પતિઓની મહત્ત્વની જાતિઓ માટે મૂળરોમસંવર્ધન

ઉપર્યુક્ત સંશોધન અને વિકાસ માટે આ સંસ્થા વિવિધ વિભાગો ધરાવે છે અને તે માટે જરૂરી અત્યંત અદ્યતન ઉપકરણોથી સુસજ્જ છે. તે આણ્વીય જનીનવિજ્ઞાન અને જનીન-ઇજનેરી, જૈવ-મૂલ્યાંકન (bioevaluation) અને રાસાયણિક પરિચ્છેદન (profiling) માટેની સગવડો ધરાવે છે.

આ સંસ્થા દ્વારા વિવિધ હર્બલ ઊપજોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે બજારમાં મુકાઈ છે. કેટલીક ઊપજો આ પ્રમાણે છે : (1) ક્વિનોસ્ટાસિન જેવાં પ્રતિજૈવિક (antibiotic) ઔષધો; (2) નિયાઝિરિડિન જેવા જૈવ-વર્ધકો (bioenhancer); (3) ડર્મેટો-ફાઇટ્સ માટે ફૂગનાશક ઔષધો; (4) વનસ્પતિજન્ય પૃષ્ઠીય જંતુનાશકો (surface disinfectant); (5) વનસ્પતિજન્ય કીટપ્રતિકર્ષી (mosquito repellant) અગરબત્તી; (6) Taxus પ્રજાતિમાંથી પ્રતિકૅન્સર ઔષધ – ટૅક્સોલ; (7) મલેરિયારોધી ઔષધ – આર્ટિથર, આર્ટેમિસિનિન; (8) પ્રતિકૅન્સર ઔષધ – ડોસિટૅક્સલ; (9) બીટાવલ્ગારિસ(Beta vulgaris)માંથી બીટાસાયનિન નામનો ખાદ્ય રંગ; (10) યકૃતના રક્ષણ માટે સીલીમારિન ઔષધ; (11) સુગંધકો (flavours) જેવા કે મૅન્થોલ, જિરેનિયોલ, સિટ્રાલ, સિટ્રોનિલાલ; (12) જીવાણુનાશક (antibacterial) ઔષધો; (13) જૈવસંવેદક (biosensor) તંત્ર; (14) વનસ્પતિજન્ય ખાદ્ય રસીઓ; (15) જનીનિકત: નિર્ભેળ વનસ્પતિનું સર્જન અને (16) યુરિયેઝનો અટકાવ અને યુરિયાની મંદ મુક્તિ (slow release) માટેનાં સંરૂપણો (formulations).

આમ, વનસ્પતિમાંથી ઔષધનાં સંશોધન, ઉત્પાદન અને વિકાસક્ષેત્રે ‘સિમેપ’, લખનૌ ભારત ખાતેની અગ્રણી સંસ્થા છે.

યોગેન્દ્ર કૃષ્ણલાલ જાની