સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT)
January, 2008
સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT) : પ્રાણી અને વનસ્પતિના કુદરતી રહેણાક(નિવાસ)ને લગતા (ઊભા થતા) પ્રશ્નોના નિરાકરણ બાબતે જરૂરી આયોજન અને સંચાલનકાર્ય અંગે શિક્ષણ આપતી આગવી સંસ્થા.
1962માં સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર તરીકે શરૂ થયેલ આ સંસ્થા હવે 2005 સુધીમાં રહેણાક(habitat)-સંલગ્ન અનેક વિષયોને આવરી લેતી એક મોટી વિદ્યાસંકુલ બની ગઈ છે; જેમાં સ્કૂલ ઑવ્ પ્લાનિંગ 1972માં, સ્કૂલ ઑવ્ બિલ્ડિંગ-સાયન્સ અને ટૅક્નૉલૉજી 1982માં અને સ્કૂલ ઑવ્ ઇન્ટીરિયર ડિઝાઇન 1991માં શરૂ કરવામાં આવેલ. શરૂઆતથી જ એક સ્વાયત્ત સંસ્થા તરીકે રહી. સંસ્થાના મૅનેજમેન્ટે બાંયધરી (sponsorship) લેતાં રાજ્ય સરકારે ધારો ઘડીને આ સંસ્થાને રાજ્યની યુનિવર્સિટી તરીકે 2005માં માન્યતા આપી છે, તે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવે છે.
સંસ્થાના મુખ્ય ઉદ્દેશો : મૂલ્ય-આધારિત સર્વાંગીણ શિક્ષણ, સમાજના પર્યાવરણ અંગેના પ્રશ્નોમાં સક્રિય રીતે ભાગ ભજવવો, રાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતની પર્યાવરણ અંગેની બાબતોમાં સ્રોતકેન્દ્ર અને શ્રેષ્ઠતાકેન્દ્ર (centre of excellence) પણ બની રહેવું.
આ સંસ્થા AICTE, MHRD, ITPI (Institute of Town Planners India), COA (Council of Architecture) તેમજ એશિયાની પ્લાનિંગ સ્કૂલોના ઍસોસિયેશન દ્વારા સ્વીકૃત છે. ભારત સરકાર તેમજ UNICEF તરફથી નાનાં અને મધ્યમ શહેરોના સર્વાંગીણ વિકાસ માટેની મધ્યવર્તી તાલીમ સંસ્થા (nodal training institute) તરીકે તે માન્ય રહી છે.
તાલીમ/શિક્ષણ, સંશોધન અને સલાહ (consultancy) – એમ ત્રણે ક્ષેત્રોમાં તે કાર્ય કરે છે. આ ક્ષેત્રો નીચે અનેકવિધ પ્રોજેક્ટો ઉપર કાર્ય કરેલ છે, જેમાં ‘ડિઝાસ્ટર મૅનેજમેન્ટ’, ભૂકંપમાં અસર પામેલ મકાનોને થયેલ નુકસાનનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન, ઉચ્ચ અધિકારીઓને તાલીમ, ભૂમિ-આયોજન, પર્યાવરણની અસરનું મૂલ્યાંકન, ગ્રામીણ વિકાસ – એમ અનેક બાબતોનો સમાવેશ થાય છે. પર્યાવરણ અને તેને સંલગ્ન વિષયોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠીઓ, પ્રવચનો અને ટૂંકાગાળાના અભ્યાસક્રમો યોજાય છે.
સારો અધ્યાપકગણ એ સંસ્થાનું આગવું બળ છે. અધ્યાપકો રાજ્ય, કેન્દ્ર તેમજ અન્ય સંસ્થાઓની વિવિધ સમિતિઓમાં સભ્યો તરીકે પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓને પ્રૉજેક્ટકાર્ય સાથે સાંકળી જે તે વિષય/પ્રશ્નની ઊંડાણમાં ખણખોતર કરી તે દ્વારા અસરકારક તાલીમ આપવાની રીત સહજભાવે સ્વીકારાઈ છે તે પણ આ સંસ્થાનું એક આગવું સોપાન છે.
સ્નાતક અને અનુસ્નાતક-કક્ષાના નીચે મુજબના અભ્યાસક્રમો હાથ પર લેવાય છે :
સ્નાતક-કક્ષા :
* ‘બેચલર ઑવ્ આર્કિટેક્ચર’ (બી.આર્ક.) – 1962
* ‘બેચલર ઑવ્ સિવિલ એન્જિનિયરિંગકન્સ્ટ્રક્શન ટૅક્નૉલૉજી’ (BCEConst. Tech.) – 1982
* ‘બૅચલર ઑવ્ ઇન્ટીરિયર ડિઝાઇન’ (B.I.D.) – 1991
અનુસ્નાતક-કક્ષા :
* ‘માસ્ટર ઑવ્ પ્લાનિંગ – અર્બન ઍન્ડ રિજ્યોનલ પ્લાનિંગ’ (M. Plan. – URP) – 1972
* ‘માસ્ટર ઑવ્ પ્લાનિંગ – ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ’ (M. Plan. – EP) – 1987
* ‘માસ્ટર ઑવ્ પ્લાનિંગ – હાઉસિંગ’ (M. Plan. – Hsg) – 1988
* ‘માસ્ટર ઑવ્ પ્લાનિંગ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (M. Plan. – IP) – 2005 વગેરે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે આ સંસ્થા ‘સ્ટુડન્ટ ઍક્સચેન્જ પ્રોગ્રામ’ નીચે સ્વિટ્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, યુ.એસ., જેરૂસલેમ, વિયેના – એમ અનેક દેશો-પ્રદેશોની પ્રતિષ્ઠિત સંસ્થામાં પોતાના વિદ્યાર્થીઓને એક ટર્મ માટે અભ્યાસ માટે મોકલે છે. વિદ્યાર્થીઓને અને સંસ્થાને આ પ્રોગ્રામને લીધે મોટો ફાયદો થાય છે.
ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ