સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ એજ્યુકેશન (પર્યાવરણ-શિક્ષણ કેન્દ્ર – CEE)

January, 2008

સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ એજ્યુકેશન (પર્યાવરણ-શિક્ષણ કેન્દ્ર – CEE) : સામાન્ય જનસમુદાયમાં પર્યાવરણ અંગે જાગૃતિ (awareness) કેળવતી રાષ્ટ્રીય સંસ્થા. સોસાયટી નોંધણીના કાયદા, 1860 નીચે 1984માં નોંધાઈ છે. તેની શરૂઆત જ પર્યાવરણના શિક્ષણ માટેના શ્રેષ્ઠતા કેન્દ્ર (centre of excellence) તરીકે થઈ છે. હાલ તે થલતેજ, અમદાવાદમાં કાર્યરત છે. ભારત સરકારના પર્યાવરણ અને વન-મંત્રાલયની જરૂરી સહાય આ સંસ્થાને ઉપલબ્ધ છે. આ સંસ્થાની માતૃસંસ્થા નહેરુ વિકાસ પ્રતિષ્ઠાન (Nehru Development Foundation) છે. 1966થી જ તેને (નહેરુ વિકાસ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ) વિજ્ઞાન, પ્રકૃતિ-અધ્યયન, સ્વાસ્થ્ય-વિકાસ અને પર્યાવરણના ક્ષેત્રમાં કાર્ય કરવાનો અવસર મળ્યો છે. CEE બનતાં પર્યાવરણ અંગે જાણકારી અને શિક્ષણનો ફેલાવો કરવો તે મુખ્ય કાર્યક્ષેત્ર બની ગયું. શાળાના વિદ્યાર્થીઓથી માંડી કૉલેજના અધ્યાપકો સુધીનો તેનો આ ક્ષેત્રનો ફલક છે.

દેશમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભાગોમાં પર્યાવરણ જનજાગૃતિ શિક્ષણના ફેલાવા માટે તેનાં ઉપકેન્દ્રો અને પરિયોજના-કાર્યાલયો આવેલાં છે. આ ઉપકેન્દ્રો પુણે, લખનૌ, બૅંગલોર અને ગૌહત્તી(ગુવાહાટી)માં આવેલાં છે. સંસ્થાના સંચાલન માટે ગવર્નિંગ કાઉન્સિલ, ફાયનાન્સ કમિટી અને સ્થાયી કમિટી છે.

આ સંસ્થાના અનેકવિધ અને અનેકસ્તરીય કાર્યક્રમો નીચે મુજબ છે :

1. શિક્ષણસંસ્થાઓ સંલગ્ન પર્યાવરણશિક્ષણ : શિક્ષકોને પ્રશિક્ષણ આપવું, પર્યાવરણ-શિક્ષણ સામગ્રી તૈયાર કરવી, શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરવા. એમાં ઇકો ક્લબ, શિબિરો, પર્યટનોનું આયોજન વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદના મોસમ-વિજ્ઞાન વિભાગની મુલાકાતે બાળકો

2. સ્કૂલક્લસ્ટર કાર્યક્રમ : સ્વયંસેવી સંસ્થાઓ, શિક્ષણવિભાગના અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેતો, નેટવર્કિંગ પર ભાર મૂકતો આ કાર્યક્રમ છે. પર્યાવરણને લગતો ડૅટાબેઝ તૈયાર કરવો, ફિલ્મો, પ્રકાશનો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. સંસ્થાએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ (National Environment Education Programme) સાથે સાંકળી લીધો છે, જે સમગ્ર દેશમાં એક મોટા નેટવર્ક તરીકે સેવા આપે છે.

3. ઉચ્ચતર સ્તર પર પર્યાવરણશિક્ષણ : સુપ્રીમ કોર્ટે તેના એક ફેંસલામાં ઉચ્ચ શિક્ષણમાં પણ પર્યાવરણના શિક્ષણને આવરી લેવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને સૂચન કરેલ છે. તેની અંતર્ગત પાઠ્યક્રમ અને અધ્યાપકોની તાલીમ માટેના કાર્યક્રમનો સમાવેશ થાય છે.

4. સંચારમાધ્યમો અને પર્યાવરણશિક્ષણ : અખબારો અને સ્વયંસેવી સંસ્થાઓને પર્યાવરણ સંબંધી સમાચારો અને લેખો મોકલાવવા, જેને જે તે અખબારો, સામયિકો, પત્રિકાઓ અનુકૂળતા પ્રમાણે પ્રકાશિત કરી શકે. વળી યુનેસ્કોની પર્યાવરણ ઉપરની પત્રિકા ‘કનેક્ટ’નું હિન્દી સંસ્કરણ કરી તેનું ‘સંપર્ક’ના નામે પ્રકાશન થાય છે. તદુપરાંત પોતાનું સમાચારપત્ર પણ પ્રકાશિત કરાય છે.

5. પ્રકૃતિના સન્નિધ્યમાં પર્યાવરણ-શિક્ષણ : અમદાવાદમાં આવેલ ‘સુંદરવન’ પ્રકૃતિકેન્દ્ર આ સંસ્થા ચલાવે છે. બાળકોમાં પ્રકૃતિપ્રેમ જાગે તે તેનો ઉદ્દેશ છે.

પર્યાવરણ-શિક્ષણની એક-ઝલક

6. પ્રદર્શન દ્વારા પર્યાવરણશિક્ષણ : રાષ્ટ્રીય ઉદ્યાનો અને વિરાસત-(heritage)નાં સ્થળોએ આવતા પર્યટકોને પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમ તરફ વાળવા આ સ્થળો પર પ્રદર્શનો યોજવાં. આ કાર્યક્રમ બહુ અસરકારક રહ્યો છે – ખાસ કરીને પર્યાવરણના સંરક્ષણમાં ભાગીદાર થવામાં જાગતી ઉત્સુકતાને લીધે.

7. પર્યાવરણ અને વિકાસનીતિ માટે પર્યાવરણશિક્ષણ : પર્યાવરણ અને વિકાસને સંબંધિત અનેક મુદ્દાઓ પર પ્રકાશનો (પુસ્તકો/પુસ્તિકાઓ) બહાર પડાય છે, જેમનો ઉદ્દેશ જુદાં જુદાં ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન પર બેઠેલા નિર્ણયો લેનારા અને નીતિઓ ઘડનારાને પર્યાવરણને લગતી મહત્ત્વની બાબતો પર વિચાર કરતા કરવાનો છે. નભાઉ (sustainable) વિકાસ વિશેનાં પુસ્તકો તેમજ દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી તૈયાર કરવાનું શરૂ કરાયું છે. આ પ્રકાશનોમાં વ્યક્ત કરેલ વિચારો પર સેમિનાર યોજવામાં આવે છે.

8. ઉદ્યોગો માટે પર્યાવરણશિક્ષણ : ઔદ્યોગિક કચરો ઓછો કરવો, સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો, સાધનોની ગુણવત્તા જાળવવી વગેરે બાબતોને ધ્યાનમાં લઈ કૉર્પોરેટ ક્ષેત્ર માટે ‘સૂચનાસેવા’-તંત્ર સ્થાપવાનો પ્રયત્ન કરાયો છે. વળી સર્વાંગીણ ડૅટાબેઝના વિકાસ પર કામ શરૂ કરેલ છે, જેમાં પર્યાવરણ-સંરક્ષણને લગતા વિષયોનો સમાવેશ થાય છે.

9. પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધ માટે પર્યાવરણશિક્ષણ : વિકાસની નીતિમાં પર્યાવરણની બાબતો કાર્યાન્વિત કરવાની જરૂરિયાત અંગે આમસહમતી વિના પર્યાવરણ-સંરક્ષણ સફળ બની શકે નહિ.

પર્યાવરણની દૃષ્ટિએ યોગ્ય પ્રૌદ્યોગિકીઓની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવા અંગેના કાર્યક્રમો સામેલ હોય છે.

10. શહેરી સંદર્ભમાં પર્યાવરણશિક્ષણ : શહેરી પર્યાવરણ સુધારવાની જરૂરિયાત વિષયક જનજાગૃતિના કાર્યક્રમો સામેલ હોય છે.

11. પર્યાવરણશિક્ષણમાં પ્રશિક્ષણ : પર્યાવરણ-શિક્ષણ સાથે શાળા-કૉલેજોમાં સંકળાયેલા શિક્ષકોને તાલીમ આપવી.

12. નેટવર્કિગ અને પર્યાવરણ-શિક્ષા કાર્યક્રમોમાં ભાગીદારી.

13. સામુદાયિક અને સાર્વજનિક ગતિવિધિઓ દ્વારા પર્યાવરણ-શિક્ષણ.

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ