સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી (Centre for Cellular and Molecular Biology – CCMB)

January, 2008

સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી (Centre for Cellular and Molecular Biology – CCMB) : હૈદરાબાદ ખાતે આવેલું કોષીય અને આણ્વિક જીવવિજ્ઞાન-કેન્દ્ર. તે આધુનિક જીવવિજ્ઞાન વિશે અનુસંધાનનું એક અગત્યનું કેન્દ્ર છે. તેનો મુખ્ય આશય ભારતના જીવપ્રૌદ્યોગિકી(બાયૉટૅક્નૉલૉજી)ના વિકાસનો છે. સી.સી.એમ.બી. જીવવિજ્ઞાનનાં અન્ય પાસાંઓની પણ તકનીકી તાલીમ આપે છે. આ કેન્દ્ર ભારતમાં જીવવિજ્ઞાનની નવી તેમજ આધુનિક પદ્ધતિઓ માટેના મધ્યસ્થ કેન્દ્ર તરીકે પણ વિકસી રહ્યું છે. આ કેન્દ્રના વિજ્ઞાનીઓ ઉદ્યોગજગત સાથે સંલગ્ન થઈ મૂળભૂત તેમજ ઉપયોગી સંશોધનો કરીને, તેમનાં વિશેની માહિતીનું પણ આદાનપ્રદાન કરે છે. નવી સદીના આગમન સાથે જ આ કેન્દ્ર સામાજિક સેવાઓને સાંકળી લેતાં તેમજ વ્યાપારિક હેતુઓ પણ સાધનારાં ઉમદા પ્રકારનાં સંશોધનો માટે કાર્યરત છે.

સી.સી.એમ.બી.ની સ્થાપના એક અર્ધસરકારી કેન્દ્ર તરીકે તા. 1લી એપ્રિલ, 1977ના રોજ હાલની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજીના જીવરાસાયણિક વિભાગ તરીકે હૈદરાબાદ ખાતે કરવામાં આવી હતી. આ કેન્દ્રના પહેલા વડા તરીકે ડૉ. પી. એમ. ભાર્ગવને નીમવામાં આવ્યા હતા.

આ પહેલાં સી.એસ.આઇ.આર. (CSIR) (નવી દિલ્હી) સંસ્થાએ સમગ્ર દેશમાં 44 અલગ અલગ અનુસંધાન-કેન્દ્રોની સ્થાપના કરી હતી. તેની કાર્યકારિણીએ 1976માં એક એવા કેન્દ્રની સ્થાપનાને અનુમોદન આપ્યું હતું કે જે આધુનિક જીવવિજ્ઞાનની વિવિધ શાખાઓનાં અનુસંધાનમાં કાર્યરત બને. સી.સી.એમ.બી.ને 1981-82માં અખિલ ભારતીય પ્રયોગશાળા તરીકેનો દરજ્જો CSIR તરફથી આપવામાં આવ્યો અને તેની પોતાની વહીવટી પાંખ તેમજ વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની સ્થાપના પણ કરવામાં આવી. કાર્યક્ષેત્ર મોટું થતાં તેમજ ભવિષ્યના વિકાસને ધ્યાનમાં લેતાં આ કેન્દ્રને હૈદરાબાદ ખાતે જ એક વિશાળ સંકુલમાં ફેરવવામાં આવ્યું.

અત્યાર સુધીમાં સી.સી.એમ.બી. દ્વારા દેશ-વિદેશની શોધપત્રિકાઓમાં 1200 જેટલાં શોધપત્રો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. વળી 1979થી આ કેન્દ્ર દ્વારા પેટન્ટ-નોંધણી કરાવવાની પણ ચાલુ કરી દેવાયેલ અને અત્યાર સુધીમાં 14 જેટલી પેટન્ટો દેશ તેમજ વિદેશોમાં નોંધાવવામાં આવી છે.

દર વર્ષે સી.સી.એમ.બી. તેનો વાર્ષિક અહેવાલ બહાર પાડે છે, જેમાં આ કેન્દ્રમાં ચાલતી અનુસંધાન-પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી પણ આપવામાં આવે છે. ‘જિજ્ઞાસા’ નામનું હિન્દી પ્રકાશન પણ આ કેન્દ્ર પ્રકાશિત કરે છે; જેમાં આ કેન્દ્રના તેમજ બહારના શોધકર્તાઓએ લખેલા લેખો છાપવામાં આવે છે.

હાલમાં સી.સી.એમ.બી. ઔદ્યોગિક ગૃહોની મદદ વડે અનેક સંશોધન-કાર્યક્રમોમાં સક્રિય છે; જેવા કે,

(1) હૈદરાબાદના શાન્થા બાયૉટેક પ્રા. લિ. સાથે મળી હેપેટાઇટિસ બી-વિરોધી રસીનું જનીન ઇજનેરી દ્વારા પ્રથમ વાર ઉત્પાદન.

(2) ડૉ. રેડ્ડીઝ રિસર્ચ ફાઉન્ડેશનને તેનાં સંશોધનોમાં મદદ.

(3) બૅંગલોરના મેસર્સ બૅંગલોર જીનેલ (પ્રા.) લિ. માટે ઉત્સેચકોના અવરોધો અંગેના અનુસંધાનમાં મદદ.

(4) દેશી તેમજ સંકર જાતના ચોખાની ઓળખ માટે પી. સી. આર. આધારિત ઓળખચિહ્નો માટે ચેન્નાઈ-સ્થિત મેસર્સ એઇડ પેરી લિમિટેડને સંશોધન અંગે મદદ.

(5) કૅન્સરની સારવાર માટે ડાબર રિસર્ચ ફાઉન્ડેશનની સાથે રહી તે અંગેના અનુસંધાનમાં સી.સી.એમ.બી. હાલમાં કાર્યરત છે.

સી.સી.એમ.બી. અનેક વિદેશી સંસ્થાઓ સાથે પણ હાલમાં કાર્યરત છે; જેવી કે, કૅન્સર રિસર્ચ ફંડ (ઇંગ્લૅન્ડ), વૉક્સવેગન ફાઉન્ડેશન (જર્મની), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થ (યુ.એસ.), પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ (ફ્રાન્સ) તેમજ રાયકુસ યુનિવર્સિટી, જાપાન. સી.સી.એમ.બી.ની મુલાકાતે દર વર્ષે ટૂંકા તેમજ લાંબાગાળા માટે યુ.એસ., યુ.કે., ફ્રાન્સ, જર્મની, જાપાન, ચીન, ન્યૂઝીલૅન્ડ જેવા દેશોમાંથી અનેક વૈજ્ઞાનિકો અને સંશોધકો આવે છે.

સી.સી.એમ.બી. દર વર્ષે 26મી સપ્ટેમ્બરના રોજ એક ખુલ્લી કાર્યશાળાનો કાર્યક્રમ રાખે છે; જેમાં લગભગ 5,000 જેટલા મુલાકાતીઓ આ કેન્દ્રની મુલાકાતે આવે છે. આ કેન્દ્ર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (નવી દિલ્હી), CSIR, બાયૉટૅક્નૉલૉજી વિભાગ (DBT) તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) સાથે મળી પીએચ.ડી. તેમજ પીએચ.ડી. બાદનાં અનુસંધાન માટે 100 જેટલા વિદ્યાર્થીઓ અને સંશોધકોને આવકારે છે.

સી.સી.એમ.બી. જીવવિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોનાં સંશોધનોમાં કાર્યરત છે; જેમાં તેને સફળતા પણ મળી છે. આ કેન્દ્રનાં મહત્ત્વનાં સંશોધનોને નીચે મુજબ નોંધવામાં આવ્યાં છે :

(1) નાગના ઝેરમાંથી આ કેન્દ્રના વિજ્ઞાનીઓએ આર.એન.એ. (RNA) પ્રકારના રંગસૂત્રને તોડી શકે તેમજ તેની શૃંખલા જાણી શકાય તેવા ઉત્સેચકની શોધ કરેલ છે.

(2) નવી જાતની જૈવિક પેદાશો મેળવી શકાય તે માટે ડી.એન.એ.(DNA)ને કોષમાં સીધું જ દાખલ કરવાની સિદ્ધિ આ કેન્દ્રે પ્રાપ્ત કરેલ છે.

(3) સી.સી.એમ.બી. હાલમાં દક્ષિણ ધ્રુવ પરના જીવાણુઓ, તેમની જૈવિક વિવિધતા અને ઠંડી સામે આ જીવાણુઓની સહિષ્ણુતા વિશે શોધકાર્ય કરી રહી છે.

(4) સી.સી.એમ.બી. પ્રોટીન ફોલ્ડિંગ વિશેના સંશોધનમાં કાર્યરત છે.

(5) આ કેન્દ્ર બૅક્ટેરિયા સામે લડી શકે તેવા પેપ્ટાઇડ્સની બનાવટ પર પણ કાર્ય કરી રહ્યું છે.

(6) કોષવિભાજનની પ્રક્રિયા વિશેનું સંશોધન.

(7) ડી.એન.એ. (DNA) ફિન્ગરપ્રિન્ટિંગ માટે નવા પ્રકારના પ્રોબની શોધ તેમજ જાતિનો પ્રકાર નક્કી કરતી પ્રક્રિયા વિશેનું આણ્વિક સંશોધન આ કેન્દ્રનાં હાલનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે.

(8) સી.સી.એમ.બી.એ DNA Fingerprinting Technology(ડી.એન.એ. ફિન્ગરપ્રિન્ટિંગ ટૅક્નૉલૉજી)ના વધુ સંશોધન માટે સેન્ટર ફૉર ડી.એન.એ. ફિન્ગરપ્રિન્ટિંગ ઍન્ડ ડાયાગ્નૉસ્ટિક્સ(CDFD)ની પણ હાલનાં વર્ષોમાં સ્થાપના કરેલ છે.

(9) ભવિષ્યમાં જનીનીક સારવાર (gene therapy) અને દવાને કોષ સુધી પહોંચાડવાની પ્રક્રિયા (drug delivery system) માટે અતિઆધુનિક ડી.એન.એ. ટૅક્નૉલૉજી (DNA Technology) વડે સંશોધન કરવાનું પણ વિચારેલ છે. આ માટે સી.સી.એમ.બી. ડી.એન.એ. ચિપ ટૅક્નૉલૉજી(DNA Chip Technology)ની પદ્ધતિ અજમાવવાનું પણ વિચારી રહી છે.

બળદેવ બી. પટેલ