સેનાચેરિબ (રાજ્યકાળ . પૂ. 704-681) : એસિરિયા(હાલના ઉત્તર ઇરાક)નો રાજા. સારગોન 2જાનો પુત્ર. ગાદીએ આવ્યા બાદ તેનું પ્રથમ કાર્ય તેના પ્રદેશો છીનવી લેનાર બૅબિલોનિયાના રાજા મેરોડાક-બાલાદન સામે લશ્કરી કાર્યવાહી કરવાનું હતું. સેનાચેરિબે તેને ઈ. પૂ. 703માં હરાવીને બૅબિલોનમાંથી કાઢી મૂક્યો. તેણે બૅબિલોનના રાજા તરીકે બેલ ઈબનીને નીમ્યો. તેને રાજા સારગોને હરાવ્યો હતો. તે તેનું રાજ્ય પાછું મેળવવા પ્રયાસો કરતો હતો. સિરિયા અને પેલેસ્ટાઇનમાં આવેલાં શહેરોમાં ઈ. પૂ. 701માં બળવા થયા. સેનાચેરિબે જેરૂસલેમ સિવાયનાં શહેરો જીતી લીધાં. ઈ. પૂ. 689માં તેણે બૅબિલોનિયામાં થયેલ બળવો કચડી નાખ્યો અને બીજા બળવાખોરોને ચેતવણી આપવા બૅબિલોન નગરનો નાશ કર્યો. તેણે નિનેવા નગરને એસિરિયાનું પાટનગર બનાવ્યું અને ત્યાં ઇમારતો બંધાવી. ઈ. પૂ. 681માં તેના પુત્રોએ તેનું ખૂન કર્યું. એસરહેડન નામનો પુત્ર નિર્દોષ હોવાનો દાવો કરતો હતો. તે તેના પછી રાજા બન્યો.

જયકુમાર ર. શુક્લ