સેન, હીરાલાલ (. 1866, બાકજુરી ગામ, મુનશીગંજ, હાલ બાંગ્લાદેશમાં; . 27 ઑક્ટોબર 1917) : ચલચિત્રસર્જક. હીરાલાલ સેને ચલચિત્રોના વિકાસમાં એવું પાયાનું કામ કર્યું હતું કે બંગાળીઓ તો તેમને ભારતના પ્રથમ ચિત્રનિર્માતા ગણાવે છે. વકીલ પિતાના સંતાન હીરાલાલ 16 વર્ષની ઉંમરે ઇન્ટરમીડિયેટના અભ્યાસ માટે કોલકાતા આવ્યા હતા, પણ અભ્યાસ કરતાં છબિકલામાં વધારે રસ પડવા માંડ્યો હતો. તેમની એક તસવીર ‘હુગલી નદી પર સૂર્યાસ્ત’ને સુવર્ણચંદ્રક મળ્યો હતો. ઈ. સ. 1898ની 2જી ઑક્ટોબરે પ્રો. સ્ટિવન્સન કોલકાતામાં ‘બાયૉસ્કોપ’ લઈને આવ્યા હતા. તે જોઈને હીરાલાલને પણ ચિત્રનિર્માણમાં રસ પડતાં તેમના ભાઈ મોતીલાલ સાથે મળીને તેમણે ‘રૉયલ બાયૉસ્કોપ કંપની’ની સ્થાપના કરી અને લંડનથી પ્રોજેક્ટર અને તે સાથે કેટલીક વિદેશી ફિલ્મના ટુકડા પણ મંગાવ્યા. કોલકાતામાં એ દિવસોમાં નાટકો ખૂબ ભજવાતાં. હીરાલાલ સેન નાટકોના મધ્યાંતરમાં વિદેશી ચલચિત્રોના ટુકડા બતાવતા. એ સાથે તેમણે લોકપ્રિય નૃત્યનાટિકા ‘અલીબાબા’નાં કેટલાંક દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું. ખાસ તો બે કલાકારો નરેન્દ્રનાથ અને કુસુમકુમારીનાં નૃત્યો કચકડે કંડારી લેવાયાં હતાં. આ રીતે બીજાં નાટકોનાં પણ મહત્વનાં દૃશ્યોનાં ચલચિત્રો બનાવીને તેમણે નાટકોના મધ્યાંતરમાં બતાવવા માંડ્યાં. તેમાં ‘ભ્રમર’, ‘સીતારામ’, ‘સરલા’, ‘અલીબાબા’, ‘બુદ્ધદેવ’, ‘હરિરાજ’, ‘ડોલ લીલા’, ‘લક્ષ્મણ વર્ઝન’, ‘ફન યા મજા’ વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત કોલકાતાના શ્રીમંતો અને અગ્રણીઓના ઘેર જઈને પણ આ ચિત્રોનું પ્રદર્શન કરાતું. આ બધાં ચિત્રો એ સમયે દર્શાવાતાં દસ મિનિટ અવધિનાં લઘુ ચિત્રો કરતાં લાંબાં રહેતાં. કેટલાંક તો એક કલાકની અવધિ ધરાવતાં.

ઈ. સ. 1901ની 9મી ફેબ્રુઆરીએ તેમણે બનાવેલું એક ચિત્ર જ્યારે પ્રદર્શિત થયું ત્યારે ‘અમૃત બાઝાર પત્રિકા’માં તેની જાહેરખબર પ્રગટ થઈ હતી. તેમણે જ બનાવેલાં સાત ચિત્રોના અંશોનું આ ચિત્રમાં સંકલન કરાયું હતું. ઈ. સ. 1903માં ‘સોનાર સ્વપ્ન’ લઘુ ચિત્રનું નિર્માણ કર્યા બાદ તેમણે ચિત્રોના જાહેર શો યોજવા માંડ્યા. ઈ. સ. 1906માં તેમણે બનાવેલું દસ્તાવેજી ચિત્ર ‘ધ ગ્રેટ પાર્ટિશન મૂવમૅન્ટ ઑવ્ બૅન્ગાલ’ને લંડનમાં પ્રદર્શિત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. હીરાલાલ સેને ફ્રાન્સની ખ્યાતનામ પાથે કંપનીનો કૅમેરા ખરીદ્યો ત્યારે આવો કૅમેરા ધરાવનાર તેઓ એકમાત્ર ભારતીય હતા.

ઈ. સ. 1912માં હીરાલાલ સેને તેમના ભાઈ સાથે મળીને ‘દિલ્હી દરબાર’ નામનું ચિત્ર બનાવ્યું. રાજકીય કારણોસર આ ચિત્ર દર્શાવવાની મંજૂરી અપાઈ નહોતી. ઈ. સ. 1913માં તેમણે ‘હિન્દુ બેધિંગ ફૅસ્ટિવલ અલાહાબાદ’નું નિર્માણ કર્યું. ઈ. સ. 1901થી 1913 સુધીમાં ‘રૉયલ બાયૉસ્કોપ કંપની’એ વર્ષના સરેરાશ એક લેખે 13 મૂક ચિત્રોનું નિર્માણ કર્યું હતું. ઈ. સ. 1903માં તેમણે બનાવેલું ‘અલીબાબા ચાલીસ ચોર’ એકમાત્ર પૂરી લંબાઈનું ચિત્ર હતું. એ દિવસોમાં કોલકાતામાં ‘માદન થિયેટર્સ’ પણ ચલચિત્રક્ષેત્રે એક મજબૂત હરીફ હતું. તેની સાથેની સ્પર્ધા તથા અન્ય કારણોસર ‘રૉયલ બાયૉસ્કોપ કંપની’ની પડતીની શરૂઆત થઈ. અધૂરામાં પૂરું હીરાલાલના ભાઈ મોતીલાલ અને ભાઈ કરતાં પણ વિશેષ મિત્રોએ વ્યવસાયમાં તેમને દગો દીધો. તેને કારણે હીરાલાલ ભાંગી પડ્યા. બાકી હતું તે જે ગોદામમાં તેમનાં ચિત્રો હતાં તે ગોદામને ભારે આગ લાગી. તેમાં મોટાભાગનો સામાન ખાખ થઈ ગયો. સ્ટુડિયોને તાળાં મારી દેવાયાં. હીરાલાલ પથારીવશ થઈ ગયા. ગળાના કૅન્સરનો તેઓ ભોગ બન્યા. આખરી દિવસોમાં તેઓ પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. અંતિમ દિવસોમાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.

હરસુખ થાનકી