સેનગુપ્ત ભવાની (ચાણક્યસેન)

January, 2008

સેનગુપ્ત, ભવાની (ચાણક્યસેન) [. 11 સપ્ટેમ્બર 1922, ફરિદપુર (હાલ બાંગ્લાદેશ)] : બંગાળી લેખક. તેમણે સિટી યુનિવર્સિટી ન્યૂયૉર્કમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1967થી 71, 1973થી 76 કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં સિનિયર ફેલો; 1993માં નવી દિલ્હી ખાતે સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચમાં સંશોધક; 1996માં નવી દિલ્હી ખાતે સ્ટડીઝ ઇન ગ્લોબલ ચેન્જમાં નિયામક રહ્યા તથા ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલય, વિદેશી સેવા સંસ્થામાં સેવા આપી.

તેમણે બંગાળી તેમજ અંગ્રેજીમાં લેખનકાર્ય કર્યું છે. તેમણે બંગાળીમાં 35 નવલકથાઓ અને અંગ્રેજીમાં 15 વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રાજપથ જનપથ’ (1962); ‘સે નહી સે નહી’ (1963); ‘મુખ્યમંત્રી’ (1965); ‘અરાજનૈતિક’ (1970); ‘પત્ર પિતા કે’ (1985); ‘પિતા પુત્ર કે’ (1995) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘ધીરે બહે નીલ’ (1960) ઇજિપ્ત અને મધ્ય પૂર્વનો રાજકીય ઇતિહાસ છે. ‘તારાર શોને ના’ (1974) પ્રતિનાટક છે; ‘એકાન્તે’ (1976) સામાજિક/સાહિત્યિક વિવેચનનો ગ્રંથ છે. તેમની પાંચ નવલકથાઓ હિંદીમાં અનૂદિત કરાઈ છે. તેમણે કૅનેડા, યુરોપના મોટાભાગના દેશો, ચીન, જાપાન તથા અન્ય એશિયન દેશોનો પ્રવાસ ખેડ્યો છે. તેમને 1985માં દિલ્હી સાહિત્ય કલા પરિષદ ઍવૉર્ડ તથા 1990માં ઑલ ઇન્ડિયા બેંગાલી લિટરરી પરિષદ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા