સેનગુપ્તા પ્રીતિ

January, 2008

સેનગુપ્તા, પ્રીતિ (. 17 મે 1944, અમદાવાદ) : પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી. મૂળ નામ પ્રીતિ શાહ. પિતાનું નામ રમણલાલ અને માતાનું નામ કાંતાગૌરી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. અહીંની જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી 1961માં એસ.એસ.સી.ની પરીક્ષા, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અંગ્રેજી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે બી.એ. અને 1967માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પસાર કરી. ત્યાર બાદ અમદાવાદની જાણીતી ઉચ્ચ શિક્ષણસંસ્થા હરિવલ્લભદાસ કાળીદાસ મહાવિદ્યાલયમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકે થોડોક સમય કાર્ય કર્યું. ત્યાર પછી અમેરિકા ગયાં અને ન્યૂયૉર્ક ખાતેના નિવાસ દરમિયાન ચંદન સેનગુપ્તા નામના બંગાળી યુવાન સાથે પરિચય થયો, જે લગ્નગ્રંથિમાં પરિણમ્યો. ત્યારથી કાયમી નિવાસ અમેરિકામાં. ત્યાંથી જ થઈ વિશ્વપ્રવાસની શરૂઆત વર્ષ 1975માં. સાથોસાથ અમેરિકાની સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓમાં અવેતન સેવાઓ આપી. 1980-92 દરમિયાન ત્યાંની ટાગોર સોસાયટીનાં માનદ્ મંત્રીપદે અને ગુજરાત લિટરરી અકાદમીમાં ઉપાધ્યક્ષપદે કાર્ય કર્યું.

પ્રીતિ સેનગુપ્તા

બાલ્યાવસ્થામાં પ્રીતિબહેને માર્કો પોલો, કોલંબસ, વાસ્કો દ ગામા જેવા વિશ્વપ્રવાસીઓનું વિસ્તૃત અધ્યયન કર્યું હતું; જેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને પ્રવાસનક્ષેત્રે સક્રિય રીતે ઝંપલાવવાનો નિર્ધાર કર્યો. વર્ષ 2005 સુધી તેમણે વિશ્વના 104 દેશોનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાંથી મોટાભાગના દેશોનો પ્રવાસ તેમણે એકલા જ કર્યો છે. તેમનામાં રહેલ કુતૂહલ અને અદમ્ય સાહસનો આ સજ્જડ પુરાવો છે. તેમાં દક્ષિણ અને ઉત્તર ધ્રુવના પ્રવાસનો પણ સમાવેશ થાય છે. ઉત્તર ધ્રુવનો પ્રવાસ ખેડનાર તેઓ પ્રથમ ભારતીય હિંદુ મહિલા છે. આ પ્રવાસને પ્રીતિબહેન સહનશક્તિની સાચી કસોટી કહે છે; કારણ કે ત્યાં તાપમાન-60 ડિગ્રી હોય છે. તેમના આ પ્રવાસની નોંધ દૂરદર્શનની રાષ્ટ્રીય ચૅનલે પણ લીધી હતી. ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પી. વી. નરસિંહરાવે તેમને અંગત મુલાકાત માટે આમંત્ર્યાં હતાં અને તે દ્વારા પ્રધાનમંત્રીએ આ ‘રખડુ પંખી’ પ્રીતિ સેનગુપ્તાનું સન્માન કર્યું હતું એમ કહેવાય.

તેમનાં પ્રકાશિત થયેલાં પ્રવાસવર્ણનોમાં ‘પૂર્વા’ (1986), ‘દિગ્દિગંત’, ‘સૂરજસંગે દક્ષિણપંથે’, ‘કિનારે કિનારે’, ‘ઉત્તરોત્તર’, ‘મન તો ચંપાનું ફૂલ’, ‘ધવલ આલોક, ધવલ અંધાર’, ‘અંતિમ ક્ષિતિજો’, ‘ઘરથી દૂરના ઘર’, ‘દૂરનો આવે સાદ’, ‘દેશદેશાવર’, ‘નરણી વહે છે નદી’, ‘એક પંખીનાં પીંછાં સાત’, ‘નૂરના કાફલા’, ‘દેવો સદા સમીપે’ અને ‘ખીલ્યાં મારાં પગલાં’નો સમાવેશ થાય છે. આ પ્રવાસવૃત્તો પુસ્તક રૂપે પ્રકાશિત થયાં તે પૂર્વે ગુજરાતી સામયિકોમાં ક્રમશ: અને યથાસમયે પ્રકાશિત થયાં હતાં. ‘કુમાર’ માસિકે તેમનાં પ્રવાસવર્ણનોની શૃંખલા છાપી છે, જે વર્ષ 2007માં પણ ચાલુ છે. તેમના પ્રવાસ દરમિયાન, અને ખાસ કરીને તેમના એકલા પ્રવાસ દરમિયાન સ્ત્રી હોવાને નાતે તેમને અચરજ પેદા કરે તેવા પ્રસંગોનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત, તેમના આર્કટિક (arctic) સમુદ્રના પ્રવાસ દરમિયાન તેમનું જહાજ બરફના તોફાનને કારણે ડૂબી જતાં તેમણે તેમની પાસેની બધી જ ચીજવસ્તુઓ, નાણાં, પાસપૉર્ટ વગેરે ગુમાવ્યાં હતાં; અલબત્ત, તેઓ આશ્ર્ચર્ય પમાડે એ રીતે આબાદ બચી ગયાં હતાં. તેમણે વિશ્વના બધા જ ખંડો સાથે મૅગ્નેટિક ઉત્તર ધ્રુવનો વધારાનો પ્રવાસ પણ ખેડ્યો છે (1992). એટલા માટે જ તેમણે માત્ર સાત ખંડો નહિ પરંતુ સાડાસાત ખંડોનો પ્રવાસ ખેડ્યો છે એમ કહેવાય છે. આ બધી વિગતો જોતાં પ્રીતિ સેનગુપ્તાને ‘વિશ્વપ્રવાસી’નું જે બિરુદ આપવામાં આવ્યું છે તે ખરેખર સાર્થક લાગે છે. પુસ્તકો અને સામયિકોમાં પ્રવાસશૃંખલા ઉપરાંત અમેરિકા અને ભારતનાં વૃત્તપત્રોમાં પણ તેમની ભ્રમણગાથા સમયસમયે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી રહે છે. તેમનાં અત્યાર સુધી(2007)નાં 31 પુસ્તકોમાં 3 અંગ્રેજી ભાષામાં અને બાકીનાં 28 પુસ્તકો ગુજરાતી ભાષામાં લખાયેલાં છે. તેમાંથી કેટલાંકને ઍવૉર્ડઝ કે પારિતોષિકો પણ મળ્યાં છે. ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન એ તેમનો ત્રીજો પ્રિય દેશ છે. તેનો વર્ષ 2007 સુધી તેમણે ચાર વાર પ્રવાસ ખેડ્યો છે. વિશ્વપ્રવાસી હોવા છતાં પ્રીતિબહેન સંપૂર્ણ શાકાહારી છે. તેઓ તેમનાં લખાણોમાં ગુજરાતી શબ્દોના પ્રયોગ પર વિશેષ ધ્યાન આપે છે, જેને કારણે તેમણે નવા શબ્દોનો આવિષ્કાર કરી ગુજરાતી ભાષાને વિશિષ્ટ રીતે અંશત:, છતાં જરૂરી કહી શકાય એ રીતે સમૃદ્ધ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમનાં સર્જનાત્મક પ્રવાસવર્ણનો ભારેખમ નહિ, પરંતુ પ્રાસાદિક હોવાથી તે વાચકોનાં મન તરત જ જીતી લે છે.

અંગ્રેજી ભાષામાં તેમણે જે ત્રણ ગ્રંથો લખ્યા છે તેમાં ‘માય જર્ની ટુ ધ મૅગ્નેટિક નૉર્થ પોલ’; ‘વ્હાઇટ ડેઇઝ્, વ્હાઇટ નાઇટ્સ’ અને ‘જૉય ઑવ્ ટ્રાવેલિંગ અલોન’નો સમાવેશ થાય છે. ઉપરાંત, નૅશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ ‘વીમેન હુ ડેર્ડ’ શીર્ષક હેઠળની શ્રેણીમાં પ્રીતિબહેને તેમના અનન્ય અનુભવોનું બયાન કર્યું છે.

પ્રીતિબહેનને છબીકલાનો ખૂબ શોખ છે, જે તેમના વિશ્વપ્રવાસ દરમિયાન ખીલી ઊઠતો રહ્યો છે. તેમની પાસે તેમણે પોતે તૈયાર કરેલ આશરે 200 જેટલી સ્લાઇડ્સ પણ છે, જેનો સહાયક સાધન તરીકે તેઓ તેમનાં જાહેર વ્યાખ્યાનોમાં ઉપયોગ કરતાં હોય છે. આ રીતે વિચારીએ તો તેમનાં પ્રવાસવ્યાખ્યાનો દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપનાં હોય છે.

તેમના પતિ ચંદન સેનગુપ્તા અમેરિકાની યુનિવર્સિટીઓમાં એમ.બી.એ. પદવી અભ્યાસક્રમોમાં પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપે છે.

પ્રીતિબહેનને અત્યાર સુધી મળેલા ઍવૉર્ડ્ઝમાં વિશ્વગુર્જરી ઍવૉર્ડ (1993) અને ‘કુમાર સુવર્ણચંદ્રક’ (2007) ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે