સેનગુપ્ત પલ્લવ (કુશલવ સેન બદન મુન્શી)

January, 2008

સેનગુપ્ત, પલ્લવ (કુશલવ સેન, બદન મુન્શી) (. 8 માર્ચ 1940, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળી વિવેચક અને અનુવાદક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેઓએ રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાં બંગાળીના વિદ્યાસાગર પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું; તેઓ (1) 1966-77 ‘ચતુષ્કોણ’ બંગાળી સાહિત્યિક સામયિકના સહાયક સંપાદક રહ્યા; (2) 1980થી ફોક ઍન્ડ ટ્રાયબલ કલ્ચરલ સેન્ટર, પશ્ચિમ બંગાળ સરકારના સભ્ય; (3) 1986થી બંગલા અકાદમી, પશ્ચિમ બંગાળના સભ્ય.

તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘બિઆન્કર રાજા’ (1966) અનૂદિત નવલકથા; ‘દેરોઝિઓર કવિતા’ (1970) અનૂદિત કવિતાસંગ્રહ; ‘ઝારેર પખી : કવિ દેરોઝિયો’ (1979) ભાષાંતર સાથેનો વિવેચનગ્રંથ; ‘યુનિશ શતકેર ઇંગ્રેજી સાહિત્યે બિપ્લવી ભારતેર ચિત્રકલ્પ’ (1974); ‘બંકિમ ચંદ્રેર ઇંગ્રેજી ઉપન્યાસ’ (1974) વિવેચનગ્રંથો; ‘લોકપુરાણ ઓ સંસ્કૃતિ’ (1982) સંપાદિત ગ્રંથ; ‘રેડ ઇન્ડિયન રૂપકથા’ (1984) ભાષાંતર; ‘પૂજા પર્વનેર ઉત્સાહકથા’ (1984); ‘લોકસંસ્કૃતિર સિમના ઓ સ્વરૂપ’ (1995) લોકસાહિત્યના ગ્રંથો છે.

તેમને 1976માં પરશુરામ સાહિત્ય પુરસ્કાર; 1987માં પ્રોગ્રેસિવ રાઇટર્સ ગીલ્ડ લિટરેચર ઍવૉર્ડ પ્રાપ્ત થયા તેમજ એકૅડેમી ઑવ્ ફોકલોર, કોલકાતાના માનદ ફેલો રહ્યા.

બળદેવભાઈ કનીજિયા