સેનગુપ્ત અચિન્ત્યકુમાર

January, 2008

સેનગુપ્ત, અચિન્ત્યકુમાર (. 1903; . 1976) : આધુનિક બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનચરિત્રલેખક. અંગ્રેજી સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કરનાર અચિન્ત્યકુમાર સેનગુપ્તનું નામ બંગાળી સાહિત્યમાં આધુનિકતાના આંદોલનના અન્ય કવિઓ બુદ્ધદેવ બસુ, જીવનાનંદ દાસ, પ્રેમેન્દ્ર મિત્ર આદિ સાથે જોડાયેલું છે. આ આધુનિકોનું દલ પ્રસિદ્ધ સાહિત્યપત્રિકા ‘કલ્લોલ’ સાથે જોડાઈ રવીન્દ્રનાથની છાયામાંથી મુક્ત થવા રવીન્દ્ર વિરોધી આંદોલન ચલાવી રહ્યું હતું. 1923માં કોલકાતામાં શરૂ થયેલ ‘કલ્લોલ’ અને 1927માં શરૂ થયેલ ‘કાલિઓ કલમ’ (શાહી અને કલમ) માસિક અને પછી 1927માં ઢાકાથી પ્રગટ થવા માંડેલ સામયિક ‘પ્રગતિ’ સાથે આ બધા સર્જકો સાથે અચિન્ત્યકુમાર સેનગુપ્ત પણ જોડાયેલા હતા.

આ નવોદિતો રવીન્દ્રનાથથી અલગ પડવા ઇચ્છતા હતા. તેમાં કાવ્યક્ષેત્રે તેમના અગ્રદૂત હતા કાઝી નજરુલ ઇસ્લામ જેવા વિદ્રોહી કવિ અને કથાક્ષેત્રે આદર્શ હતા શરદબાબુ જેવા કથાકાર. અન્ય આધુનિકોની જેમ ફ્રૉઇડના પ્રભાવ તળે બુદ્ધદેવ અને અચિન્ત્યકુમાર સેનગુપ્તની વાર્તાઓમાં આવતી મુક્ત જાતીય ચિત્રણાએ રૂઢિગ્રસ્તોમાં ઊહાપોહ જગાવ્યો હતો અને એમના કથાસાહિત્ય પર અશ્ર્લીલતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એક સર્જક તરીકે અચિન્ત્યકુમાર ‘કલ્લોલયુગ’ની પેદાશ કહેવાય.

અચિન્ત્યકુમારની ‘અમાવાસ્યા’ કવિતાએ એમને કીર્તિ અપાવી. એ કવિતામાં રવીન્દ્રનાથનો ખુલ્લો વિરોધ હતો. આ નામથી જ એમનો પહેલો કાવ્યસંગ્રહ 1930માં પ્રગટ થયો. એમના બીજા સંગ્રહો છે – ‘આમરા’ (1933), ‘પ્રિયા ઓ પૃથિવી’ (1936) અને ‘નીલ આકાશ’ (1949). એમની કાવ્યોપલબ્ધિઓ માટે પશ્ચિમ બંગાળ સરકારનું ‘ટાગોર મેમૉરિયલ પ્રાઇઝ’ 1975માં એમને મળેલું.

પરંતુ સેનગુપ્ત વાર્તાકાર અને નવલકથાકાર તરીકે વધારે લોકપ્રિય થયા હતા. માત્ર 23 વર્ષની વયે ‘કલ્લોલ’માં પ્રગટ થયેલી તેમની વાર્તા ‘વેદે’ (જિપ્સી) રવીન્દ્રનાથની પણ પસંદગી પામેલી. એમના મહત્વના વાર્તાસંગ્રહો છે – ‘અધિવાસ’ (1932), ‘અકાલબસન્ત’ (1932), ‘રુદ્રેર આવિર્ભાવ’ (1934), ‘કાલોરક્ત’ (1945), ‘સ્વાદુ સ્વાદુ પદે પદે’ (1959) આદિ. નવલકથાઓમાં જાણીતી છે – ‘આકસ્મિક’ (1930), ‘પ્રાચીર ઓ પહાડ’ (દીવાલ અને પહાડ) (1933) અને ‘નવનીતા’ (1936). તેમની વાર્તાનવલકથાઓમાં નિરૂપિત ઉઘાડા શૃંગારને લીધે કેટલાંક પુસ્તકો પર સરકારે પ્રતિબંધ લાદેલો. આશ્ર્ચર્ય છે કે આ રવીન્દ્રવિરોધી અને જાતીયતાપ્રવણ વાર્તાકથાઓના લેખક પોતાના ઉત્તરજીવનમાં આપણા કવિ સુન્દરમની જેમ અધ્યાત્મની દિશામાં વળી ગયા હતા. ખાસ તો તેઓ રામકૃષ્ણ પરમહંસ અને તેમની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર ‘પરમપુરુષ શ્રી રામકૃષ્ણ’ નામથી લખ્યું, જેણે તેમને બંગાળમાં અને બંગાળ બહાર પણ જાણીતા કર્યા. આ પુસ્તક તેમનું સૌથી લોકપ્રિય પુસ્તક ઠર્યું. ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ એ જ નામથી ઉષા (સુરેશ) જોશીએ કર્યો છે. એ રીતે તેમણે શારદામણિદેવીનું જીવનચરિત્ર લખ્યું છે, જેનો ગુજરાતીમાં મોહનદાસ પટેલે ‘પરમાપ્રકૃતિ શ્રીશ્રી શારદામણિ’ નામથી અનુવાદ કર્યો છે. અચિન્ત્યકુમારે ‘કલ્લોલયુગ’ વિશે એક અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે, જે વિદ્વાનોમાં પણ આદર પામ્યો છે.

ભોળાભાઈ પટેલ