સેડલર, માઇકલ થૉમસ (જ. 3 જાન્યુઆરી 1780, સ્નેલસ્ટન, ડર્બીશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1835, બેલફાસ્ટ, અલસ્ટર, આયર્લૅન્ડ) : ઉદ્દામવાદી રાજનીતિજ્ઞ, ઉદાર વ્યાપારી અને ફૅક્ટરીસુધાર આંદોલનના નેતા.
ઔદ્યોગિક ક્રાંતિને પગલે પગલે આર્થિક ઉત્પાદનના વિકાસ સાથે ઘણી નવી સમસ્યાઓ પણ ઇંગ્લૅન્ડમાં ઊભી થઈ. ઇંગ્લૅન્ડ ઔદ્યોગિક ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર હતું; એથી આ સમસ્યાઓ ત્યાં ઘણી સ્પષ્ટ અને ઘેરી હતી. તેમાંની એક તાતી સમસ્યા કારખાનામાં કામ કરતા કામદારોની કફોડી હાલત સુધારવા અંગેની હતી. 1837-1848 દરમિયાન મજૂરવર્ગના સુધારાઓ માટેનું આંદોલન ચાલ્યું જે ‘ચાર્ટિઝમ’ (chartism) તરીકે જાણીતું બન્યું હતું. 1830થી સેડલર માઇકલે કામદારોની પરિસ્થિતિ સુધારવાનું આંદોલન ઉપાડ્યું અને ક્રમશ: તેના સંદર્ભમાં નવી જવાબદારીઓમાં તેઓ ઊંડા ઊતરતા ગયા.
મૂળે તેઓ એક વ્યાપારી હતા અને લીડ્ઝ અને યૉર્કશાયર ખાતે આયરિશ લીનન કાપડની આયાત કરતા. કાપડના વ્યાપારી તરીકે આ ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની હાલતથી તેઓ વાકેફ થયા ત્યારે વ્યથિત બન્યા. આ સંદર્ભમાં તેમણે મજૂરોના કામના કલાકો નક્કી કરતા કાયદાની આવશ્યકતા અનુભવી. એ માટે ટોરી પક્ષના સભ્ય તરીકે ચૂંટણી લડી તેઓ 1829-1830 અને 1831-1832માં આમસભાના સભ્ય ચૂંટાયા. સાંસદ બનવા પાછળનો તેમનો હેતુ એ હતો કે મજૂરોની સમસ્યા પરત્વે સરકારનું ધ્યાન દોરવું, અવાજ ઉઠાવવો અને મજૂરોની સાથે માનવીય વ્યવહાર કરે તેવા કાયદા ઘડાવવા. પ્રારંભે તેમની વાત ખાસ કાને ધરવામાં આવી નહિ, પરંતુ તેમના સતત અને અવિરત પ્રયાસો રહ્યા કે સરકાર આ બાબતે હસ્તક્ષેપ કરે. આ માટે સમાજમાં અને વિશેષે ઉદ્યોગોમાં તેમણે અવાજ ઉઠાવ્યો, કામના કલાકો કાયદેસર રીતે ઘટાડાય તેવો આગ્રહ રાખ્યો.
આ અંગે સુધારક રિચાર્ડ ઑસ્ટલર પાસેથી પ્રેરણા મેળવી તેમણે 1831માં કારખાનાંઓમાં કામના કલાકોની બાબતમાં સુધારા કરવા અંગેનો એક ખરડો રજૂ કર્યો. પરિણામે સરકારે તેમની વાત કાને ધરી, આ અંગે એક સમિતિ નીમી, જેના અધ્યક્ષ સેડલર માઇકલને બનાવવામાં આવ્યા. 37 સભ્યોની આ સમિતિએ 40 બેઠકો યોજી વિવિધ સાક્ષીઓની રજૂઆતો સાંભળી. કારખાનામાં થતા અકસ્માતોને કારણે પાંગળાં બની ગયેલાં બાળકોની દુર્દશા અવર્ણનીય હતી. એથી અસંખ્ય પુખ્ત વ્યક્તિઓ અને તબીબોની સલાહ લીધી; જેમાં તમામ તબીબોએ કામના કલાકો ઘટાડવા ઉપરાંત અન્ય સુધારાઓ સૂચવ્યા. સમિતિના અહેવાલમાં તેમણે કામદારો અને કામદાર બાળકોની દુર્દશાનો યથાતથ ચિતાર રજૂ કર્યો; એથી તરત તો કોઈ મહત્ત્વનો કાયદો ન ઘડાયો પણ આ પ્રયાસોને કારણે ‘ફૅક્ટરી ઍક્ટ ઑવ્ 1833’ મંજૂરી પામ્યો. આ કાયદાથી પ્રારંભે કિશોરો અને બાળકો માટેના કામના કલાકો ઘટ્યા. 13થી 17ની વય વચ્ચેના કિશોરો માટે કામના 12 કલાક અને 9થી 12ની વય ધરાવતા બાળ કામદારો માટે 8 કલાકનો દિવસ ગણવો એમ કાયદેસરનું ધોરણ નક્કી કરવામાં આવ્યું. માઇકલના પ્રયાસો ફળદાયી નીવડવાની શરૂઆત થઈ. આગળ જતાં તેમાં ક્રમશ: વધારે સુધારા થયા અને મજૂરો પ્રત્યેનાં શોષણ અને યાતનાભર્યા વ્યવહારમાં ઘટાડો થતો ગયો.
જોકે સમિતિની પરિશ્રમભરી કામગીરીને કારણે માઇકલની તબિયત કથળવા લાગી; પરંતુ તેમના મિત્રો ઍન્થની એશલી કૂપર અને લૉર્ડ એશલીએ આ કામનો ઘણો બોજો પોતાના હાથમાં લઈ લીધો. અલબત્ત, પરગજુ અને પરોપકારી માઇકલના પ્રયાસો સાચી દિશાના પુરવાર થયા અને ક્રમશ: મજૂરોને લાભદાયી એવી – તેમની સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે તેવી ઘણી બાબતો ધીમે ધીમે તેમાં ઉમેરાઈ.
રક્ષા મ. વ્યાસ