સૅડલ રીફ્સ (Saddle Reefs)

January, 2008

સૅડલ રીફ્સ (Saddle Reefs) : બખોલ-પૂરણીનો એક પ્રકાર. જ્યારે સ્લેટ અને ક્વાર્ટઝાઇટ જેવા નરમ અને સખત (દૃઢ) ખડકસ્તરો એક પછી એક ઉપર-નીચે ગોઠવાયેલા તેમજ ગેડીકરણ પામેલા જોવા મળે ત્યારે તે નિર્દેશ કરે છે કે તેમના ગેડીકરણ દરમિયાન તેમણે દાબનાં પ્રતિબળોની જુદી જુદી અસર ગ્રહણ કરી હોય છે; પરિણામે તેમના ઊર્ધ્વવાંકના શીર્ષભાગોમાં અને અધોવાંકના ગર્તભાગોમાં પોલાણો સર્જાયાં હોય છે. કાલાંતરે આ પોલાણો ખનિજીય દ્રાવણોથી ભરાઈ જાય તો કમાન (ચાપ) આકારમાં નિક્ષેપ-પૂરણી થયેલી જોવા મળે છે. ઘોડાના જીન જેવા આકારવાળા આ પ્રકારના પૂરણી-વિભાગો સૅડલ રીફ તરીકે ઓળખાય છે. (જુઓ આકૃતિ.)

ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્ય(બેન્ડિગો)ની લાક્ષણિક સૅડલ રીફ્સનો આડછેદ

ઑસ્ટ્રેલિયામાંના બેન્ડિગો(વિક્ટોરિયા)ના સુવર્ણ-નિક્ષેપો (જે હવે ખલાસ થવા આવ્યા છે) સૅડલ રીફ્સ સ્વરૂપે ગોઠવાયેલા છે, તે આ પ્રકારની બખોલ-પૂરણીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં સ્લેટ અને રેતીખડકના વારાફરતી ગોઠવાયેલા સ્તરો ઘનિષ્ઠપણે ગેડીકરણ પામેલા છે; એટલું જ નહિ, તે ગ્રૅનાઇટના બૅથોલિથથી અંતર્ભેદિત પણ થયેલા છે. ગેડીકરણમાંની ગેડોનું અક્ષીય તલ વાંકુંચૂકું થતું જાય છે અને લગભગ ઊર્ધ્વ સ્થિતિમાં નીચે તરફ ચાલ્યું જાય છે. સુવર્ણ ધાતુનિક્ષેપો મોટેભાગે તેમના ઊર્ધ્વવાંકના શીર્ષભાગોમાં સંકેન્દ્રિત થયેલા છે. સૅડલ રીફ્સની ઉપલબ્ધ ઊંડાઈ સુધીમાં આ પ્રકારના 24 વિભાગો મળી આવેલા છે, તે પૈકીના 5થી 7 વિભાગો (કમાનો) અત્યંત ઉપજાઉ નીવડેલા; તે પૈકીનો એક શિરાવિભાગ નહિ નહિ તો 3,000 મીટર આડો ફંટાયેલો મળેલો, તેણે સારી ઊપજ આપેલી. કેટલાક નિષ્ણાતોના મત મુજબ અહીં ખનિજીય દ્રાવણો દ્વારા ઠીક ઠીક પ્રમાણમાં વિસ્થાપન (replacement) પણ થયેલું છે. આ પ્રકારના સૅડલ રીફ્સ વિક્ટોરિયાના અન્ય ભાગોમાં, ન્યૂઝીલૅન્ડમાં, નોવા સ્કોશિયામાં પણ મળે છે.

ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના શિવરાજપુરમાં ક્વાર્ટ્ઝાઇટ અને ફિલાઇટના વારાફરતી ગેડીકરણ પામેલા અધોવાંકમય ગર્ત-વિભાગોમાંનાં પોલાણોમાં આ જ રીતે મગેનીઝ ધાતુખનિજો સૅડલ રીફ્સ તરીકે મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા