સેડના (Sedna) : અત્યારસુધી શોધાયેલ સૂર્યની ગ્રહમાળાના સભ્યો પૈકી સૌથી દૂરનો પિંડ.

75 વર્ષ પહેલાં 1930માં ક્લાઇડ ટોમબાઘે સૂર્યની ગ્રહમાળાના નવમા ગ્રહ પ્લૂટોની શોધ કરી હતી. ત્યારબાદ પાસાડેના, યુ.એસ.માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના ખગોળવિજ્ઞાનીઓએ પાલોમાર વેધશાળા, પાસાડેનાથી 14 નવેમ્બર, 2003ના રોજ એક સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતો જાણે કે ગ્રહ હોય તેવો સરેરાશ લઘુગ્રહ-(Asteroid)થી ઘણો મોટો અને ગ્રહ કરતાં નાનો પિંડ શોધી કાઢ્યો. અગાઉ 2001 અને 2002માં આકાશની તસવીરોમાં તેની ભાળ મળી હતી. તેનું અનધિકૃત નામ ‘સેડના’ રાખવામાં આવ્યું. આ નામ એસ્કિમોની સાગરની દેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. નેપ્ચૂનપારના પિંડ તરીકે તેનો કૅટલૉગમાં ક્રમ 2003 VBR છે. આંતરરાષ્ટ્રીય ખગોળવિજ્ઞાન સંઘ [ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયન (IAU)] દ્વારા આ નામ હજુ સ્વીકૃતિ પામેલ નથી.

સેડના અત્યંત દીર્ઘવર્તુળાકાર કક્ષામાં સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે. તેનો પ્રદક્ષિણાકાળ 10,500 પૃથ્વીનાં વર્ષ છે. તેની સરખામણીમાં પ્લૂટોનો પ્રદક્ષિણાકાળ 248 પૃથ્વીનાં વર્ષ છે. તેનું સૂર્યથી અંતર 11.4થી 15 અબજ કિલોમિટર વચ્ચે બદલાય છે. હાલ તે સૂર્યથી 13 અબજ કિલોમિટર દૂર છે. તેની તેજસ્વિતા પરથી તેનો વ્યાસ 1800 કિલોમિટર અંદાજવામાં આવ્યો છે.

સેડના

ગ્રહમાળા વિજ્ઞાનના વૈજ્ઞાનિક અને સેડનાના એક શોધક માઇક બ્રાઉનના મતે પ્લૂટોની કેટલીક લાક્ષણિકતાઓ અન્ય ગ્રહોથી જુદી પડે છે તેમ છતાં તેને ગ્રહ ગણવામાં આવે છે તો સેડનાને પણ ગ્રહ ગણવો જોઈએ. જો તેમ થાય તો તે ગ્રહમાળાનો દશમો ગ્રહ ગણાશે; પરંતુ અન્ય ખગોળવિજ્ઞાનીઓના મતે તેને ક્ષુદ્રગ્રહ (Planetoid) ગણવો જોઈએ.

પ્લૂટો કુઈપર પટ્ટા(Kuiper belt)નો સભ્ય છે. કુઈપર પટ્ટાનું અસ્તિત્વ 1951માં જેરાર્ડ કુઈપરે પ્રસ્તાવિત કરેલ. ત્યારબાદ તેની શોધ 1992માં થઈ હતી. નેપ્ચૂન ગ્રહની કક્ષાને પેલે પાર કુઈપર પટ્ટો એક નાના નાના પિંડોનું વલય છે. તેમાં 100થી 200 કિલોમિટર વિસ્તારના કેટલાક પિંડો શોધાયા છે. તે સૂર્યથી 30થી 100 ખગોળીય એકમ દૂર આવેલ છે. (સૂર્યથી પૃથ્વીના સરેરાશ અંતરને એક ખગોલીય એકમ ગણવામાં આવે છે.) પ્લૂટો આ કુઈપર પટ્ટામાં સૂર્યની પ્રદક્ષિણા કરતો હોવો જોઈએ.

માઇક બ્રાઉનના મતે સેડના ધૂમકેતુઓના ઑપિક-ઊર્તવાદળ(વિશ્વકોશ ખંડ : 3, પેજ 754)માંથી આવે છે. આ વાદળ સૂર્યથી 30,000થી 1,00,000 ખગોળીય એકમ દૂર છે. સૂર્યથી સૌથી નજીકનો તારો જેટલા અંતરે છે તેના અડધા અંતર સુધી આ વાદળ વિસ્તરેલ છે. આ વાદળમાં અબજો ધૂમકેતુઓ આવેલા છે. પ્લૂટો હાલ જે અંતરે છે તેના કરતાં ત્રણ ગણા અંતરે સેડના છે. તે કુઈપર પટ્ટાના છેવાડાને પેલે પાર તેમજ પ્લૂટોની ઉત્કેન્દ્રી કક્ષાની બહાર આવેલ છે. તે ઈ. સ. 2076માં ગ્રહમાળાની અંદરના સૂર્યથી સૌથી નજીકના બિંદુએ આવશે ત્યારે તે પ્લૂટો કરતાં 2.5 ગણા અંતરે હશે. ત્યારબાદ 6000 વર્ષ બાદ જ્યારે તે સૂર્યથી દૂરમાં દૂર અંતરે પહોંચશે ત્યારે તે પ્લૂટો કરતાં દશગણા અંતરે હશે.

સેડના મંગળને બાદ કરતાં અન્ય પિંડો કરતાં વધારે રાતો છે. તે અતિશય ઠંડો હોવાથી, તેના પર પડતા સૂર્યપ્રકાશના 20થી 25 ટકા પરિવર્તિત કરતો હોવો જોઈએ; તેથી તે ધાર્યા કરતાં વધારે તેજસ્વી છે. તેની તેજસ્વિતામાં નિયત સમયના અંતરે ધીમે ધીમે થતા ફેરફાર સૂચવે છે કે તેને એક ચંદ્ર હોવો જોઈએ.

વિહારી છાયા