સેઠ, લીલા (. 20 ઑક્ટોબર 1930, કોલકાતા) : કાનૂની ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી ધરાવનાર, વડી અદાલતોમાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિનું સ્થાન હાંસલ કરનાર તેજસ્વી નારી. તેમનાં પ્રારંભિક વર્ષો આશ્રયવિહીનતાને કારણે (homelessness) સંઘર્ષનાં હતાં. દાર્જિલિંગની કૉન્વેન્ટ સ્કૂલમાં શાલેય શિક્ષણ મેળવી તેઓ કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં અને 1954માં પ્રેમનાથ સેઠ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

પતિ લંડન ગયા ત્યારે જીવનને અર્થસભર બનાવવાનો ખ્વાબ વિકસતાં જ્ઞાનપ્રાપ્તિની ઝંખના જાગી. આથી જે સંસ્થામાં ઓછી હાજરીની જરૂર પડે તેવો કાયદાનો અભ્યાસક્રમ પસંદ કર્યો. ઘરે રહી કાયદાના ક્ષેત્રનો અભ્યાસ કરતાં રસ અને રુચિ ઊઘડતાં અનાયાસે આ ક્ષેત્રે તેમની કારકિર્દી ઘડાતી ગઈ અને સર્વોચ્ચ શિખરો સર કરતી ગઈ. વિવિધ ક્ષેત્રોમાં જાણે પ્રથમ ક્રમાંક પર રહેવાનો ઇજારો હોય તેમ તેઓ લંડન બારમાં 1958માં સર્વોચ્ચ ગુણવત્તા સાથે સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં. 1978માં દિલ્લી વડી અદાલતનાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ અને 1991માં હિમાચલ પ્રદેશ રાજ્યમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક પામ્યાં. ભારતીય કાયદા-પંચનાં તેઓ એકમાત્ર અને પ્રથમ મહિલા-સભ્ય બન્યાં અને 2000 સુધી આ કામગીરી તેમણે સુપેરે નિભાવી. પિલ્લાઈ તપાસ પંચમાં તેમણે કામગીરી બજાવેલી. 2006માં વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ રચાયેલા છ સભ્યોના ચૂંટણી-સુધારા પંચના એક સભ્ય લીલા સેઠ છે.

પટણા, દિલ્હી અને કોલકાતામાં તેમની કારકિર્દી ઘડાઈ. કોલકાતાના ખ્યાતનામ વકીલ સચિન ચૌધરી સાથે જોડાઈ આ કામનો તેમણે આરંભ કર્યો. તેઓ મુખ્યત્વે વિવિધ વેરાઓ અંગેના કેસો હાથ ધરતાં. પ્રારંભે મળેલી ઉપેક્ષા છતાં 60ના દાયકાથી આ ક્ષેત્રમાં ઊંડી કાબેલિયત કેળવી. કાયદા-પંચના સભ્ય તરીકે હિંદુ વારસાધારામાં સુધારો કરાવી સંયુક્ત કુટુંબની મિલકતમાં દીકરીઓને સમાન અધિકારની હિમાયત કરવામાં તેઓ અગ્રિમ સ્થાને રહ્યાં.

કારકિર્દી અને ગૃહસ્થ જીવન – બંને વચ્ચે સમતુલા જાળવવા સાથે સંતાનોને સગવડો પૂરી પાડી તેમની સુષુપ્ત શક્તિઓ વિકસાવવામાં તેમણે કોઈ કમી ન રાખી. તેમના મોટા પુત્ર વિક્રમ સેઠ ભારતના અંગ્રેજીભાષી નામાંકિત સર્જક છે. સાહિત્યિક પ્રદાન બદલ વિક્રમ સેઠને કૉમનવેલ્થ પોએટ્રી પ્રાઇઝ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ મળ્યા છે. બીજા પુત્ર શાંતમ્ સેઠ સક્રિય શાંતિવાદી કાર્યકર અને બૌદ્ધ ધર્મના શિક્ષક છે. પુત્રી આરાધના ઊંચી કોટિની ફિલ્મ-દિગ્દર્શક છે અને ઑસ્ટ્રિયાના ડિપ્લોમેટ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે.

કારકિર્દી અને કુટુંબ – બંને વચ્ચે સતત સક્રિય રહેનાર લીલા સેઠે તેમની આત્મકથાને ‘ઑન બેલેન્સ’ નામથી ઓળખાવવાનું પસંદ કર્યું છે. તેમના લગ્નજીવનની સુવર્ણજયંતીએ પુત્ર વિક્રમ સેઠે તેમને આ પુસ્તક લખવા પ્રેર્યાં ત્યારે નિવૃત્તિ બાદ તુરત તેમણે આ કામ હાથ ધર્યું. કુટુંબ અને કારકિર્દીના સૂઝબૂઝભર્યા ઘડતરની જીવંત કથા તેમાં આલેખાઈ છે. પતિના એંશીમા જન્મદિને આ જીવનવૃત્તાંત પ્રગટ કરી તેમણે દામ્પત્યજીવન અને કારકિર્દીનો સુંદર યોગાનુયોગ સર્જ્યો છે.

રક્ષા મ. વ્યાસ