સેઠ, વિક્રમ (. 20 જૂન 1952, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય અંગ્રેજી લેખક તથા નવલકથાકાર. તેમણે કૉર્પસ ખ્રિસ્તી કૉલેજ, ઑક્સફર્ડ ઍન્ડ સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી, કૅલિફૉર્નિયા તથા નાનજંગ યુનિવર્સિટી, ચીનમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1985-86 દરમિયાન સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી પ્રેસના સિનિયર સંપાદક રહ્યા તથા લેખનકાર્ય કર્યું.

તેમણે અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે. ‘મૅપિંગ્સ’ (1981); ‘ધ હમ્બલ એડમિનિસ્ટ્રેટર્સ ગાર્ડન’ (1985); ‘ઑલ યૂ હૂ સ્લીપ ટુનાઇટ’ (1990); ‘થ્રી ચાઇનીઝ પોએટ્સ’ (1992) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ધ ગોલ્ડન ગેટ’ (1986) વૃત્તમય નવલકથા છે. ‘ફ્રૉમ હેવન લેક ટ્રાવેલ્સ થ્રૂ સિન્કિયાંગ ઍન્ડ તિબેટ’ (1983) પ્રવાસકથા છે. ‘અ સૂટેબલ બૉય’ (1993); ‘ઍન ઇક્વલ મ્યુઝિક’ (1999) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘બીસ્ટ્લી ટેલ્સ ફ્રૉમ હિયર ઍન્ડ ધેર’ (1992) વૃત્તમય બોધકથાઓ છે.

વિક્રમ સેઠ

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1985, 1986ના વર્ષનું કૉમન્વેલ્થ પોએટ્રી પ્રાઇઝ; 1988માં વૃત્તમય નવલકથા ‘ધ ગોલ્ડન ગેટ’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1994માં ડબ્લ્યૂ. એચ. સ્મિથ લિટરરી ઍવૉર્ડ વગેરે તથા 1986માં કૉર્પસ ખ્રિસ્તી કૉલેજ, ઑક્સફર્ડના માનાર્હ ફેલોનું પદ તથા ગુજ્જેન્હેઇમ ફેલોશિપ પ્રાપ્ત થયાં.

બળદેવભાઈ કનીજિયા