સૅમ્યુલ્સન બેન્ગ્ટ આઇ.
January, 2008
સૅમ્યુલ્સન, બેન્ગ્ટ આઇ. (જ. 21 મે 1934, હેલ્મસ્ટેડ, સ્વીડન) : સન 1982ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિક વિજેતા. તેમને એસ. કે. બર્ગસ્ટ્રૉમ અને જે. આર. વૅન સાથે ત્રીજા ભાગનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેમણે પુર:સ્થગ્રંથિનો (prosta-glandins) અને તેને સંલગ્ન જૈવિક સક્રિય પદાર્થોના અન્વેષણ (discovery) માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમણે લંડન યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ સ્ટોકહોમની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટમાં જૈવરસાયણવિદ્યાના ક્ષેત્રકાર્ય માટે જોડાયા. સન 1960માં તેમણે તેમનો લઘુશોધનિબંધ (dissertation) પૂરો કર્યો. તેના એક વર્ષ બાદ તેમને M.D.ની ઉપાધિ પ્રાપ્ત થઈ. ત્યારબાદ તેઓ એક વર્ષ હાર્વર્ડ યુનિવર્સિટી યુ.એસ.માં સંશોધન ફેલો તરીકે જોડાયા. સન 1967માં સ્ટોકહૉમની રૉયલ વેટરિનરી કૉલેજમાં તબીબી રસાયણવિદ્યાના પ્રાધ્યાપક બન્યા. થોડાં વર્ષો પછી તેઓ પાછા કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક અને વડા બન્યા. સન 1978થી 1983 સુધી તેઓ મેડિકલ ફૅકલ્ટીના ડીન બન્યા.
બેન્ગ્ટ આઇ. સૅમ્યુલ્સન
તેમના સંશોધનનું રસક્ષેત્ર કોલેસ્ટિરોલનો ચયાપચય અને તેને સંબંધિત રાસાયણિક પ્રક્રિયાઓ અને પ્રવિધિઓને આવરી લે છે. સન 1959-62માં તેમણે અને સુ જે બર્ગસ્ટ્રૉમ પુર:સ્થગ્રંથિની સંરચના અને તેના ઍરેકિડોનિક ઍસિડમાંના રૂપાંતરણમાં રસ કેળવ્યો. તેના દ્વારા તેમણે એન્ડોપેરૉક્સિડેઝ, થ્રૉમ્બૉક્સેન અને લ્યુકોટ્રાઇન જૂથનાં રસાયણો શોધી કાઢ્યાં તથા તેમના જૈવરાસાયણિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો તથા જૈવિક નિયંત્રણ-પ્રણાલીમાં તેમના કાર્ય અંગે જાણકારી મેળવી. આ સંશોધને નસમાં લોહીનો ગઠ્ઠો જામી જાય, પીડાકારક સોજો (શોથ) આવે તથા વિષમોર્જા (allergy) જેવા વિકારો થાય તો તેની જૈવરાસાયણિક પ્રક્રિયાઓ, નિદાન તથા સારવારને લગતી ઘણી ઉપયોગી સમજણ આપી છે.
શિલીન નં. શુક્લ