સેયર્સ, વિલિયમ ચાર્લ્સ બર્વિક (. 23 ડિસેમ્બર 1881, મીચેમસરે; . 7 ઑક્ટોબર 1960) : બ્રિટનના 19મી સદીના સાર્વજનિક ગ્રંથપાલોમાં મહત્વનું સ્થાન ધરાવનાર ગ્રંથાલયશાસ્ત્રના વિદ્વાન. ઉપનામ : રોબર્ટ જ્હોનસન, ‘એરેટોસ્થેનીસ’.

તેમનો જન્મ સુશોભનના એક કલાકારને ત્યાં થયો હતો. તેમણે આરંભનું શિક્ષણ ‘બોર્ન માઉથ હેમ્પશાયર’માં લીધું હતું. બ્રિટનમાં તે સમયમાં ગ્રંથપાલો માટેનું શિક્ષણ વિકસ્યું ન હતું. તેમની મહત્વાકાંક્ષાને લીધે તેમણે સ્વપ્રયત્ને જ્ઞાનવિકાસ સાધ્યો. ક્રોયડન જતાં પહેલાં સેયર્સે જાસ્ટના પ્રોત્સાહનથી 1905થી 1908 દરમિયાન લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ દ્વારા યોજાયેલ વ્યાખ્યાનોમાં ભાગ લઈને ગ્રંથાલયનું શિક્ષણ મેળવ્યું.

સેયર્સની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત ક્રોયડન સરેના ગ્રંથાલયથી થઈ. 1904માં તેઓ ત્યાંના મુખ્ય ગ્રંથપાલ લૂઇસ સ્ટેન્લી જાસ્ટના ડેપ્યુટી (સહાયક) નિમાયા. 1906માં તેઓ લાઇબ્રેરી આસિસ્ટન્ટ ઍસોસિયેશન(LAA)ના માનાર્હ સેક્રેટેરી નિમાયા. 1909 સુધી અને તે પછી 1912થી 1915 સુધી તેઓ એ પદ પર રહ્યા. 1915માં તેઓ ‘વોલાસી’ના મુખ્ય ગ્રંથપાલ નિમાયા. 1920માં તેઓ ક્રોયડન ગ્રંથાલયના મુખ્ય ગ્રંથપાલ તરીકે નિમાયા અને 1947 સુધી સેવાઓ આપી ત્યાંથી નિવૃત્ત થયા.

સેયર્સનો રસ બાળપુસ્તકાલય માટે વધારે હતો. 1911માં તેમણે ‘ધ ચિલ્ડ્રન લાઇબ્રેરી’ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. 1920માં ક્રોયડન ગ્રંથાલયમાં તેમણે મોટા બિન-વપરાશી વાચનખંડને આકર્ષક બાળગ્રંથાલયમાં ફેરવી દીધો. તેમના મતે બાળગ્રંથાલય સુંદર અને સગવડભર્યું હોવું જોઈએ. 1926માં ‘લાઇબ્રેરી વર્લ્ડ ઇન 1926’માં ‘ધ સેન્ટ્રલ નીડ ઇન લાઇબ્રેરી વર્ક ફૉર ચિલ્ડ્રન ઇન ઇંગ્લૅન્ડ’ લેખ લખ્યો. તેમાં તેમણે બાળગ્રંથાલયોમાં ગ્રંથપાલો નીમવાની તથા તેમને શિક્ષકો જેટલું વેતન મળે તેવી ભલામણ કરી.

સેયર્સની લેખનપ્રવૃત્તિ પણ ખૂબ જ પ્રશંસનીય રહી. લખવું તેમના માટે શ્વાસોચ્છ્વાસ જેટલું કુદરતી હતું. તેમણે ક્રોયડનના ઇતિહાસ વિશે વિસ્તારપૂર્વક લખ્યું. તેઓ સેમ્યુઅલ કોલરીજ ટેલર(1875-1912)ના જીવનવૃત્તાંતના લેખક હતા. તેમનાં વ્યાવસાયિક લખાણોમાં 12 પાઠ્યપુસ્તકો ઉપરાંત સંખ્યાબંધ અભ્યાસલેખોનો સમાવેશ થાય છે. તેમનું નામ વર્ગીકરણના વિષય સાથે સદાય સંકળાયેલું રહ્યું છે. 1915માં તેમનું પુસ્તક ‘કેનન્સ ઑવ્ ક્લાસિફિકેશન’ પ્રકાશિત થયું. તેના ત્રણ વર્ષ પછી ‘એન ઇન્ટ્રોડક્શન ટુ લાઇબ્રેરી ક્લાસિફિકેશન’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. આ બધાં પુસ્તકોમાં તેમનું સર્વોચ્ચ પુસ્તક ‘મૅન્યુઅલ ઑવ્ ક્લાસિફિકેશન’ 1926માં પ્રકાશિત થયું અને તેની બીજી અને ત્રીજી આવૃત્તિ 1944 અને 1955માં બહાર પાડી. તેની પુન:સંશોધિત ચોથી આવૃત્તિ 1967માં અને પાંચમી આવૃત્તિ 1975માં ‘આર્થર માલ્ટબી’એ સંવર્ધિત કરી બહાર પાડી. ગ્રંથવર્ગીકરણના ક્ષેત્રે તેમનાં પુસ્તકોને આંતરરાષ્ટ્રીય પાઠ્યપુસ્તકો રૂપે વિશિષ્ટ સ્થાન મળેલ છે.

લાઇબ્રેરી ઍસોસિયેશનના સેયર્સ 40 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા અને તેના શૈક્ષણિક કાર્યક્રમોમાં રસ લેતા રહ્યા. 1938માં પ્રેસિડન્સી તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું. તેમને ગ્રંથાલયવિદ્યાના ક્ષેત્રે ‘ગ્રીનવુડ પ્રાઇઝ’ પણ મળ્યું છે.

1960માં તેમના 80મા જન્મદિને, ક્લાસિફિકેશન રિસર્ચ ગ્રૂપે ‘ફેસ્ટક્રીફ્ટ’ પ્રકાશિત કરીને તેમને અર્પણ કરવાનું નક્કી કર્યું; પરંતુ 7 ઑક્ટોબર 1960ના રોજ તેઓ આ દુનિયા છોડી વિદાય થઈ ગયા. ‘ફેસ્ટક્રીફ્ટ’નો અંક તેમનો સ્મૃતિગ્રંથ બની ગયો. ડી. જે. ફૉસ્કેટ અને બી. આઇ. પામરે આ સ્મૃતિગ્રંથ સંપાદિત કર્યો છે. આ ગ્રંથમાં જુદા જુદા લેખકોએ વર્ગીકરણના મુખ્ય વિચારને કેન્દ્રમાં રાખીને અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે, જે સેયર્સને માટે અંજલિરૂપ છે. તેઓ શક્તિના ધોધ સમા હતા. તેમણે ગ્રંથાલયો માટે, ગ્રંથાલય-સમિતિઓ માટે અને ગ્રંથાલયશિક્ષણ અને સહકાર માટે પોતાનું સમગ્ર જીવન ગાળ્યું. ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિના પિતામહ ડૉ. એસ. આર. રંગનાથન સેયર્સને તેમના આદરણીય ગુરુ માનતા હતા.

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા