સુસા : પશ્ચિમ એશિયાનું પ્રસિદ્ધ પ્રાચીન શહેર અને એલમનું તથા ઈરાની સામ્રાજ્યનું પાટનગર. આ શહેરના કેટલાક અવશેષો દક્ષિણ-પશ્ચિમ (નૈર્ઋત્ય) ઈરાનના ખુઝિસ્તાન પ્રાંતમાં આવેલા છે. બાઇબલમાં સુસાના ઉલ્લેખો વખતોવખત ‘શુશાન’ નામથી આવે છે. એસ્તરની જૂના કરારની વાર્તા સુસામાં બની હતી. ડેનિયલની કબર સુસામાં આવેલી હોવાનું કહેવાય છે. ઈ. સ. 1901માં પુરાતત્વવિદોને સુસાના અવશેષોમાંથી હમ્મુરાબીના કાયદા – બૅબિલોનના કાયદાનો સંગ્રહ મળ્યો હતો. ઈ. પૂ. 6ઠ્ઠી સદીમાં ઈરાનના રાજા સાયરસે આ શહેર કબજે કર્યું. દરાયસ 1લાએ તેને ઈરાનનું પાટનગર બનાવીને ત્યાં ઘણો મોટો રાજમહેલ બંધાવ્યો. સુસાથી લિડિયામાં આવેલ સાર્ડીસ સુધીનો 2,400 કિલોમિટરનો લાંબો રાજમાર્ગ બાંધવામાં આવ્યો હતો. આશરે ઈ. પૂ. 640 સુધી સુસા એક સમૃદ્ધ શહેર હતું. પછી એસિરિયનોએ ત્યાં લૂંટ કરી. ઈ. પૂ. 300ના અરસામાં ઍલેક્ઝાંડરે સુસા જીત્યું, તે પછી તેની પડતી થઈ. દરાયસના મહેલના અવશેષો પરથી તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે.

જયકુમાર ર. શુક્લ