સુષુપ્તતા : વૃદ્ધિ માટેનાં બધાં જ પર્યાવરણીય પરિબળો પૂરાં પાડવા છતાં જીવંત બીજના અંકુરણ અને કલિકાના વિકાસના અવરોધની પરિઘટના. બીજ-પરિપક્વન દરમિયાન શુષ્કતાના પ્રતિચારરૂપે ભ્રૂણ સુષુપ્ત અવસ્થામાં પ્રવેશે છે. પરિપક્વ બીજના ભ્રૂણની વૃદ્ધિના પુનરારંભને અંકુરણ કહે છે. તેનો આધાર વાનસ્પતિક વૃદ્ધિ માટે જરૂરી હોય તેવાં જ પર્યાવરણીય પરિબળો ઉપર રહેલો છે. અંકુરણ દરમિયાન પાણી અને ઑક્સિજન સુલભ હોવાં અનિવાર્ય છે. અંકુરણ માટે યોગ્ય તાપમાન અને અવરોધક પદાર્થોની ગેરહાજરી હોવી જરૂરી છે. બીજ-સુષુપ્તતાને કારણે અંકુરણની પ્રક્રિયામાં કાલિક વિલંબ (temporal delay) થાય છે; તેથી મોટા ભૌગોલિક વિસ્તારમાં બીજવિકિરણ કરવા માટેનો વધારાનો સમય પૂરો પડે છે અને પ્રતિકૂળ પર્યાવરણમાં અંકુરણ અટકાવી અંકુરનું અસ્તિત્વ જળવાઈ રહે છે.

બીજ-સુષુપ્તતાના બે પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) આવરણ-આરોપિત (coat-imposed) સુષુપ્તતા અને (2) ભ્રૂણીય સુષુપ્તતા.

1. આવરણઆરોપિત સુષુપ્તતા : તેમાં બીજાવરણ, ભ્રૂણપોષ (endosperm), ફલાવરણ (pericarp) કે બાહ્યપુષ્પીય (extrafloral) અંગો જેવી અન્ય આવરિત પેશીઓ દ્વારા ભ્રૂણ ઉપર સુષુપ્તતા આરોપિત થાય છે. આવાં બીજના ભ્રૂણ એક વાર બીજાવરણો અને અન્ય આવરિત પેશીઓને કાં તો દૂર કરવામાં આવે અથવા તેમને નુકસાન પહોંચાડવામાં આવે તો પાણી અને ઑક્સિજનની હાજરીમાં અંકુરણ પામે છે. આવરણ-આરોપિત સુષુપ્તતાની પાંચ મૂળભૂત ક્રિયાવિધિઓ છે :

(i) પાણીના ગ્રહણમાં અવરોધ : શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં જોવા મળતાં કુળોમાં બીજ-સુષુપ્તતાનું સામાન્ય કારણ બીજાવરણ દ્વારા પાણીના ગ્રહણમાં થતો અવરોધ છે. આ સ્થિતિ ફેબેસી કુળની વનસ્પતિઓ જેવી કે, ત્રિપર્ણીચારો (Trifolium spp.) અને રજકો(Medicago spp.)માં ખાસ જોવા મળે છે. મીણયુક્ત ક્યુટિકલ, સુબેરિનયુક્ત સ્તરો અને લિગ્નિનયુક્ત અષ્ઠિકોષો (sclereids) – આ બધાં સંયુક્ત રીતે બીજમાં પાણીના પ્રવેશને અટકાવે છે.

(ii) યાંત્રિક અવરોધ : અંકુરણનું સૌથી પ્રથમ શ્યમાન ચિહન બીજાવરણ તોડીને લાક્ષણિક રીતે બહાર નીકળતું ભ્રૂણમૂળ (radicle) છે. જોકે કેટલાક કિસ્સાઓમાં બીજાવરણ એટલું સખત હોય છે કે ભ્રૂણમૂળ તેને ભેદી શકતું નથી. કાષ્ઠફળો લિગ્નિનયુક્ત સખત કવચો ધરાવે છે. આ કવચો યાંત્રિક અવરોધ માટે જવાબદાર હોય છે. આવાં કવચો જૈવિક કે પર્યાવરણીય પરિબળો દ્વારા તૂટે છે અને અંકુરણ શક્ય બને છે. લેટીસનાં બીજના ભ્રૂણપોષ જેવી અલિગ્નિકૃત (non-lignified) પેશીઓ ભ્રૂણના વિસ્તરણને અટકાવે છે. આવા બીજનું અંકુરણ કરવા માટે ભ્રૂણપોષના કોષોની કોષદીવાલનું વિઘટન કરતા ઉત્સેચકોનું નિર્માણ થાય છે.

(iii) વાતવિનિમયમાં અંતરાય : કેટલાંક બીજાવરણો ઑક્સિજન માટે અલ્પ પારગમ્ય (permeable) હોય છે; દા.ત., કોક્લેબર (Xanthium pennsylvanicum). ઑક્સિજનની આ અલ્પ પારગમ્યતા દર્શાવે છે કે બીજાવરણો ભ્રૂણ માટે ઑક્સિજનનો પુરવઠો અટકાવી અંકુરણની પ્રક્રિયા અવરોધે છે. બીજાવરણમાં ટાંકણી દ્વારા નાનાં છિદ્રો પાડીને અથવા બીજાવરણને ઑક્સિજનની ઊંચી સાંદ્રતા આપી આવાં બીજની સુષુપ્તતા તોડી શકાય છે. જોકે સામાન્ય જારક (aerobic) સ્થિતિમાં આવાં બીજના બીજાવરણ દ્વારા થતા ઑક્સિજનના પ્રવેશ કરતાં ભ્રૂણ દ્વારા ઉપયોગમાં લેવાતા ઑક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આમ, આવરણ-આરોપિત સુષુપ્તતામાં ઑક્સિજનની અપારગમ્યતા(impermeability)ના મહત્વ વિશેની સમજૂતી બાકી રહે છે.

(iv) અવરોધકો(inhibitors)નું ધારણ (retention) : બીજાવરણ બીજમાંથી અવરોધકોને બહાર નીકળતા અટકાવે છે. અલગ કરેલા Xanthium-ના ભ્રૂણમાંથી વૃદ્ધિ-અવરોધકો સરળતાથી બહાર પ્રસરણ પામી શકે છે; પરંતુ આખા બીજમાંથી પસાર થઈ શકતા નથી.

(v) અવરોધકોનું સર્જન : બીજાવરણો અને ફલાવરણો વૃદ્ધિ-અવરોધકોની ઊંચી સાંદ્રતા ધરાવે છે; જેઓ ભ્રૂણના અંકુરણને અવરોધી શકે છે. ABA (ઍબ્સિસિક ઍસિડ) આ માતૃપેશીઓમાં સામાન્ય અંકુરણ અવરોધક તરીકે જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં બીજને વારંવાર ધોવાથી અવરોધક સંયોજનો દૂર થવાને કારણે સુષુપ્તતા તૂટે છે.

2. ભ્રૂણીય સુષુપ્તતા : તે ભ્રૂણની સહજ (inherent) સુષુપ્તતા છે અને બીજાવરણ કે તેની આસપાસની પેશીઓની અસરને કારણે જોવા મળતી નથી. કેટલાક કિસ્સાઓમાં બીજપત્રો(cotyledons)ના અંગચ્છેદન (amputation) દ્વારા ભ્રૂણીય સુષુપ્તતા મુક્ત કરી શકાય છે. બીજપત્રોની અવરોધક અસર ફિંડક (Corylus avelana european hazel) અને યુરોપિયન ઍશ(Fraxinus excelsior)માં જોવા મળે છે. આલૂમાં બીજપત્રો વૃદ્ધિને અવરોધે છે. આલૂના અલગ કરેલા ભ્રૂણ અંકુરણ તો પામે છે; પરંતુ તેમની વૃદ્ધિ ખૂબ જ ધીમી થાય છે અને વામન છોડમાં પરિણમે છે. જો વિકાસના પ્રારંભમાં જ બીજપત્રો દૂર કરવામાં આવે તો વનસ્પતિ અચાનક સામાન્ય વૃદ્ધિ કરવા લાગે છે.

ભ્રૂણીય સુષુપ્તતાનું કારણ ABA જેવા અવરોધકોની હાજરી અને GA (જિબરેલિક ઍસિડ) જેવા વૃદ્ધિપ્રેરકોની ગેરહાજરી હોવાનું માનવામાં આવે છે. ABA : GAના ગુણોત્તરમાં અત્યંત ઝડપી ઘટાડાથી ભ્રૂણીય સુષુપ્તતા દૂર થાય છે.

પ્રાથમિક અને દ્વિતીયક બીજસુષુપ્તતા : વનસ્પતિ પરથી મુક્ત થતાં સુષુપ્ત બીજ પ્રાથમિક સુષુપ્તતા પ્રદર્શિત કરે છે. આનાથી વિપરીત, માતૃછોડ ઉપરથી પ્રારંભમાં વિકરણ પામતાં બીજ અસુષુપ્ત (non-dormant) હોય છે; પરંતુ અંકુરણ માટે પ્રતિકૂળ હોય તેવી પરિસ્થિતિમાં તેઓ સુષુપ્ત બનવા પ્રેરાય છે. આવાં બીજ પ્રેરિત (induced) કે દ્વિતીયક સુષુપ્તતા દર્શાવે છે. ઓટ(Avena sativa)નાં બીજને બીજાંકુરણ માટે મહત્તમ કરતાં વધારે ઊંચું તાપમાન આપતાં અને સ્મૉલ-ફલાવર સ્કૉર્પિયન્ વીડ(Phacelia dubia)નાં બીજને બીજાંકુરણ માટે લઘુતમ કરતાં વધારે નીચું તાપમાન આપતાં તેઓ સુષુપ્ત બને છે.

બીજસુષુપ્તતા દૂર કરતાં પર્યાવરણીય પરિબળો : વિવિધ બાહ્ય પરિબળો બીજને સુષુપ્તતામાંથી મુક્ત કરે છે. સુષુપ્ત બીજ લાક્ષણિક રીતે એક કરતાં વધારે પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવે છે. શુષ્કન (drying) દ્વારા બીજમાં રહેલું ભેજનું પ્રમાણ નિશ્ચિત કક્ષાએ ઘટતાં તેઓ તેમની સુષુપ્તતા ગુમાવે છે. બીજ-સુષુપ્તતા તોડવાની આ પ્રકારની પદ્ધતિને અનુપક્વન (after ripening) કહે છે. સામાન્ય રીતે આ અનુપક્વનની ક્રિયા વિશિષ્ટ શુષ્કન ઓવન(oven)માં કરવામાં આવે છે. બીજી બાજુએ, જો બીજ ઘણું શુષ્ક (5 % પાણી કે તેથી ઓછું) બને તો અનુપક્વનની અસર થતી નથી.

બીજ-સુષુપ્તતા અટકાવતું અન્ય પરિબળ નીચું તાપમાન અથવા દ્રુતશીતન (chilling) છે. કેટલીક વનસ્પતિઓનાં ભીંજવેલાં બીજને અંકુરિત કરવા નીચું તાપમાન (0°10° સે.) આપવામાં આવે છે. સમશીતોષ્ણ પ્રદેશની જાતિઓમાં આ આવશ્યકતા સ્પષ્ટપણે અસ્તિત્વમૂલ્ય દર્શાવે છે; કારણ કે આવાં બીજ જમીન ઉપર પડતાં જ અંકુરણ પામતાં નથી; પરંતુ બીજી વસંતઋતુમાં અંકુરણ પામે છે. ઉદ્યાનવિદ્યા અને વનવિદ્યામાં દ્રુતશીતન બીજની સુષુપ્તતા તોડવા માટે ઉપયોગમાં લેવાતી સમયબદ્ધ પદ્ધતિ છે. વ્યાપારિક રીતે આ પદ્ધતિને ‘સ્તરણ’ (stratification) કહે છે. આ શબ્દ જૂની કૃષિવિદ્યાકીય પદ્ધતિમાંથી ઉદભવ્યો છે. અત્યંત નીચા તાપમાનની જરૂરિયાત પૂરી પડે તે માટે ભેજયુક્ત મૃદાના સ્તરિત ઢગલાઓમાં બીજ શિશિરાતિજીવન (overwintering) પસાર કરે છે. આજે તો બીજ ફ્રીઝમાં સંઘરવામાં આવે છે.

બીજ-સુષુપ્તતા દૂર કરતું ત્રીજું મહત્વનું પરિબળ પ્રકાશ છે. લેટીસ જેવાં ઘણાં બીજના અંકુરણ માટે ટૂંકા સમયનું પ્રકાશનું અનાવરણ (exposure) જરૂરી હોય છે. કૅલેન્ચોઈ જેવી માંસલ વનસ્પતિઓને આંતરાયિક (intermittant) ચિકિત્સા કે કેટલીક વનસ્પતિઓને વિશિષ્ટ લઘુ અથવા દીર્ઘ દિવસી પ્રકાશસામયિક (photoperiodic) ચિકિત્સા આપવાથી અંકુરણની ક્રિયા પ્રેરાય છે. ફાઇટોક્રોમ નામનું રંજકદ્રવ્ય પ્રકાશ નિયંત્રિત અંકુરણ માટે મુખ્ય સંવેદક (sensor) છે. પ્રકાશની જરૂરિયાતવાળાં બધાં જ બીજ બીજાવરણ-સુષુપ્તતા દર્શાવે છે અને પ્રકાશની ગેરહાજરીમાં બીજની બહારની પેશીઓ દૂર કરતાં અંકુરણ પામે છે. આમ, પ્રકાશની અસરથી ભ્રૂણમૂળ બીજાવરણને ભેદે છે. ઘણી વાર આ ભેદન(penetration)ની ક્રિયામાં કેટલીક ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા બીજાવરણની પેશીઓ નબળી પડે છે.

ABA : GAનો ગુણોત્તર અને બીજસુષુપ્તતા : વનસ્પતિજાતિને આધારે પરિપક્વ બીજ સુષુપ્ત કે અસુષુપ્ત હોય છે. વટાણા જેવાં અસુષુપ્ત બીજ માત્ર પાણી આપતાં સરળતાથી અંકુરણ પામે છે; પરંતુ સુષુપ્ત બીજ પાણીની હાજરીમાં અંકુરણ પામતાં નથી. તેઓને અંકુરણ માટે કોઈ ચિકિત્સા આપવી પડે છે, અથવા નિશ્ચિત પરિબળની હાજરી જરૂરી હોય છે.

ABA-વિકૃત જાતો (mutants) બીજ-સુષુપ્તતામાં ABAનો શો ફાળો છે તેના નિદર્શન માટે અત્યંત ઉપયોગી છે. એરાબિડૉપ્સિસનાં બીજ પારિસ્થિતિક પ્રરૂપ(ecotype)ને આધારે વિવિધ માત્રામાં સુષુપ્તતા દર્શાવે છે. આ સુષુપ્તતા નિશ્ચિત સમય માટે અનુપક્વન કે દ્રુતશીતનની ચિકિત્સા આપતાં દૂર કરી શકાય છે. ABA-ન્યૂન (deficient) એરાબિડૉપ્સિસની જાત (aba) પરિપક્વતાએ અસુષુપ્ત રહે છે. aba અને વન્ય (wild) જાત વચ્ચે પારસ્પરિક (reciprocal) સંકરણ કરાવતાં માલૂમ પડ્યું છે કે ભ્રૂણ સ્વયં ABA ઉત્પન્ન કરે તો જ બીજ-સુષુપ્તતા પ્રદર્શિત કરે છે. માતૃ ABA કે વનસ્પતિને બહારથી આપવામાં આવેલો ABA aba ભ્રૂણમાં સુષુપ્તતા પ્રેરી શકતો નથી.

બીજી બાજુ, માતૃ ABA બીજ વિકાસનાં અન્ય પાસાંઓમાં જરૂરી હોય છે. આમ, ABAના આ બે સ્રોત વિકાસના જુદા જુદા માર્ગે કાર્ય કરે છે. ABA-અસંવેદી જાતો abi 1 અને abi 3ના બીજમાં સમગ્ર વિકાસ દરમિયાન વન્યપ્રકાર કરતાં ABAની સાંદ્રતા વધારે હોવા છતાં સુષુપ્તતા પુષ્કળ પ્રમાણમાં ઘટી જાય છે. આવાં જ તારણો ABA-ન્યૂન ટામેટાંની જાતોમાં પ્રાપ્ત થયાં છે. આમ, આ પરિઘટના સંભવત: સામાન્ય છે.

જોકે બીજ-સુષુપ્તતાના પ્રારંભમાં અને તેની જાળવણીમાં ABAનું મહત્વ સારી રીતે પ્રસ્થાપિત થયું હોવા છતાં બીજા અંત:સ્રાવો સમગ્ર અસરમાં ફાળો આપે છે; જેમ કે, મોટાભાગની વનસ્પતિઓના બીજમાં ABAનું નિર્માણ ચરમ સીમાએ હોય છે, ત્યારે IAA (ઇન્ડોલ ઍસેટિક ઍસિડ) અને GAનું પ્રમાણ તદ્દન ઘટી જાય છે.

બીજમાં ABA : GAના ગુણોત્તરના મહત્વનું નિદર્શન જનીનિક પરીક્ષણ દ્વારા શક્ય બન્યું છે; જેથી એરાબિડૉપ્સિસની ABA-ન્યૂન જાતો અલગ કરી શકાઈ છે. GA બહારથી ન આપવામાં આવે તો GA-ન્યૂન જાત અંકુરણ પામી શકતી નથી. આ જાતમાં વિકૃતિ પ્રેરી ગ્રીનહાઉસમાં ઉછેરવામાં આવે છે; આ વિકૃત જાત ઉપર ઉદભવેલાં બીજમાંથી પ્રત્યાવર્તક (revertant) બીજ અલગ કરવામાં આવે છે. પ્રત્યાવર્તક બીજમાં અંકુરણ પામવાની ક્ષમતાનું પુનર્નિર્માણ થયું હોય છે. તેઓ ABA-સંશ્ર્લેષણ માટેની વિકૃત જાતમાં પરિણમે છે. આ પ્રત્યાવર્તકો અંકુરણ પામી શકે છે; કારણ કે GA-ન્યૂન જાતમાં ABA જૈવસંશ્ર્લેષણ પથને અવરોધતાં વન્યપ્રકારનો ABA : GA ગુણોત્તર પુન:સ્થાપિત થાય છે. આમ, ઘણી વાર વિકાસના નિયમનમાં વનસ્પતિના અંત:સ્રાવોની સાંદ્રતાઓ કરતાં તેમનું સંતુલન વધારે મહત્વનો ભાગ ભજવે છે.

કાલપૂર્વ (precocious) અંકુરણ અને જરાયુજતા(vivipary)માં ABAનો ફાળો : સુષુપ્તતાનો પ્રારંભ થાય તે પૂર્વે બીજમાંથી અપરિપક્વ ભ્રૂણને કાઢી લઈ તેઓને સંવર્ધન-માધ્યમમાં રાખતાં સામાન્ય સુષુપ્તાવસ્થામાંથી પસાર થયા સિવાય તેઓ અંકુરણ પામે છે. જો સંવર્ધન-માધ્યમમાં ABA ઉમેરવામાં આવે તો કાલપૂર્વ અંકુરણ અવરોધાય છે. આ દર્શાવે છે કે ABA એક કુદરતી અવરોધક છે; જે વિકાસ પામતા ભ્રૂણને ભ્રૂણજનક (embryogenic) અવસ્થામાં રાખે છે.

ABA દ્વારા કાલપૂર્વ અંકુરણ અવરોધાય છે – તેનો વધારાનો પુરાવો જરાયુજતાના જનીનિક અભ્યાસ દ્વારા સાંપડ્યો છે. જરાયુજતા વનસ્પતિના જીવનચક્રમાં કેટલીક વાર એક કુદરતી લાક્ષણિકતા બને છે; દા.ત., કાંડેલ (Rhizophora mangle) દરિયાકિનારે પંકિલ ભૂમિમાં ઊગતું એક વૃક્ષ છે. તેના ભ્રૂણ વૃક્ષ ઉપર જ સીધેસીધા અંકુરણ પામે છે. તેના મૂળ લાંબાં અને અણીદાર હોવાથી કાદવમાં પડતાં તે સ્થાપિત થઈ જાય છે. કેટલાક પાકોમાં પણ આવી જરાયુજતાની વિશિષ્ટ લાક્ષણિકતા ભેજવાળી આબોહવામાં જોવા મળે છે. મકાઈની કેટલીક જરાયુજ વિકૃત જાતો(vp વિકૃત જાતો)માં છોડ પર રહેલા કૂંડામાં ભ્રૂણ સીધેસીધા અંકુરણ પામે છે. આવી કેટલીક વિકૃત જાતો ABA-ન્યૂન (દા.ત., vp2, vp5, vp7) હોય છે. vp1 જાત ABA-અસંવેદી (insensitive) છે. ABA-ન્યૂન વિકૃત જાતને બહારથી ABAની સારવાર આપતાં જરાયુજતા અંશત: રોકી શકાય છે.

મકાઈની વિકૃત જાતોથી વિપરીત, એરાબિડૉપ્સિસની એક-જનીન વિકૃત જાત (દા.ત., aba, abi 1 અને abi 3-1) અસુષુપ્ત હોવા છતાં જરાયુજતા પ્રદર્શિત કરી શકતી નથી. તેનું કારણ ભેજનો અભાવ હોઈ શકે છે; કારણ કે ઊંચા સાપેક્ષ ભેજમાં આ બીજ ફળોમાં અંકુરિત થાય છે. દ્વિ-વિકૃત જાત (double mutant) – aba/abi 3-1 વિકાસ દરમિયાન મોડેથી જરાયુજતા દર્શાવે છે. તેનાં બીજ લીલાં રહે છે અને ઘણા વધારે પ્રમાણમાં પાણી જાળવી શકે છે. જરાયુજતામાં ભેજ સીમિત પરિબળ તરીકે કાર્ય કરે છે – તે વિચાર સાથે આ સ્થિતિ સુસંગત છે. કૃત્રિમ રીતે સૂકવતાં aba/abi 3-1 બીજ તેમની જીવનશક્તિ (viability) ગુમાવે છે; કારણ કે તેઓમાં નિર્જલન-સહિષ્ણુતા(desiccation-tolerance)નો વિકાસ થયો હોતો નથી.

સુષુપ્ત કલિકાઓ અને ABA : ઠંડી આબોહવામાં કાષ્ઠમય જાતિઓમાં સુષુપ્તતા એક મહત્વનું અનુકૂલિત (adaptive) લક્ષણ છે. શિયાળામાં આ વૃક્ષ જાતિઓ અત્યંત નીચા તાપમાનનો સામનો કરે છે. તે તેની વર્ધનશીલ પેશીઓનું કલિકા-શલ્ક (bud-scale) દ્વારા રક્ષણ કરે છે અને કલિકાની વૃદ્ધિ અસ્થાયીપણે અટકાવી દે છે. નીચા તાપમાને આ પ્રતિક્રિયા માટે સંવેદી (sensory) ક્રિયાવિધિની આવશ્યકતા હોય છે; જે પર્યાવરણીય ફેરફારો [સંવેદી સંકેતો (sensory signals)] પારખે છે અને નિયામકી તંત્ર સંવેદી સંકેતોનું પારક્રમણ (transduction) કરી કલિકા સુષુપ્તતા તરફ પ્રેરતી વિકાસકીય પ્રક્રિયાઓ ગતિમાન કરે છે. ABA સુષુપ્તતા પ્રેરતો અંત:સ્રાવ હોઈ સુષુપ્ત કલિકાઓમાં ABA એકત્રિત થાય છે અને પેશીઓ નીચા તાપમાને ખુલ્લી થયા પછી તેની સાંદ્રતા ઘટે છે. જોકે તે પછીનાં સંશોધનો દર્શાવે છે કે કલિકાઓમાં રહેલું ABA દ્રવ્ય હંમેશાં સુષુપ્તતાની માત્રા સાથે સહસંબંધ ધરાવતું નથી. બીજ-સુષુપ્તતાની જેમ, કલિકાની સુષુપ્તતા અને વૃદ્ધિ ABA જેવા કલિકા-વૃદ્ધિ-અવરોધકો અને સાયટોકાઇનિન અને જિબરેલિન જેવા વૃદ્ધિપ્રેરક પદાર્થોના સંતુલન દ્વારા નિયંત્રિત થાય છે.

કાષ્ઠમય બહુવર્ષાયુઓમાં કલિકા-સુષુપ્તતામાં ABAનું મહત્વ બાબતે થયેલી સંશોધનાત્મક પ્રગતિ અનુકૂળ જનીનિક તંત્રના અભાવે ધીમી છે. આ અસંગતિ (discrepancy) સૂચવે છે કે જનીનવિજ્ઞાન અને આણ્વીય જીવવિજ્ઞાને વનસ્પતિ-દેહધર્મવિદ્યામાં અસાધારણ ફાળો આપ્યો છે અને કાષ્ઠમય જાતિઓમાં ઉપર્યુક્ત અભિગમોનું વિસ્તૃતીકરણ કરવાની આવશ્યકતા છે.

બળદેવભાઈ પટેલ