સુવિશાખ (. . બીજી સદી) : મહાક્ષત્રપ રુદ્રદામાના અમલ દરમિયાન નિમાયેલો આનર્ત – સુરાષ્ટ્ર પ્રદેશનો પહલવ જાતિનો સૂબો. તે ઈરાનથી આવ્યો હતો. ગિરિનગરના શૈલલેખ ઉપર સુવિશાખની પ્રશસ્તિ આપી છે. તે ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વની છે. ઈ. સ. 150માં થયેલી અતિવૃષ્ટિથી સુવર્ણસિક્તા (સોનરેખ), પલાશિની આદિ નદીઓના ભારે પૂરથી સુદર્શન તળાવનો સેતુ તૂટી ગયો અને સુદર્શન તળાવ ખાલી થઈ ગયું. સુવિશાખે લોકો પાસેથી વધારાનો કર લીધા વિના, રાજ્યના ખર્ચે, પૌરો અને જાનપદોના લાભાર્થે વધારે મજબૂત અને મોટો બંધ બંધાવ્યો. તેથી રાજાનાં ધર્મ-કીર્તિ અને યશમાં અભિવૃદ્ધિ થઈ. સુવિશાખ સૂબો હતો. તે અમાત્ય કહેવાતો. તે ધર્મ, અર્થકારણ તથા વ્યવહારની ઊંડી સમજદારી ધરાવતો હતો. તે લાંચરુશવતની બદીથી પર હતો.

જયકુમાર ર. શુક્લ