સુલ્લા લુસિયસ કૉર્નેલિયસ

January, 2008

સુલ્લા, લુસિયસ કૉર્નેલિયસ (. .પૂ. 138; . .પૂ. 78) : રોમનો જાણીતો સરમુખત્યાર. તે રોમના પેટ્રિશિયન (ઉમરાવ) કુટુંબમાં જન્મ્યો હતો. તેણે રોમની સરકારમાં સુધારા કર્યા. પોતાના રાજકીય શત્રુઓ સામે લશ્કરનો ઉપયોગ કરનાર તે પ્રથમ રોમન સેનાપતિ હતો. ત્યારબાદ, જુલિયસ સીઝર સહિતના રાજકીય નેતાઓ તેને અનુસર્યા હતા.

ઈ.પૂ. 88માં તે રોમનો કૉન્સલ (સરકારનો વડો) અને રોમના લશ્કરનો સેનાપતિ બન્યો. એશિયા માઇનરના પોન્ટસના રાજા મિથ્રીડેટિસ 6ઠ્ઠાએ એશિયામાં આવેલ રોમની ભૂમિ પર હુમલો કર્યો ત્યારે તેની સામે લડવા રોમન સેનેટે સુલ્લાને લશ્કરનો સેનાપતિ નીમ્યો; પરન્તુ રોમની ધારાસભાએ સેનેટના નિર્ણયને નામંજૂર કર્યો અને ગેયસ મેરિયસને સેનાપતિપદ સોંપ્યું. સુલ્લાને રોમની બહાર કાઢી મૂકવામાં આવ્યો. તે પોતાના લશ્કર સહિત પાછો ફર્યો, મેરિયસને કાઢી મૂક્યો અને પછી મિથ્રીડેટિસ સામે લડવા ગયો.

ઈ.પૂ. 87 અને 86માં સુલ્લાએ પોન્ટસના સાથી રાજ્ય ઍથેન્સ પર હુમલો કર્યો અને મિથ્રીડેટિસનાં બે લશ્કરોને હરાવ્યાં. સુલ્લાએ એશિયામાં પ્રવેશ કર્યો ત્યારે મિથ્રીડેટિસે શાંતિ સ્થાપવાની માગણી કરી અને મેળવી.

મેરિયસે અને બીજા નેતાઓએ રોમમાં પાછા ફરીને સુલ્લાના ઘણા ટેકેદારોને મારી નાખ્યા હતા, તેથી તે ઝડપથી રોમ પાછો ફર્યો. સુલ્લા ઈ.પૂ. 83માં રોમ પાછો ફર્યો ત્યારે મેરિયસ મરણ પામ્યો હતો; પરન્તુ મેરિયસના ટેકેદારો સામે સુલ્લાએ આંતરવિગ્રહ કર્યો અને તેમાં જીત મેળવી. ઈ.પૂ. 82થી ઈ.પૂ. 79 સુધી રોમના સરમુખત્યાર તરીકે સુલ્લાએ રાજ્યને વ્યવસ્થિત કર્યું. તેણે ટ્રિબ્યૂનો(લોકોના પ્રતિનિધિઓ)ની સત્તા દૂર કરી અને સેનેટને રોમનો અંકુશ સોંપ્યો. ઈ.પૂ. 79માં સુલ્લા નિવૃત્ત થયો, તે પછી તેણે કરેલા સુધારા અમાન્ય કરવામાં આવ્યા.

જયકુમાર ર. શુક્લ