સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર) : માનવસંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યે ખોદીને કાઢેલી અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકીની એક. સુવર્ણખનનની નોંધો ઋગ્વેદ, પુરાણો, અન્ય શાસ્ત્રો, હિબ્રૂ ગ્રંથો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાંથી મળી રહે છે. મિસર અને બૅબિલોનિયાના નવપાષાણ યુગના સ્તરોમાંથી 8,000 વર્ષ જૂના સુવર્ણ-અલંકારોના અવશેષો મળેલા હોવાની નોંધ છે. ભારત તેમજ અન્ય દેશોની પ્રાચીન/પૌરાણિક વાર્તાઓમાં દેવ-દેવીઓને સુવર્ણ આભૂષણોથી મઢેલાં વર્ણવેલાં છે. રાજા-મહારાજાઓમાં તથા શ્રીમંતોમાં સોનું વૈભવનું ચિહન મનાતું હતું; આજે પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી. દુનિયાના કુલ સુવર્ણ-ઉત્પાદનનું લગભગ 10 % સોનું અલંકારો બનાવવાના ઉપયોગમાં લેવાય છે; ભારતમાં આ ટકાવારી ઘણી ઊંચી છે. સોનાનો ઔષધોમાં પણ (જેમ કે સુવર્ણભસ્મ તરીકે) ઉપયોગ થાય છે.

ઐતિહાસિક જાણકારી મુજબ, સુવર્ણપ્રાપ્તિની આકાંક્ષાએ મનુષ્ય પાસે લડાઈઓ, સોદા અને વેપાર કરાવ્યાં છે, વસાહતો જમાવી છે અને ઉચ્છેદી છે; વિકાસ સાધવામાં મદદ કરી છે તો લૂંટફાટ અને ખૂનો પણ કરાવ્યાં છે. અમેરિકા ખંડની શોધ પાછળનું મૂળ કારણ સુવર્ણપ્રાપ્તિની ઝંખના જ હતી. સુવર્ણપ્રાપ્તિ માટે મનુષ્ય લગભગ આખી પૃથ્વી ખૂંદી વળ્યો છે, ઝઝૂમ્યો છે, અકલ્પ્ય મુસીબતો પણ વેઠી છે. જ્યાં જ્યાં સોનું મળી આવ્યાની જાણ થઈ કે તે લેવા માટે સુવર્ણ-ધસારા (gold-rush) થયા છે. સોળમી, સત્તરમી અને અઢારમી સદી દરમિયાન મૅક્સિકો, પેરુ, બોલિવિયા અને ચિલીમાંથી પ્રાપ્ત સોના-ચાંદીના વહેતા રહેલા વેપારપ્રવાહથી યુરોપનાં પાટનગરો સમૃદ્ધિ પામતાં રહ્યાં. ઉત્તર અમેરિકા ખંડ શોધાયા બાદ ત્યાં સુવર્ણક્ષેત્રો એક પછી એક 1801માં ઉત્તર કૅરોલિનામાં, 1829માં જ્યૉર્જિયામાં, 1848માં કૅલિફૉર્નિયામાં, 1891માં કૉલોરાડોમાં અને 1897માં અલાસ્કામાં શોધાતાં ગયાં; ઓગણીસમી સદીના ગાળા દરમિયાન 1851માં ઑસ્ટ્રેલિયામાં અને 1886માં દક્ષિણ આફ્રિકામાં પણ વિશાળ જથ્થા ધરાવતી સોનાની ખાણો મળી આવી. 1931ના ગાળા દરમિયાન રશિયા અને કૅનેડામાં પણ સુવર્ણક્ષેત્રો મળ્યાં. આમ દુનિયાનું સોનાનું ઉત્પાદન ઉત્તરોત્તર વધતું ગયું.

ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં દુનિયાનું સોનાનું વાર્ષિક ઉત્પાદન આશરે 4,25,250 કિલોગ્રામ હતું; તે 1915 સુધીના 25 વર્ષ-(1891-1915)ના ગાળામાં વધીને 6,52,050 કિલોગ્રામ થયું અને 1940 સુધીનાં બીજાં 25 વર્ષના ગાળામાં ફરીથી વધીને આશરે 11,34,000 કિલોગ્રામના આંકડાને પણ વટાવી ગયું. દુનિયામાં સોનું સર્વપ્રથમ જ્યારથી મળતું થયું ત્યારથી એટલે કે 1801થી 1940 સુધીમાં પ્રાપ્ત થયેલા દુનિયાભરના સોનાના કુલ ઉત્પાદનના આંકડાનો અંદાજ 50,000 ટનનો મૂકવામાં આવેલો છે. 1940 પછીનાં પચાસ વર્ષે, અર્થાત્ 1991નું સોનાનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન 2156.6 ટને પહોંચેલું. છેલ્લાં દસ વર્ષમાં, વીસમી સદીના અંતિમ વર્ષ સુધીમાં આ સરેરાશમાં વર્ષભેદે થોડો તફાવત રહ્યા કર્યો છે.

ખનિજીય ગુણધર્મો : રાસા. બં. : Au. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : ઑક્ટાહેડ્રલ, ડોડેકાહેડ્રલ અને ક્યૂબ-સ્વરૂપોમાં; કુદરતમાં તેની પ્રાકૃત સ્થિતિમાં ક્યારેક ચપટી અને લાંબી પતરી રૂપે; સામાન્ય રીતે વૃક્ષાકાર, જાળાકાર, તંતુઆકાર, વાદળી (spongy) રૂપે, અનિયમિત દળદાર, ગઠ્ઠાઓ, દાણાદાર કે શલ્ક સ્વરૂપે પણ મળે. યુગ્મતા સામાન્યત: (111) ફલક પર, ક્યારેક આવર્તિત યુગ્મો પણ મળે. દેખાવ : અપારદર્શક. સંભેદ : નથી હોતો. ભંગસપાટી : ખાંચાખૂંચીવાળી, તન્ય, ટિપાઉ; ટીપવાથી પતરામાં ફેરવાય. ચમક : તેજસ્વી ધાત્વિક, ખુલ્લું રહેવા છતાં સામાન્ય રીતે તો તે નિસ્તેજ પડતું નથી. રંગ : સુવર્ણવત્ પીળો, અશુદ્ધિઓ હોય ત્યારે રજતશ્વેતથી કેસરી-લાલ. ચૂર્ણરંગ : મૂળ રંગ સમકક્ષ. કઠિનતા : 2.5થી 3, તે અત્યંત મૃદુ હોવાથી તેના પર ચપ્પાથી ઘસરકા પાડી શકાય છે. વિ.ઘ. : સામાન્યત: 19.32; પરંતુ શૂન્ય તાપમાને 19.297. ગલનબિંદુ : 10.63° સે.; ઍક્વારેજિયા અને જલદ HClમાં ઓગળે.

પ્રાપ્તિસ્થિતિ-ઉત્પત્તિસ્થિતિ : કુદરતમાં તે ટેલ્યુરાઇડનાં સંયોજનો રૂપે મળે છે. કુદરતી પ્રાપ્તિસ્થિતિમાં મળતું મોટાભાગનું સોનું ચાંદીના અંશોવાળું હોય છે. કેટલાક નિક્ષેપોમાં તે ચાંદી, પેલેડિયમ, રોડિયમ, ઍન્ટિમની અને બિસ્મથની ભેળવણીવાળું હોય છે.

સોનું મુખ્યત્વે બે પ્રકારની પ્રાપ્તિસ્થિતિમાં મળે છે : (1) ઉષ્ણજળજન્ય/ઉષ્ણબાષ્પજન્ય ધાતુખનિજશિરાઓ. (2) ભૌતિક સંકેન્દ્રણો. પ્રથમ પ્રકાર પ્રાથમિક ઉત્પત્તિ-સ્થિતિજન્ય ગણાય છે. તે ડાયોરાઇટ, ક્વાર્ટઝ ડાયોરાઇટ અને ગ્રૅનાઇટ ખડકોમાંથી; તેમને સમકક્ષ વિકૃત ખડકોમાંથી તેમજ સુવર્ણયુક્ત કાગ્લોમરેટમાંથી મળે છે. તે બિનલોહધાતુઓ તેમજ ચાલ્કોપાયરાઇટ, પાયરાઇટ, સ્ફેલેરાઇટ, ગેલેના, આર્સેનોપાયરાઇટ અને ઍન્ટિમોનાઇટ જેવાં ધાતુસલ્ફાઇડના સંકલનમાં મળે છે. ક્વાર્ટઝ અને લિમોનાઇટ જેવાં અસાર ખનિજો (gangue minerals) પણ તેના સહયોગમાં હોય છે. સપાટી પરનાં લોહ-આચ્છાદનો જેવાં ખનિજનિર્દેશકો (gossans) પણ ક્યારેક સોનાનું નજીવું પરંતુ નોંધપાત્ર પ્રમાણ ધરાવતા હોવાનું માલૂમ પડેલું છે. મોટેભાગે તો તે ક્વાર્ટઝ શિરાઓ સાથે સંકળાયેલું હોય છે, તેમાંય પીળો-કથ્થાઈ કે ભૂરો ક્વાર્ટઝ સોના માટેનો અનુકૂળ વાહક બની રહે છે; દા.ત., ઝારખંડના સિંઘભૂમ જિલ્લાના કુન્દ્રકોચામાં મળતું સોનું.

મૅગ્માજન્ય દ્રાવણો જ્યારે તેમના ઠરવાના અંતિમ તબક્કા દરમિયાન આગ્નેય બાષ્પાયનો રૂપે પોપડાના ઉપર તરફના ખડકસ્તરોમાં ફાટો, સ્તરભંગ કે ગેડનાં પોલાણોમાં પ્રસરે ત્યારે ધાતુશિરાઓ ઉદભવતી હોય છે. આવાં દ્રાવણોની ઠરવાની ક્રિયા દરમિયાન સોનું તેની પ્રાકૃત સ્થિતિમાં અથવા Ag, Cu, Hg, Sb, Bi, Se, Te, As અને S જેવાં તત્વો સાથે તે વખતે પ્રવર્તતા ભૌતિક-રાસાયણિક સંજોગો અનુસાર સ્ફટિકીકરણ પામે છે. મોટાભાગનો નિક્ષેપજથ્થો મૅગ્માની સ્વભેદનની ક્રિયાના અંતિમ તબક્કા વખતે તૈયાર થતો હોવાથી, સ્પષ્ટ બને છે કે આ નિક્ષેપો ઉષ્ણજળજન્ય ઉત્પત્તિસ્થિતિવાળા છે, જેમાં વાયુઓ અને જળમાત્રાનું પ્રમાણ વિશેષ હોય છે; દા.ત., કોલારનાં સુવર્ણક્ષેત્રો. તેમ છતાં દુનિયાભરમાં મળતા કેટલાક સુવર્ણધાતુશિરા નિક્ષેપો મૅગ્માના ઠરવાના વિવિધ તબક્કાઓ દરમિયાન પણ બનેલા છે; જેમ કે, ઉટાહ ગોલ્ડ હિલ, મૉન્ટાના ગોલ્ડ કરી વગેરેમાં જોવા મળતા મૅગ્માજન્ય સંકેન્દ્રણ-નિક્ષેપો, મૉન્ટાના કેબલ માઇન, બ્રિટિશ કોલંબિયા નિકલ પ્લેટ માઇન વગેરેમાં જોવા મળતા સંસર્ગકણશ: વિસ્થાપન-નિક્ષેપો (metasomatic replacement deposits).

ભૌતિક સંકેન્દ્રણોમાં મળતું સોનું કાંપ, રેતીકણો, ગ્રૅવલ અને કૉંગ્લોમરેટ સાથે રહેલું હોય છે. આવા નિક્ષેપો સ્રોતજન્ય (કાંપજન્ય) સંકેન્દ્રણો (stream / alluvial placers) તરીકે પણ ઓળખાય છે. જૂના વખતમાં આવા નિક્ષેપો મહદ્અંશે સુવર્ણસ્રોત તરીકે ઉપયોગમાં લેવાતા; દા.ત., કેરળની નીલાંબર ખીણનો ગ્રૅવલ જથ્થો મૅગ્નેટાઇટ, ઝિર્કોન અને ગાર્નેટ સહિત સુવર્ણધારક બની રહેલો છે. દરિયાઈ કંઠારપટની રેતીનાં ભૌતિક સંકેન્દ્રણો(beach placers)માં, ખાસ કરીને બ્રહ્મપુત્ર નદી દ્વારા ખેંચાઈ આવેલો ગ્રૅવલ જથ્થો પણ સુવર્ણકણધારક છે; જેની સાથે ગાર્નેટ, મૅગ્નેટાઇટ, ઝિર્કોન, ટોપાઝ, પ્લૅટિનમ, ઑસ્મિયમ અને ઇરિડિયમના કણો રહેલા છે.

ભૌતિક સંકેન્દ્રણ થવામાં સુવર્ણધારક માતૃખડકનું વિભંજન-વિઘટન, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા જેવાં પ્રાકૃતિક પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. કૅલિફૉર્નિયા, વિક્ટોરિયા અને ન્યૂઝીલૅન્ડમાં ટર્શ્યરી તેમજ અર્વાચીન ભૂસ્તરીય કાળમાં આવાં સંકેન્દ્રણો તૈયાર થયેલાં છે, તેમાંથી સુવર્ણપ્રાપ્તિ કરેલી હોવાની નોંધ મળે છે. સુવર્ણધારક મૂળ માતૃખડકમાંથી તૂટીને, છૂટા પડીને, વહન પામીને અન્યત્ર અનુકૂળ સ્થાને સુવર્ણકણો એકત્રિત થતા હોય છે, મોટેભાગે તે ટેકરીઓની તળેટીના ઢોળાવો નજીક અવશિષ્ટ નિક્ષેપો રૂપે જમા થાય છે; દા.ત., વિક્ટોરિયા(ઑસ્ટ્રેલિયા)માંથી સોનાનો મોટો ગઠ્ઠો આ રીતે મળેલો છે. તે આશરે 70.5 કિલોગ્રામ વજનનો હતો, તેમાંથી 70 કિલોગ્રામ શુદ્ધ સોનું મળેલું. આ ઉપરાંત, નાની નદીઓની ખીણોમાં પણ સુવર્ણકણો, પતરીઓ જમા થતી હોય છે. જે ખીણમાર્ગનો ઢોળાવ પ્રતિ કિમી.ના અંતરે 10થી 15 મીટરનો રહેતો હોય ત્યાં સંકેન્દ્રણ શક્ય બની રહે છે. આવાં સ્થાનોમાં સોનું, ખડક ટુકડાઓ કરતાં પાંચથી છ ગણું ભારે હોવાથી, ગ્રૅવલ જથ્થાની નીચે તરફ અને નદીના તળખડકની ઉપર તરફ સંકેન્દ્રિત થઈને રહેલું હોઈ શકે છે. તે માટેભાગે તો નદીપટની અંતર્ગોળ બાજુ પર અને ખડકઅવરોધના હેઠવાસ તરફ જમા થતું હોય છે.

પ્રાપ્તિસ્થાનો : સોનાના મુખ્ય ઉત્પાદક દેશો આ પ્રમાણે છે : દક્ષિણ આફ્રિકા 40 % (પ્રથમ સ્થાને), રશિયા (17 %), યુ.એસ. (7 %), કૅનેડા (6.6 %), ઑસ્ટ્રેલિયા (5 %) અને ચીન (4 %). આ ઉપરાંત, તે અલાસ્કા, મૅક્સિકો, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, રુમાનિયા, ટસ્માનિયા અને ભારતમાંથી પણ મળે છે.

ભારત : ભારતમાં સોનું મુખ્યત્વે કર્ણાટક (કોલાર, હુત્તી, ગડગ), આંધ્રપ્રદેશ (અનંતપુર) અને તામિલનાડુ(વાયનાડ)માંથી તેમજ ગૌણ પ્રમાણ મધ્યપ્રદેશ અને કેરળમાંથી મળે છે. 1990માં કરેલી આકારણી મુજબ સુવર્ણધાતુખનિજોનો કુલ અનામત જથ્થો (reserves) 4.50 કરોડ ટન જેટલો તથા સુવર્ણધાતુ જથ્થો 100 ટન જેટલો હોવાનું અંદાજવામાં આવેલું છે. 1990થી 1993નાં ચાર વર્ષોની સુવર્ણ ઉત્પાદનની વાર્ષિક સરેરાશ 2000 કિલોગ્રામ જેટલી રહેલી. દુનિયાના સુવર્ણ ઉત્પાદનની તુલનામાં આ પ્રમાણ માત્ર 0.1 % ગણાય. લગભગ બધું જ ઉત્પાદન ધાતુખનિજશિરાઓમાંથી મેળવાય છે. ભૌતિક સંકેન્દ્રણોમાંથી મળતું ઉત્પાદન તદ્દન નજેવું છે.

સુવર્ણનિક્ષેપો (ભારત) : આર્થિક દૃષ્ટિએ ઉપયોગી હોય એવાં સુવર્ણ-ખનિજો આ પ્રમાણે છે : (1) પ્રાકૃત (ધાત્વિક) સુવર્ણ (2) ચાંદી-મિશ્રિત સુવર્ણ (3) ટેલ્યુરાઇડ (સિલ્વેનાઇટ, કૅલવેરાઇટ, પેટઝાઇટ અને નૅગ્યાગાઇટ).

ઉત્પત્તિ : પોપડામાં વધુ ઊંડાઈથી ઉપલાં પડો સુધી અસ્તિત્વ ધરાવતી ફાટોમાં મૅગ્મા અંતર્ભેદનના અંતિમ તબક્કા દરમિયાન પ્રાથમિક કક્ષાના સુવર્ણ-નિક્ષેપો બને છે. ઊંડાણમાંથી મૅગ્માની સાથે સાથે ગરમ જલીય દ્રાવણો અને બાષ્પ પણ વહન પામે છે. થોડા વખત પછી તાપમાનના ઘટવાની સાથે દ્રાવણો ઠરે છે, પરિણામે શિરાઓ ફાટોને ભરી દે છે. ક્વાર્ટઝયુક્ત શિરાઓ સાથે સુવર્ણ-નિક્ષેપો પણ હોય છે. સ્વરૂપની દૃષ્ટિએ જોતાં તે કણો, પતરીઓ, તકતીઓ, તાર, સૂત્રો, જેવા હોય છે. સુવર્ણના ગઠ્ઠા પણ હોઈ શકે છે. આ ઉપરાંત સુવર્ણના ટેલ્યુરાઇડ અને સલ્ફાઇડ પણ શિરાઓમાં જોવા મળે છે. ભૌતિક સંકેન્દ્રણ રૂપે પણ સુવર્ણ-નિક્ષેપો મળે છે.

પ્રાપ્તિસ્થિતિ : મોટાભાગના પ્રાથમિક સુવર્ણ-નિક્ષેપો ઘણુંખરું તો ઍસિડિક આગ્નેય અંતર્ભેદનોની નજીકમાં મળે છે. તે ઉષ્ણજળજન્ય અથવા ઉષ્ણબાષ્પજન્ય ઉત્પત્તિ ધરાવે છે.

દુનિયાના વિવિધ ભાગોમાં મળતા સુવર્ણ-નિક્ષેપો આ પ્રમાણે છે : (1) મૅગ્માજન્ય નિક્ષેપો : દક્ષિણ આફ્રિકા (વાઅરક્રલ), (2) સંપર્ક કણશ : વિસ્થાપન-નિક્ષેપો (યુ.એસ., ઉટાહ), (3) અવશિષ્ટ સંકેન્દ્રણો (બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા).

ભારતમાં વિતરણ : 1. કોલાર સુવર્ણક્ષેત્ર : કર્ણાટકમાં આવેલા આ સુવર્ણક્ષેત્રમાં (નન્દીદુર્ગ, ચૅમ્પિયન રીફ, મૈસૂર અને ઉરેગામ) ચાર ઉપજાઉ ખાણો આવેલી છે. ચૅમ્પિયન રીફ દુનિયાભરમાં ઊંડામાં ઊંડી ખાણ છે. અહીં શિષ્ટ પટ્ટાના ઍમ્ફિબોલાઇટ ખડકના સંપર્કમાં ધાતુખનિજ શિરા રૂપે સુવર્ણ-ખનિજોનું સ્થાનીકરણ થયેલું છે, તે ક્વાર્ટઝશિરાઓના વિભાગોમાં સંકેન્દ્રિત થયેલી છે.

2. હુત્તી સુવર્ણક્ષેત્ર : હૈદરાબાદના આ હુત્તી સુવર્ણક્ષેત્રમાં સુવર્ણ ખનિજ-શિરાઓ ધારવાડ વયના શિષ્ટ ખડકોમાં મળે છે.

3. રામગિરિ સુવર્ણક્ષેત્ર (આંધ્રપ્રદેશ).

4. વાયનાડ સુવર્ણક્ષેત્ર (તામિલનાડુ-કેરળ).

5. છોટાનાગપુર વિસ્તારનું કુન્દ્રા-કોચા સુવર્ણક્ષેત્ર.

આ ઉપરાંત સુવર્ણનાં ભૌતિક સંકેન્દ્રણો આસામ (સુબનસિરી નદી), ઝારખંડ (સુવર્ણરેખા નદી), મધ્યપ્રદેશ (શોણ, દેવ અને ઇબ નદીઓ) તથા ઓરિસા(કોરાપુટ અને સંબલપુર જિલ્લા)માંથી મળે છે.

આર્થિક ઉપયોગો : આંતરરાષ્ટ્રીય હૂંડિયામણમાં, મિશ્રધાતુઓ બનાવવામાં, અલંકારો, દંતવિદ્યા, રાસાયણિક એકમો, થરમૉકપલ, ઘડિયાળો, એક્સ-રેની સાધનસામગ્રી, ફોટોગ્રાફી તેમજ ઔષધોમાં ઉપયોગમાં લેવાય છે.

ભારતમાં સોનાનું ભૂસ્તરીય-ભૌગોલિક વિતરણ

ભૂસ્તરીય વય નિક્ષેપ પ્રકાર કક્ષા સ્થાન/ભૂસ્તરીય માહિતી
1 2 3 4
ધારવાડ રચના ધાતુ-ખનિજ-શિરાઓ 1. મુખ્ય નિક્ષેપો ખાણો કાર્યરત (i) કોલાર (કર્ણાટક) : ક્વાર્ટઝયુક્ત ધાતુખનિજશિરાઓ અને સલ્ફાઇડધારક વિભાગોમાં સુવર્ણનું સંકલન છે. શિષ્ટ ખડક પટ્ટામાં ધાતુખનિજશિરાઓ આવેલી છે. ઊંચા તાપમાનવાળી ઉષ્ણજળજન્ય ઉત્પત્તિ.
(ii) હુત્તી (કર્ણાટક) : મેટાબેસાલ્ટ ખડકોમાં ક્વાર્ટઝ-શિરાઓ સાથે સુવર્ણનું સંકલન છે. ક્લોરાઇટ શિષ્ટમાં ફેરવાયેલા ગ્રીનસ્ટોન દ્વારા તે રજૂ થાય છે.
2. સંભવિત નિક્ષેપો ખાણો બંધ (i) રામગિરિ : (અનંતપુર, આંધ્રપ્રદેશ) સેરિસાઇટ-ક્લોરાઇટ ફીલાઇટ ખડકથી બનેલા શિસ્ટોઝ 15 કિમી ×  150 – 200 મીટરમાં વિસ્તરેલા, ક્વાર્ટઝ શિરાવિભાગ સાથે સુવર્ણધારક પટ્ટો.
(ii) ગડગ (કર્ણાટક) : મુખ્યત્વે ગ્રીનસ્ટોન ખડકમાં 50 કિમી. લંબાઈમાં પરસ્પર સમાંતર સ્થિતિમાં ગોઠવાયેલી ક્વાર્ટઝ-શિરાઓમાં સુવર્ણ સંકલિત.
(iii) વાયનાડ (તમિલનાડુ) : બાયૉટાઇટ-નાઇસમાંના હૉર્નબ્લેન્ડ-ગ્રૅન્યુલાઇટ આંતરસ્તર પટ્ટાઓમાં તેમજ ક્યાંક ક્યાંક મૅગ્નેટાઇટ ક્વાટર્ઝાઇટમાં રહેલી ક્વાર્ટઝ-શિરાઓ સાથે સુવર્ણ સંકલિત.

 

(iv) કુન્દ્રકોચા (ઝારખંડ) : લોહ-ધાતુખનિજ-રચનાના ચાર્ટયુક્ત ફીલાઇટમાં રહેલી ક્વાર્ટઝ-શિરાઓ સાથે સોનાનું
3. ગૌણ પ્રાપ્તિ જૂના વખતમાં સુવર્ણ-ખનનકાર્ય થયેલું હોય એવાં તેમજ અન્ય ગૌણ પ્રાપ્તિસ્થાનો; દા.ત., આંધ્રમાં ગૂટી (અનંતપુર જિલ્લો), બિસનાથમ્ (ચિત્તૂર) અને ગવનીકોંડા (કર્નૂલ); ઝારખંડમાં નાલંદા, રાંચી અને સિંગભૂમમાં આવેલાં સ્થાનો; કેરળમાં કોઝીકોડ અને કેન્નોર જિલ્લામાં; ગુજરાતમાં જામનગર પાસેની ઍલેક ટેકરીઓ.
પ્લાયસ્ટોસીન અને અર્વાચીન રચનાઓ ભૌતિક સંકેન્દ્રણો આસામ, બિહાર-ઝારખંડ અને હિમાચલ પ્રદેશની ઘણી નદીઓ- ના કાંપમાં તેમજ ગ્રૅવલ સ્તરોમાંથી સોનું મળેલું છે; જેમ કે, આસામ-અરુણાચલની સુવર્ણસિરિ, લોહિત, દિહાંગ, બુરી દિહિંગ, જાંગલુ અને પૉની નદીઓ; સિંગભૂમની સોના, સુવર્ણરેખા અને કોયલ; રાંચીની સોનાપત, કરકરી, નકરી અને જુમા નદીઓ.

ભારતના – સહજપ્રાપ્ય અને ખનનયોગ્ય સુવર્ણ ધાતુના અનામત જથ્થાનો અંદાજ 101 ટનનો મૂકવામાં આવેલો છે, મુખ્ય જથ્થા કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આવેલા છે. સુવર્ણધાતુખનિજમાં રહેલા સુવર્ણની સરેરાશ કક્ષા પ્રતિ ટને 4.30 ગ્રામની છે. પ્રતિ ટને 3 ગ્રામ સુવર્ણ હોય તો ખનનકાર્ય પોસાઈ શકે છે.

1914 સુધી તો દુનિયાના કેટલાક દેશોમાં ચલણમાં ચાલતા અમુક સિક્કાઓ માટે સોનાનો ઉપયોગ થતો હતો. સોનું બીજાં ઘણાં ક્ષેત્રોમાં પણ વપરાતું આવ્યું છે. તે વીજળીનું સુવાહક હોવાથી વીજળીના વેપારમાં પણ ઉપયોગમાં લેવાય છે. તે ઘણું નાજૂક અને ટિપાઉ હોવાથી તૂટ્યા વિના વિસ્તરી શકે છે, તેથી તેને ટીપીને તેનાં પાતળાં પડ, આવરણ કે વરખ બનાવાય છે. બીજી ધાતુઓ પર તેનો ઢોળ કે તેનું પડ ચડાવાય છે. તેને સખત બનાવવા માટે તેમાં અન્ય ધાતુ – મુખ્યત્વે તાંબું – ભેળવાય છે. તેના પર ઍસિડ કે ક્ષારોની અસર થતી નથી; પરંતુ તે ઍક્વારેજિયા કે જલદ HClમાં ઓગળી જાય છે.

ગિરીશભાઈ પંડ્યા