સુર્વે, નારાયણ (જ. 1926, મુંબઈ) : આધુનિક મરાઠી દલિત સાહિત્યના અગ્રણી સર્જક અને પુરસ્કર્તા, જીવનવાદી કવિ. મુંબઈની કમલા કાપડ મિલના એક મહિલા કામદાર કાશીબાઈને 1926માં માહિમના ભેજવાળા વિસ્તારના એક ઉકરડા પરથી લાવારિસ હાલતમાં પડેલું એક નવજાત શિશુ મળ્યું અને પુત્રપ્રાપ્તિના આનંદમાં વિભોર બની ગયેલી આ મહિલા અને તેના પતિએ તેને અપનાવ્યું અને નારાયણ નામ આપ્યું, જે આજે મરાઠીના અગ્રણી કવિઓની હરોળમાં સ્થાન ધરાવે છે. નારાયણનું શિક્ષણ મરાઠી ચોથા ધોરણ સુધીનું. 1936માં માનસપિતા ગંગારામ મિલમાંથી નિવૃત્ત થયા, જેના પરિણામે નારાયણને શિક્ષણને તિલાંજલિ આપવી પડી અને તદ્દન સામાન્ય ગણાતી ક્રમશ: હૉટલ બૉય અને મોટર ગેરેજમાં ક્લીનરની નોકરીઓ કરવી પડી (1936-42).
નારાયણ સુર્વે
1942માં તેઓ એક કાપડ-મિલના વાઇન્ડિંગ ખાતામાં કામદાર તરીકે જોડાયા; પરંતુ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં શિક્ષણાધિકારી કપિલા ખાંડવાલાની મહેરનજરથી કૉર્પોરેશન હસ્તકની એક શાળામાં પટાવાળા તરીકે તેમને નોકરી મળી, જ્યાં ત્યારપછીનાં ચૌદ વર્ષ સુધી ચોથા વર્ગના કર્મચારી તરીકે તેમણે સેવાઓ આપી, જોકે નિવૃત્તિસમયે તેઓ કોઈ પણ જાતની ઔપચારિક લાયકાતો વિના શિક્ષકના પદ પર કામ કરતા હતા. દરમિયાન માર્કસવાદી કામગાર ચળવળ સાથે સંકળાયેલા શાહીર અમરશેખ, શાહીર અણ્ણાભાઉ સાઠે, શાહીર ગંગારામ ગવાણકર જેવાઓના સંપર્કમાં આવ્યા, જેના કારણે તેઓ માર્કસવાદી વિચારસરણીના પુરસ્કર્તા બન્યા. સાથોસાથ પ્રખર રાષ્ટ્રવાદી હોવાને કારણે 1942ની ‘હિંદ છોડો’ આંદોલનમાં સક્રિય ભાગ લીધો. નારાયણ સુર્વે દૃઢતાપૂર્વક માને છે કે માર્કસવાદી વિચારસરણીના પ્રભાવને કારણે જ તેઓ માનવસમાજની ઊર્મિઓને અને શોષિત-પીડિત વર્ગોની સમસ્યાઓને વધુ સારી રીતે અને ઊંડાણપૂર્વક સમજતા થયા છે.
તેમની પ્રથમ કવિતા ‘દોન દિવસ’ 1956માં પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ ‘નવયુગ’ અને ‘યુગાંતર’ જેવા અગ્રણી મરાઠી સામયિકોમાં તેમની કાવ્યરચનાઓને મોખરાનું સ્થાન મળતું ગયું. 1967માં મરાઠવાડા પ્રદેશના જાલના ખાતે આયોજિત એક કવિસંમેલનમાં પ્રથમ વાર કવિ તરીકે તેમને લોકમાન્યતા પ્રાપ્ત થઈ. ‘દોન દિવસ’ ઉપરાંત ‘ભાકરીચા ચંદ્ર’, ‘પોર્ટરચી સ્વગતે’, ‘પોસ્ટર’, ‘મનીઑર્ડર’ અને ‘મુંબઈ’ શીર્ષક હેઠળની તેમની રચનાઓમાં સુર્વેએ પીડિત-સમાજનાં દુ:ખદર્દોને, તેમના પર થતા સામાજિક અન્યાયને અને અગ્રવર્ગ દ્વારા તેમની થતી પજવણીને વાચા આપી છે; દા.ત., ‘મુંબઈ’ શીર્ષક હેઠળની તેમની કાવ્યરચનામાં પીડિત વર્ગના શોષણનું બયાન કરતાં તેઓ કહે છે કે જેમ મીણબત્તી ધીમે ધીમે બળતી જાય છે અને અંતે તેને અદૃશ્ય થવું પડે છે તેવી જ રીતે મૂડીવાદી સમાજમાં કામગાર વર્ગના શોષણને કારણે દરેક કામદારનું જીવન ક્રમશ: સમેટાઈ જતું હોય છે. સમગ્ર રીતે વિચારીએ તો 1965થી 95ના ત્રણ દાયકામાં નારાયણ સુર્વેની કાવ્યરચનાઓમાં કામગાર વર્ગ પ્રત્યેની તેમની હમદર્દી, સામાજિક ધ્યેયો પ્રત્યેની તેમની કટિબદ્ધતા તથા પ્રગતિશીલ રાજકીય વિચારસરણી તરફનો તેમનો ઝોક ડગલે ને પગલે સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થયા કરે છે. આધુનિક મરાઠી દલિત સાહિત્યના સર્જક તરીકે સુર્વેની તુલના સમકાલીન મરાઠી દલિત સાહિત્યકારો સાથે કરતાં આ બંને વચ્ચે તફાવત દેખાય છે અને તે એ કે સુર્વે અન્ય મરાઠી સર્જકોની જેમ પોતે પોતાની કૃતિઓમાં લોકસંપર્કથી વંચિત એવા ભારેખમ શબ્દપ્રયોગો પર, રોદણાં રડવા પર કે બિનજરૂરી અને મૂળભૂત રીતે ખોખલી ગર્જનાઓ કરવા પર ભાર મૂકવાને બદલે તેમના અંતરાત્માના સાહજિક અવાજને વાચકો કે શ્રોતાઓ સુધી તદ્દન સરળ, સાદી અને લોકભોગ્ય ભાષામાં, કોઈ પણ જાતના આડંબર કે કૃત્રિમતા વિના પહોંચાડવાનો પ્રયાસ નિષ્ઠાથી કરતા હોય છે. તેમની કવિતામાં રંગદર્શિતા (romanticism) અને ક્રાંતિ આ બંનેના પડઘાનો સુભગ સમન્વય થયેલો દૃષ્ટિગોચર થાય છે.
વર્ષ 2006 સુધીમાં પ્રકાશિત થયેલા તેમના કાવ્યસંગ્રહોમાં ‘અસા ગા મી બ્રહ્મ’ (I am the universe), આત્મકથન પર આધારિત ‘માઝે વિદ્યાપીઠ’, ‘જાહીરનામા’ અને ‘સનદ’ – આ ચાર વિશેષ ઉલ્લેખનીય છે. તેમનો એક નિબંધસંગ્રહ ‘માણુસ, કલાવંત આણિ સમાજ’ (1992) તથા ‘તીન ગુંડ આણિ સાત કથા’ (1974) તથા ‘દાદર પુળકાદિલ મુલે’ (1975) – આ બે અનુવાદ પણ પ્રકાશિત થયા છે.
1995માં મરાઠવાડા પ્રદેશના પરભણી ખાતે મળેલા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે નારાયણ સુર્વેની વરણી થઈ હતી. જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા મરાઠી કવિ ‘કુસુમાગ્રજ’(વિ. વા. શિરવાડકર)ને નારાયણ સુર્વે ગુરુસ્થાને પૂજતા હોય છે.
સુર્વેની કાવ્યરચનાઓ આજે મરાઠી અગ્ર વર્ગ સહિત જુદા જુદા વર્ગના, જુદા જુદા સ્તરના અને ખાસ કરીને શોષિત-પીડિત સમાજના રસિક વર્ગમાં પ્રતિષ્ઠાનું સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે. આજે (2006) તેઓ મહારાષ્ટ્રની ત્રણ યુનિવર્સિટીઓના મરાઠી વિષયની અભ્યાસ સમિતિઓ(બૉર્ડ ઑવ્ સ્ટડીઝ)માં સભ્ય તરીકે કામ કરે છે; જેમાં પુણે યુનિવર્સિટી, શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર તથા મરાઠવાડા યુનિવર્સિટી, ઔરંગાબાદનો સમાવેશ થાય છે. વળી મુંબઈની ‘લોકવાઙમ ગૃહ’ નામની જાણીતી પ્રકાશન-સંસ્થાના મુખ્ય સંપાદક-પદે તેઓ બિરાજમાન છે. તેમની કાવ્યરચનાઓનો અનુવાદ અનેક ભારતીય ભાષાઓમાં તથા કેટલીક યુરોપીય ભાષાઓમાં થયેલો છે. પુણે ખાતે 1992માં આયોજિત પ્રથમ ‘કામદાર સાહિત્ય સંમેલન’ના અધ્યક્ષપદે તથા 1989માં વાળવે ખાતે આયોજિત ‘દલિત, આદિવાસી, ગ્રામીણ, સ્ત્રીમુક્તિવાદી અને જનવાદી સંયુક્ત સાહિત્ય સંમેલન’ના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી.
તેમને વર્ષ 2006 સુધી મળેલા પુરસ્કારો અને ઍવૉર્ડોમાં મહારાષ્ટ્ર રાજ્ય ઍવૉર્ડ (‘અસા ગા મી બ્રહ્મ’, 1963; ‘માઝે વિદ્યાપીઠ’, 1967); ‘સોવિયત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ’ (‘માઝે વિદ્યાપીઠ’, 1968; ‘જાહીરનામા’, 1975); સૂર સિંગાર કલા અકાદમી દ્વારા ‘નરસિંહ મહેતા ઍવૉર્ડ’ (‘માઝે વિદ્યાપીઠ’, 1969); કરાડ સાહિત્ય ઍવૉર્ડ તથા ભારત સરકારનો સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિ ઍવૉર્ડ (‘સનદ’ કાવ્યસંગ્રહ માટે); મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ‘મેયર્સ બેસ્ટ ટીચર ઍવૉર્ડ’ (1978); બોર્ડ ઑવ્ લિટરેચર અને કલ્ચર, મહારાષ્ટ્રનો ફર્સ્ટ ફેલોશિપ ઍવૉર્ડ (1978); મરાઠવાડા સાહિત્ય પરિષદ દ્વારા ‘કવિ કુસુમાગ્રજ ઍવૉર્ડ’ (1990); નવી દિલ્હીના ‘ઑર્ગનાઇઝેશન ઑવ્ અન્ડરસ્ટૅન્ડિન્ગ ઍન્ડ ફ્રેટર્નિટી’નો ઍવૉર્ડ (1991); યશવંતરાવ ચવાણ પ્રતિષ્ઠાન, મુંબઈ દ્વારા ‘ફર્સ્ટ લિટરરી ઍન્ડ કલ્ચરલ ઍવૉર્ડ’ (1992); મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘કબીર સન્માન’ તથા નાશિક ખાતેના ‘કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન’ દ્વારા ‘જનસ્થાન પુરસ્કાર’(2005)નો સમાવેશ થાય છે.
તેમણે 1973 અને ફરી 1976માં સોવિયત સંઘનો તથા 1985માં મોરિશિયસનો વિદેશપ્રવાસ ખેડ્યો હતો.
પોતાની સાહિત્યકૃતિઓમાં વિચાર, આચાર અને કલા – આ ત્રણેયનો ‘ત્રિવેણીસંગમ’ સાધવામાં સફળ થયેલા મરાઠી સાહિત્યસર્જકોમાં કવિ કેશવસુત (1865-1905), બા. સી. મર્ઢેકર (1909-1956) અને નારાયણ સુર્વેનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તેથી સુર્વેને મરાઠી સાહિત્યમાં ‘ત્રીજા કેશવસુત’ તરીકે ઓળખવામાં આવે છે.
નારાયણ સુર્વેની કવિતાનો સંચય અનુવાદરૂપે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે