સુલતાન કયીત બેની કબર કેરો (ઇજિપ્ત)

January, 2008

સુલતાન કયીત બેની કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તમાં કેરો મુકામે આવેલું જાણીતું સ્થાપત્ય. સુલતાન કયીત બેનીએ 1472-1474 દરમિયાન તેનું બાંધકામ કરાવ્યું હતું. કબરના સ્થાપત્યની સાથે મદરેસાનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં ચાર મદરેસા, કબર, સાહિલ (લોકોને પાણી પીવા માટેનો ફુવારો) અને કુટ્ટા (પ્રાથમિક શાળા) આવેલાં છે. કબરના ઉપરના ભાગે ઊંચો અણિયાળો ઘુંમટ આવેલો છે અને તેની સપાટી પર સુંદર કોતરકામ કરેલું છે. શાન(ચૉક)ને ફરતાં ચાર પ્રવેશદ્વાર છે. તેમાંનાં બે અલંકૃત છે અને બે ઘોડાની નાળના આકારનાં છે. પ્રવેશદ્વારોમાં ઇજિપ્શિયન પ્રકારનું તથા મુકરનાનું સુશોભન છે. દફનખંડ (burial chamber) ઉપરનો ઘુંમટ સમૃદ્ધ મુકરનાના સુશોભિત સ્ક્વિન્ચિસ (squinches) પર ઊભો છે. મમલુક ઘુંમટોમાં ઘુંમટ એક અદભુત નમૂનો છે. ઉપર્યુક્ત સ્થાપત્યો ઉપરાંત અહીં સૂફીઓનું નિવાસસ્થાન તેમજ સુલતાનના પુત્રનો મકબરો પણ આવેલાં છે. આ સંકુલનો મકાનોમાં શૈલીવિષયક ઘણા ફેરફારો અવારનવાર થતા રહ્યા છે. આમ આ દફન સાથે સંકળાયેલ એક સ્થાપત્યકીય સંકુલ છે.

સ્નેહલ શાહ

અનુ. થૉમસ પરમાર