સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980)

January, 2008

સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980) : સિંધી કવિ પ્રભુ છુગાણી ‘વફા’(જ. 1915)નો ‘પંજકડી’ એટલે 5 કડીઓવાળા પ્રયોગાત્મક કાવ્યનો સંગ્રહ.

પંજકડાની પ્રથમ ચાર કડીઓમાં વિચારની વિશદ રજૂઆત થાય છે. પાંચમી કડીમાં પ્રથમ કડીનું પુનરાવર્તન હોય છે. આ પાંચેય કડીઓમાં દરેક પંક્તિ 16 માત્રાની હોય છે. પંજકડામાં કવિ સત્ય, ભલાઈ, સુંદરતા તથા સ્વાધીનતા, સમાનતા અને ભ્રાતૃત્વ અંગેના આદર્શો વ્યક્ત કરે છે. તેમનાં આ કાવ્યોમાં આજના વાસ્તવિક જીવનનું ચરિત્રાત્મક નિરૂપણ વિચારોત્તેજક હોય છે.

તેમણે ગીત, લાડા, વાઈ, બેત, કાફી, ગઝલ અને રુબાઈની રચનાઓ કરી છે. વળી જાપાની હાઈકુનો સિંધીમાં ‘ટિસિટા’ (ત્રણ કડી) નામે પ્રયોગ કર્યો છે. એક અજ્ઞેયવાદી તરીકે તેમનાં કાવ્યોમાં કાર્યકારણ સંબંધે વિશ્વના સર્જનની વાત કરતા કવિ તેમનું અજ્ઞેયવાદી વલણ લગાતાર જાળવી રાખે છે. તેમના આ કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

જયન્ત રેલવાણી