સુરાહી (1963) : સિંધી કવિ લેખરાજ કિશનચંદ ‘અઝીઝ’ રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1966ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ‘અઝીઝ’નો જન્મ 1904માં સિંધ(હવે પશ્ચિમ પાકિસ્તાનમાં)માં જમીનદાર કુટુંબમાં થયો હતો. યુવાવસ્થામાં જ તેમણે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો. ઉત્તરોત્તર રસ પડતો જવાથી તેમણે અરબી છંદોરચનાશાસ્ત્ર પર પ્રભુત્વ મેળવી લીધું. વ્યવસાયે તેઓ શિક્ષક હતા. તેમણે પોતાના માદરેવતન સિંધના સૂફી કાવ્યવારસા તથા લોકસાહિત્ય વિશે ઊંડી જાણકારી મેળવી. તેમાંથી તેમના કાવ્યલેખનને ખાસ્સી પ્રેરણા તથા સામગ્રી મળ્યાં.
ભાગલા પછી જન્મભૂમિમાંથી સ્થળાંતર કરવું પડ્યું એટલે તેમનાં કાવ્યોમાં માતૃભૂમિની ઝંખના વણાઈ આવી છે અને તેના પરિણામે કાવ્યો વિશેષ ચોટદાર બન્યાં છે. તેમણે નાટકો તથા નિબંધો પણ લખ્યાં છે અને કુલ 15 પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમાંથી કેટલાંક શાળા-કૉલેજોના અભ્યાસક્રમમાં મુકાતાં રહ્યાં છે.
‘અઝીઝ’ને ‘ગઝલસમ્રાટ’ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેઓ છંદોલય તથા ભાષાશૈલી પર અદભુત કાબૂ ધરાવે છે. ‘સુરાહી’માં વિવિધ વિષયોનાં કાવ્યો સાથે રુબાઈ પણ છે; પણ તેમના કાવ્યલેખનની ઉત્તમતા સિદ્ધ થઈ છે ગઝલમાં. ‘હાફિઝ’ તથા ‘સાદી’ની ગઝલોની જેમ તેમની ગઝલોમાં પ્રત્યેક શે’ર વિચારબીજની દૃષ્ટિએ સ્વપર્યાપ્ત અને અલાયદા એકમ રૂપે હોય છે. બીજી કેટલીક એવી રચનાઓ છે જેમાં વિચાર-શૃંખલા પણ જળવાઈ રહે છે. સિંધી ગઝલના વિકાસમાં ‘અઝીઝ’નો આ રીતે મહત્વનો ફાળો છે. ‘કાફિયા’ કે ‘રદીફ’ આવતાંવેંત તેઓ ગઝલ રચી શકતા. ભાગલા પૂર્વે તેમની ગઝલોમાં અરબી શબ્દો અને ઉપમા વગેરે પુષ્કળ આવતાં, પણ ભારત આવ્યા પછી તેમની રચનાઓ સરળ અને મધુર બની. ઊર્મિગીત માધુર્ય અને ચિંતનાત્મક મનોવલણને કારણે આ પુરસ્કૃત કૃતિનું સિંધી કવિતામાં ગણનાપાત્ર સ્થાન છે.
મહેશ ચોકસી