સુબ્બારાવ, ટી. આર. (જ. 1920, માલેબેન્નરુ, જિ. ચિત્રદુર્ગ, કર્ણાટક; અ. 1984) : કન્નડના તા. રા. સુ. નામથી જાણીતા અત્યંત લોકપ્રિય લેખક. તેમને તેમની ઐતિહાસિક નવલકથા ‘દુર્ગાસ્તમાન’ માટે 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું પૂરું નામ તાલુકુ રામસ્વામચ્યા સુબ્બારાવ હતું. તેમણે ચિત્રદુર્ગમાં શિક્ષણ મેળવ્યું હતું.
તેમનું લેખનકાર્ય વિપુલ હતું. તેમણે 100થી અધિક પુસ્તકો આપ્યાં છે. તેમાં નવલકથા, વાર્તાસંગ્રહ, નાટક, આત્મકથા અને ચરિત્રોનો સમાવેશ થાય છે. ચિત્રદુર્ગના પાલેગરો પર આધારિત તેમની નવલકથા ઐતિહાસિક કલ્પનાનું વિલક્ષણ ઉદાહરણ મનાય છે. ‘માનગા વાન્દા મહાલક્ષ્મી’, ‘હંસગીતે’ અને ‘મસાનાદા હૂ’ પુસ્તકોથી તેઓ કન્નડના મહાન લેખક તરીકે પ્રતિષ્ઠિત થયા. તેમની ઘણીબધી કૃતિઓ અન્ય ભાષાઓમાં અનુવાદ પામી છે અને કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મોનું નિર્માણ પણ થયું છે.
તેમણે દેશ-વિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. તેમને કર્ણાટક રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા કન્નડ સાહિત્ય પરિષદ રજતવાર્ષિક પ્રશસ્તિ ઉપરાંત અનેક પુરસ્કારો એનાયત થયા હતા.
પુરસ્કૃત કૃતિ ‘દુર્ગાસ્તમાન’ તેમની છેલ્લી ઐતિહાસિક નવલકથા છે. તેમાં ચિત્રદુર્ગના અંતિમ પાલેગર રાજા મડકરી નાયકના સાહસ-શૌર્યની ગાથા વણી લેવામાં આવી છે. વિષયવસ્તુનું જીવંત ચિત્રણ, રસાત્મક નિરૂપણનું સામર્થ્ય તથા સાહજિક શક્તિને લીધે સમકાલીન કન્નડ સાહિત્યમાં આ કૃતિ એક ગણનાપાત્ર અર્પણ ઠરી છે.
બળદેવભાઈ કનીજિયા