સુબ્બારાવ, કાલ્લુરી (. 25 મે 1897, કાલ્લુરુ, અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ; . 1973) : સ્વાતંત્ર્યસેનાની, સામાજિક ઉત્કર્ષની દૃષ્ટિ ધરાવતા કાર્યકર, લેખક અને પત્રકાર. તેમનો પ્રારંભિક અભ્યાસ વતન કાલ્લુરુમાં આરંભાયો. ત્યાં ખ્યાતનામ વિદ્વાનો પાસે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. એડવર્ડ કૉરોનેશન સેકન્ડરી સ્કૂલ અને થિયૉસૉફિકલ હાઈસ્કૂલ(મદનાપલ્લૈ)માં અને પછીથી વેસ્લેયાન મિશન હાઈસ્કૂલ, બૅંગલોરમાં શાલેય અભ્યાસ કર્યો. આ અભ્યાસકાળ દરમિયાન એની બેસન્ટની મુલાકાત વેળા તેમનાથી પ્રભાવિત થયેલા; તેથી તેમનાં વ્યાખ્યાનો અને લખાણોનો અભ્યાસ કર્યો. તેવી જ રીતે 1913માં લોકમાન્ય બાળગંગાધર ટિળકની મુલાકાતથી પ્રેરાઈને તેમનાં અને મહાત્મા ગાંધીનાં લખાણોનો અભ્યાસ કર્યો. બૅંગલોરની શેષાદ્રિ મેમોરિયલ લાઇબ્રેરી તેમની મુલાકાતનું પ્રિય સ્થળ હતું.

1917માં અભ્યાસ છોડી તેઓ રાષ્ટ્રીય લડતમાં જોડાયા. 1919માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા અને 1921માં મહાત્મા ગાંધીજીના અનુયાયી બન્યા અને રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. સવિનય કાનૂનભંગ, મીઠાનો સત્યાગ્રહ તેમજ ‘હિંદ છોડો’ આંદોલન જેવી રાષ્ટ્રીય લડતોમાં ભાગ લઈ અનેક વાર જેલવાસ વેઠ્યો. રાયલસીમા વિસ્તારમાંથી ગાંધીજીની પસંદગી પામેલા તેઓ પ્રથમ સત્યાગ્રહી હતા. 1921થી 1931 ‘લોકમાન્ય’ તેલુગુ માસિકના તંત્રી તરીકે તેમણે કામગીરી કરી હતી. 1937થી 68 દરમિયાન ચેન્નાઈ વિધાનસભા, ભારતની બંધારણસભા અને આંધ્રપ્રદેશ વિધાનસભામાં તેમણે સભ્ય તરીકે કામગીરી કરી હતી.

આ સમગ્ર ગાળા દરમિયાન આંધ્રપ્રદેશમાં રાયલસીમા અને અનંતપુર જિલ્લામાં પછાત વર્ગો અને હરિજનો માટેની પ્રવૃત્તિમાં સક્રિય રહી અસ્પૃશ્યતાનિવારણ અને શિક્ષણપ્રસારની કામગીરી કરી. હરિજન વિદ્યાર્થીઓના વસવાટ માટે વુરાવકોંડા (અનંતપુર જિલ્લો) ખાતે ‘કેશવ વિદ્યાનિલયમ્’માં નિવાસની સગવડો ઊભી કરી. 1928માં રાયલ કલા પરિષદ સ્થાપી ત્યાંના લેપાક્ષી મંદિરના સ્થાપત્યને અદ્યતન ઓપ આપ્યો. 1937થી 41 આંધ્રપ્રદેશ યુનિવર્સિટીની સેનેટના સભ્ય રહ્યા. 1942માં સેવામંદિરની સ્થાપના કરી ગ્રામીણ વિકાસ કેન્દ્રની રચના કરી; જેમાં ખાદી-ઉદ્યોગ, કાગળની બનાવટો અને સુથારી કામ જેવા ઉદ્યોગોની તાલીમ આપવામાં આવતી. શિક્ષણનો ફેલાવો કરવાના હેતુથી તેમણે પૂરા આંધ્રપ્રદેશનો પ્રવાસ ખેડેલો. અનંતપુર જિલ્લામાં પાયાનું શિક્ષણ ઉત્તરોત્તર વિકસે તે માટે તેમણે કામ કર્યું હતું. ધ પન્ના-કુમુદવતી (The Panna-Kumudvati) પ્રોજેક્ટ તેમના પ્રયાસોનું પરિણામ હતું. તુંગભદ્રા પ્રોજેક્ટ માટે પણ તેમણે કામ કર્યું હતું.

તેલુગુ અને કન્નડ ભાષાના તેઓ સારા જાણકાર હોવા ઉપરાંત અસરકારક વક્તા હતા. આંધ્રપ્રદેશના અલગ રાજ્યના તેઓ હિમાયતી હતા. રાયલસીમા વિસ્તારના વિકાસમાં તેમનું નોંધપાત્ર પ્રદાન હતું. તેમણે કેટલાક ગ્રંથોની રચના પણ કરી છે. આ કળાપ્રેમી સ્વાતંત્ર્યવીર ‘પદ્મશ્રી’થી સન્માનિત થયા હતા.

રક્ષા મ. વ્યાસ