સુબ્બલક્ષ્મી એમ. એસ. (. 16 સપ્ટેમ્બર 1916, મદુરાઈ; . 11 ડિસેમ્બર 2004, ચેન્નાઈ, તામિલનાડુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત ગાયિકા. જન્મ સંગીતપ્રેમી પરિવારમાં થયો હતો. માતા તેમની પથપ્રદર્શક બની. દસ વર્ષની વયે જ સુબ્બલક્ષ્મીની પ્રતિભા પ્રકટ થવા લાગી. તે ઉંમરે પોતાની માતા સાથે ગાતાં. 17 વર્ષની ઉંમરે ‘મદ્રાસ સંગીત અકાદમી’ જેવી સંસ્થાઓમાં એકાકી કાર્યક્રમ પ્રસ્તુત કરવા લાગ્યાં.

એમ. એસ. સુબ્બલક્ષ્મી

1940માં ટી. સદાશિવમ્ સાથે તેમનો વિવાહ થયો. 1947માં ગાંધીજીએ સુબ્બલક્ષ્મીનાં ભજન સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 1954માં રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મભૂષણ’ની ઉપાધિથી અલંકૃત કર્યાં હતાં. 1956માં શાસ્ત્રીય કર્ણાટક-સંગીત માટે તેમને રાષ્ટ્રપતિનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ‘પદ્મવિભૂષણ’, રેમન મેગ્સેસે ઍવૉર્ડ, ઇસાઇવાની ઍવૉર્ડ, ‘સંગીત કલાનિધિ’ અને સ્પિરિટ ઑવ્ ફ્રીડમ ઍવૉર્ડ, રાષ્ટ્રીય એકતાનો ઇન્દિરા ગાંધી ઍવૉર્ડ અને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’(1998)થી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. 1928માં મદ્રાસ સંગીત અકાદમીની સ્થાપના પછી પ્રથમ વાર પરંપરાનું ઉલ્લંઘન કરીને વાર્ષિક અધિવેશનમાં અધ્યક્ષતા માટે સુબ્બલક્ષ્મીને નિયુક્ત કર્યાં હતાં. આ તેમનું ગૌરવપ્રદ સન્માન હતું. સરોજિની નાયડુની જેમ તેઓ પણ ‘બુલબુલે હિંદ’ (નાઇટિંગેલ ઑવ્ ઇન્ડિયા) તરીકે જાણીતાં બન્યાં હતાં. શરૂઆતના ગાળા દરમિયાન તમિળ ચલચિત્રોમાં કેટલીક ભૂમિકાઓ ભજવી હતી. ‘શકુન્તલા અને મીરા’ આ તમિળ ચલચિત્રમાંની તેમની ભૂમિકા લોકપ્રિય બની હતી. તેમણે ગાયેલાં મીરાંનાં ભજનોએ લોકપ્રિયતાનાં ઊંચાં શિખરો પ્રાપ્ત કર્યાં હતાં.

ગીતા મહેતા