સુબ્બણ્ણ, કે. વી. (જ. 1932, સાગરા, જિ. શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના વિવેચક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘કવિરાજમાર્ગ મત્તુ કન્નડ જગત્તુ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડ ભાષા અને સાહિત્યમાં બી.એ. ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ સંસ્કૃત તેમજ અંગ્રેજીનું જ્ઞાન ધરાવે છે. તેમણે રાજ્યના અંતરિયાળ ઇલાકાના એક નાના ગામમાં રહીને કૃષિનો વ્યવસાય અપનાવ્યો છે. તેઓ રાજ્યના સાંસ્કૃતિક જાહેર જીવનમાં ઊંડો રસ ધરાવે છે અને રંગમંચના એક પ્રખ્યાત લેખક તથા દિગ્દર્શક છે. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા નિનાસમ ઇન્સ્ટિટ્યૂટના સંપાદક-સભ્ય છે. તેઓ ‘અક્ષરા પ્રકાશન’ના સ્થાપક ટ્રસ્ટી છે.
કે. વી. સુબ્બણ્ણ
1958માં સ્થાપિત આ પ્રકાશન-સંસ્થામાં 500થી વધુ કન્નડ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. તેમાં ફિલ્મ અને રંગમંચ સંબંધી મહત્ત્વપૂર્ણ પુસ્તકો પણ છે. આ પ્રકાશનના માધ્યમ દ્વારા જ નવ્ય આંદોલન સંગીન બન્યું છે.
તેમની પ્રગટ થયેલી કૃતિઓમાં કાવ્યસંગ્રહ, નાટક, ‘ભગવદ્જ્જુકીયમ્’નું નાટ્ય રૂપાંતર, અનેક બાળનાટકો, ફિલ્મ અંગેનાં પુસ્તકો; ‘દશરૂપક’, ‘સ્તાનિસ્લવસ્કીના ‘એન ઍક્ટર પ્રિયેયર્સ’, બર્તોલ્ત બ્રેખ્તના ‘થ્રી પેની ઑપેરા’, ‘ગુડ વુમન ઑવ્ સેટજુઆન’ અને ‘મધર કરેજ’ તથા ડૉ. લોહિયાના ‘ઇન્ટરવલ ડ્યૂરિંગ પૉલિટિક્સ’ના અનુવાદનો સમાવેશ થાય છે. તેમણે સંખ્યાબંધ લોકનાટ્યોનું તેમજ પ્રશિષ્ટ અને અદ્યતન નાટકોનું દિગ્દર્શન કર્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિરાજમાર્ગ મત્તુ કન્નડ જગત્તુ’માં લેખકે કાવ્યશાસ્ત્ર સંબંધી 19મી સદીની કન્નડ કૃતિ ‘કવિરાજમાર્ગ’ના વિષયવસ્તુની જુદા જુદા સ્તરે નવતર અર્થઘટન અને આગવી સૂઝ સાથે પુનર્રચના કરી છે. તેમાં સાંપ્રત સાહિત્યિક પરિસ્થિતિના સંદર્ભમાં પ્રાચીન કૃતિઓ પ્રત્યેનો અભિગમ રજૂ કરવાનો પ્રયાસ છે. આ કૃતિ સમકાલીન કન્નડ સાહિત્યમાં અનુપમ ગણાઈ છે.
બળદેવભાઈ કનીજિયા