સુફલોત, જેક–જર્મેઇ (જ. 1713; અ. 1780) : મહાન ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ સ્થપતિ. વકીલનો પુત્ર. પિતાની ઇચ્છા તેને કાયદાનો અભ્યાસુ બનાવવાની હતી, તેથી તેને પૅરિસ મોકલવામાં આવ્યો; પરંતુ પિતાની ઇચ્છાની વિરુદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા 1731માં તે રોમ જઈ પહોંચ્યો અને ત્યાં 1738 સુધી રહ્યો. તે પછી તે લ્યોન્સ રવાના થયો અને ત્યાં ઘણી ઇમારતો બાંધી.
સેંટ જિનીવાનું ચર્ચ, પૅરિસ
1741માં ત્યાં હોટલ દીયુ બાંધી. આ પછી તેની કીર્તિમાં વધારો થયો. 1749માં સી. એન. કોચિન અને આબે લેબ્નાકની સાથે તે પણ માદામ દિ પૉમ્પેદુના ભાઈના સહાયક તરીકે પસંદગી પામ્યો. 1751માં તે ફરીથી લ્યોન્સ ગયો અને તેના બીજા વર્ષે પૅરિસ ગયો. 1757માં ત્યાં સેંટ જિનીવાનું ચર્ચ હાલ જે પૅન્થિયોન તરીકે ઓળખાય છે તેનું બાંધકામ શરૂ કર્યું. આ તેનું સૌથી મોટું બાંધકામ છે. આ ચર્ચ 18મી સદીના સ્થાપત્યનો અદભુત નમૂનો ગણાય છે. જીવનના અંત સુધી તે તેના આ કાર્યની પાછળ પડ્યો હતો; પરંતુ તે તેને પૂર્ણ થયેલું જોવા રહી શક્યો નહોતો. તેણે ડિઝાઇન કરેલી બીજી ઇમારતોમાં પૅરિસમાં ઇકોલે દી ડ્રોઇટ (1763માં ડિઝાઇન કરી અને 1771 પછીથી બંધાઈ), શેટો-દી મેનાર્સ પાર્ક (1767) વગેરેનો ઉલ્લેખ કરી શકાય.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર