સુબાબુલ (લાસો બાવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucaena glauca Benth. (ગુ. લાસો બાવળ, વિલાયતી બાવળ; તે. કાનીટી; ત. તગરાઈ; મલ. તકારાન્નીરામ; અં. વ્હાઇટ પોપીનેક, લેડ ટ્રી) છે. તે એક મોટો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. ભારતનાં મેદાનોમાં બધે જ થાય છે. તેની છાલ બદામી રંગની હોય છે. પર્ણો દ્વિપીંછાકાર (bipinnate) સંયુક્ત અને 7.5 સેમી.થી 18 સેમી. લાંબાં હોય છે. પત્રાક્ષ (pinnae) 4થી 8 જોડ અને 5 સેમી.થી 9 સેમી. લાંબા હોય છે. પર્ણિકાઓ 10થી 15 જોડ, રેખીય-લંબચોરસ (linear-oblong) અને 10 મિમી. લાંબી અને 9 મિમી. પહોળી હોય છે. પુષ્પવિન્યાસ મુંડક (head) પ્રકારનો જોવા મળે છે. પુષ્પો નાનાં અને સફેદ હોય છે. શિંબ (legume) પ્રકારનું ફળ સીધું અને ચપટું અને 12.5 સેમી.થી 15 સેમી. લાંબું અને 1.3 સેમી.થી 2 સેમી. પહોળું હોય છે. તેની ટોચ ત્રાંસી ત્રિકોણાકાર હોય છે અને તલસ્થ ભાગ સાંકડો હોય છે. પ્રત્યેક ફળમાં 15થી 25 સખત અને ચળકતું બીજાવરણ ધરાવતાં ઘેરાં બદામી બીજ જોવા મળે છે.

સુબાબુલ ગામડાંઓમાં વાડ તેમજ ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તે ચીકણી માટીવાળી (clayey) મૃદા પસંદ કરે છે અને લાંબા સમય માટે શુષ્કતારોધી (drought-resistant) રહે છે. તેના અસમ (rugged) સ્વરૂપ, ઊંડા મૂળતંત્ર, વિપુલ બીજનિર્માણ અને ઝડપી વૃદ્ધિને લીધે પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થાપિત થવાની ક્ષમતા ધરાવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા સ્વયંભૂ થાય છે. જોકે બીજની કુદરતી જીવનક્ષમતા (viability) ઓછી છે (આશરે 10.0 %). વાવણીના હેતુ માટે તેનાં બીજ વાવતાં પહેલાં તેનું કર્તન (scarifing) કરવામાં આવે છે. 70° સે.થી 80° સે. તાપમાનવાળા ગરમ પાણીમાં 5 મિનિટ બોળી રાખવાથી પણ અંકુરણ સહેલાઈથી થાય છે. નવા વૃક્ષારોપણની પૂર્વે ફિલિપાઇન્સમાં મૃદામાં સુબાબુલનાં જૂનાં વૃક્ષોની મૃદા ભેળવી મૂળગંડિકા(root nodule)ના બૅક્ટેરિયા ઉમેરવામાં આવે છે. સુબાબુલનું કટકારોપણ (2 સેમી.થી 5 સેમી. વ્યાસ) અને ઠૂંઠાં (stumps) દ્વારા પણ પ્રસર્જન થાય છે. તેનું ઝાડીવન (coppice) ખૂબ ઝડપથી તૈયાર થાય છે. ઝાડીવનના પ્રરોહોની વૃદ્ધિ બીજાંકુરો કરતાં વધારે ઝડપી હોય છે.

આકૃતિ : સુબાબુલ અથવા લાસો બાવળ(Leucaena glauca)ની પુષ્પ-ફળ સહિતની શાખા

ફિલિપાઇન્સમાં સુબાબુલનો ઉપયોગ તૃણભૂમિઓના વનીકરણ માટે થાય છે. તેનો ઉપયોગ જંગલોમાં ખાલી જગા પૂરવા, વાતરોધક (windbreak) તરીકે અને ભૂક્ષરણ અટકાવવા માટે થાય છે. તે ઘણા દેશોમાં છાયાવૃક્ષ તરીકે અને ચા, કૉફી, કોકો, રબર, સોપારી, તજ, સાગ અને સાલનાં વૃક્ષોદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણોનું નિયમિત પતન થતું હોવાથી મૃદાના ઉપરના પડમાં કાર્બનિક દ્રવ્યનો વધારો થાય છે. દર બે માસે તેનું કૃંતન (pruning) અને ઠૂંઠાં બનાવવાથી વર્ષે પ્રતિ એકરે 15,000 કિગ્રા. તાજાં પર્ણો ઉત્પન્ન થાય છે. પર્ણો (શુષ્કતાને આધારે) N 3.85 %, P2O5 0.38 %, K2O 1.76 % અને CaO 4.10 % ધરાવે છે. પર્ણો અને શાખાઓ નાઇટ્રોજન અને પોટૅશિયમના ક્ષારો સારા પ્રમાણમાં ધરાવે છે. તેનો ઉપયોગ દેશી ખાતર બનાવવામાં થઈ શકે છે. ચૂર્ણિત બીજ પણ ખાતર બનાવવામાં વપરાય છે.

શાખાની ટોચો, પર્ણો, સીંગો અને બીજ ઢોરો અને ઘેટાં-બકરાં ખાય છે. લીલાં પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય 29.4 %, પ્રોટીન 5.3 %, લિપિડ 0.6 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 12.2 %, રેસો 9.7 %, ખનિજદ્રવ્ય 1.8 %, પચનીય (digestible) પ્રોટીન 3.9 % અને કુલ પચનીય પોષકો 17.5 %, પોષક ગુણોત્તર 3.5 %. પર્ણો પ્રોટીન અને કેરોટિનનો સારો સ્રોત છે અને મરઘાં-બતકાંને રજકાની સાથે પૂરક ખોરાક તરીકે આપી શકાય છે. બીજનો ઉપયોગ ડેરીનાં પ્રાણીઓ માટે થઈ શકે છે.

જો વધારે પડતો સુબાબુલ ખાવામાં આવે તો ઘોડાં, સસલાં, મરઘાં, સૂવર જેવાં એકજઠરગુહિક (monogastric) પ્રાણીઓ માટે તે ઝેરી છે અને તેથી વાળનો પુષ્કળ ઘટાડો થતો હોય છે; પરંતુ જો પ્રાણીઓ સુબાબુલ ખાવાનું બંધ કરે તો ફરીથી વાળ આવતા હોવાનું માલૂમ પડ્યું છે. તેનાથી પ્રાણીની ફળદ્રૂપતામાં ઘટાડો થાય છે. આ વિષાળુતા (toxicity) લ્યુકેનિન કે લ્યુકેનોલ નામના આલ્કેલૉઇડને કારણે છે. β[N-(3-હાઇડ્રૉક્સિ-4-પાયરિડોન]-a-ઍમિનો પ્રોપિયોનિક ઍસિડ (C8H10O4N2) લજામણી(Mimosa pudica)માં મળી આવતા માઇમોસિનને સમરૂપ (identical) છે. લોહના દ્રાવ્ય ક્ષારો ખોરાકમાં થોડી માત્રામાં ઉમેરતાં ઝેરી અસર ઘણી ઓછી થઈ જાય છે. પર્ણોને ગરમી આપતાં અને બીજને ભીંજવતાં આલ્કેલૉઇડનું પ્રમાણ ઘટે છે. સુબાબુલ મૃદામાંથી સેલેનિયમનું શોષણ કરી બીજમાં એકત્રિત કરે છે. પ્રાણીને સુબાબુલ ખવડાવતાં સેલેનિયમ વિષાક્તન (poisoning) જેવાં ઘણાં ચિહ્નો જોવા મળે છે.

બીજ ઘેરું લીલું મેદીય તેલ (8.8 %) ઉત્પન્ન કરે છે. બીજમાં શ્લેષ્મ હોય છે. આ શ્લેષ્મ મેનન, ગેલેક્ટન અને ઝાયલેન ધરાવે છે. બીજમાં સ્ટેચિયોઝ હોવાનું જણાયું છે.

સુબાબુલનું કાષ્ઠ (368 કિગ્રા./ઘમી.) કઠિન, મજબૂત, મધ્યમ-ગઠનવાળું (textured) અને સંકુલિત કણમય (close grained) હોય છે. તે નાના કદમાં મળતું હોવાથી ઇમારતી કાષ્ઠ તરીકે ઉપયોગી નથી. તેનો બળતણ તરીકે અથવા કોલસો [ઉષ્મીયમાન (calorific value) : કાષ્ઠ 3895 કૅલરી/ગ્રા., કોલસો 7250 કૅલરી/ગ્રા.] બનાવવામાં ઉપયોગ થાય છે. કાષ્ઠમાંથી કાગળનો માવો બનાવી શકાય છે. તેથી ટૂંકા રેસાવાળો (રેસાની સરેરાશ લંબાઈ 1.18 મિમી.) માવો મળે છે. તેને લાંબા રેસાવાળા વાંસના માવા – સાથે મિશ્ર કરી કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

છાલમાં ટેનિન-દ્રવ્ય 16.3 % જેટલું હોય છે અને તેનો ચર્મશોધન(tanning)માં ઉપયોગ થાય છે. તેનો નિષ્કર્ષ ઘેરા રંગનો હોય છે. તેથી ચામડાનો દેખાવ સંતોષજનક હોતો નથી. પર્ણોમાં 3 % જેટલું ટેનિન અને 0.08 % ક્વીર્સીટ્રીન હોય છે. પર્ણો કૃમિ-પ્રતિકર્ષક (worm-repellent) હોય છે. તેનો મત્સ્ય-વિષ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચળકતાં બીજ બાસ્કેટ, પર્સ અને ઘરેણામાં લગાડવામાં આવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ