સુપ્રજનનશાસ્ત્ર : આનુવંશિક લક્ષણોને આધારે પિતૃઓની પસંદગી દ્વારા મનુષ્યજાતની સુધારણા માટેની પદ્ધતિ. સુપ્રજનનશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ ‘Eugenics’ પ્રયોજવામાં આવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ આ શબ્દ બે ગ્રીક શબ્દો ‘eu’ (good = સારું) અને ‘gen’ (birth = જન્મ) ઉપરથી ઊતરી આવ્યા છે. સહફ્રાન્સિસ ગાલ્ટને (1883) આ શબ્દ સૌપ્રથમ વાર પ્રયોજ્યો. મનુષ્યજાતની સુધારણા પસંદગીમય પ્રજનન દ્વારા થઈ શકે છે – તેવો સર્વપ્રથમ પ્રસ્તાવ પ્લેટો દ્વારા ‘The Republic’માં મુકાયો હતો. તેમના મત પ્રમાણે શારીરિક અને માનસિક રીતે સૌથી યોગ્ય વ્યક્તિઓ વચ્ચે જાતીય સંબંધ બંધાવો જોઈએ અને તેમની સંતતિને ઉછેરવી જોઈએ. નીચલી કક્ષાની વ્યક્તિઓ વચ્ચે જાતીય સંબંધ બંધાતો અટકાવવો જોઈએ અથવા તેઓની સંતતિનો નાશ કરવો જોઈએ.

ડાર્વિનના મત પ્રમાણે ‘કોઈ પણ લક્ષણની પ્રાકૃતિક પસંદગી દ્વારા થતી ઉત્ક્રાંતિની અવેજી સામાજિક પસંદગી દ્વારા થઈ શકે છે.’ ડાર્વિનનું આ મંતવ્ય જાણ્યા પછી ગાલ્ટન બુદ્ધિ જેવાં માત્રાત્મક (quantitative) લક્ષણોની આનુવંશિકતા સમજવા ઉત્સુક બન્યા. જોકે શરૂઆતના ઘણા સુપ્રજનનશાસ્ત્રીઓ(eugenicists)ના અભિગમમાં તેમના વ્યક્તિગત પૂર્વગ્રહો પ્રતિબિંબિત થતા હતા; જેમ કે, કયું લક્ષણ ઇચ્છિત (desirable) ગણવું અને કયું અનિચ્છિત ગણવું. અંગ્રેજ અને અમેરિકીય સુપ્રજનનશાસ્ત્રીઓ માટે આ બાબત સત્ય હતી અને તે 1930ના દસકા દરમિયાન જર્મનીમાં ‘જાતીય સ્વાસ્થ્ય’(racial health)ની ચળવળ દરમિયાન ચરમસીમાએ પહોંચી. જર્મનોએ સુપ્રજનનશાસ્ત્રીય કાયદાઓ પ્રસિદ્ધ કર્યા; જેમાં પોતાની જાતિને ‘માલિક જાતિ’ ગણાવી અને અને નીચી જાતિ દ્વારા તેમની સેવા મુકરર કરી; જર્મન-આર્ય અને અનાર્ય વચ્ચેના લગ્નનો નિષેધ કર્યો અને લાખો લોકોનો તેમનાં નીચી જાતિ કે જૂથને કારણે સંહાર કરવામાં આવ્યો.

અમેરિકામાં બુદ્ધિને અનુલક્ષીને કોઈ એક જાતિની જૈવિક શ્રેષ્ઠતા બાબતે પુરાવો સાંપડ્યો નથી. કાળાઓ (જેમને ઘણા સમય સુધી જાતીય ક્રમમાં સૌથી નીચે મૂકવામાં આવતા હતા) શ્વેતની જેમ જ બુદ્ધિનો વિસ્તૃત પરિસર ધરાવે છે. ‘અબુદ્ધિશાળી’ (unintelligent) નીચા સામાજિક વર્ગોના ઊંચા પ્રજનનદરને કારણે બુદ્ધિ ક્રમશ: ઘટતી જશે અને તેમની આવૃત્તિ(frequency)માં વધારો થશે તેવી ધારણા પણ હકીકતોથી વિપરીત છે. એક સ્કૉટીય (Scottish) સર્વેક્ષણ પ્રમાણે 1932માં બધા પૈકી લગભગ 90 % જેટલાં 11 વર્ષનાં બાળકોના અને પછી 1947માં થયેલા સર્વેક્ષણ મુજબ બુદ્ધિઆંક(intelligence-quotient – IQ)માં ઘટાડો માલૂમ પડ્યો નથી. તેથી ઊલટું, આ અભ્યાસે દર્શાવ્યું છે કે આ ગાળા દરમિયાન સરેરાશ બુદ્ધિમાં નોંધપાત્ર વધારો થયો છે.

સમાજમાં વિશેષ અધિકાર ભોગવતા વર્ગોનું નાબૂદીકરણ સંકરણ તરફ દોરી જશે અને ઉચ્ચ જનીનપ્રકારો(genotypes)માં ઘટાડો થશે; એવા જુદા જુદા લેખકો દ્વારા અભિવ્યક્ત થયેલા ભયમાં વૈજ્ઞાનિકતા સમાયેલી નથી. હાલમાં ઉપલબ્ધ પુરાવાઓ દર્શાવે છે કે ઊંચી બુદ્ધિ કોઈ એક ખાસ સામાજિક વર્ગનો વિશેષ જનીનિક ગુણધર્મ નથી; પરંતુ ખોરાકની ન્યૂનતા, સાંસ્કૃતિક ઉત્તેજનનો અભાવ અને તકની ગેરહાજરીને કારણે કોઈ પણ વર્ગની બુદ્ધિની અભિવ્યક્તિ ઉપર અસર થાય છે. પર્યાવરણીય સ્થિતિમાં સુધારો થતાં સરેરાશ બુદ્ધિમાં સુધારો થવાની અપેક્ષા રાખી શકાય છે; જોકે, વ્યક્તિઓ વચ્ચે જનીનિક તફાવતો તો જેમના તેમ જ રહે છે. બધા જ વર્ગો માટે આર્થિક અને શૈક્ષણિક તકો સમાન રાખવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિ તેની વાસ્તવિક ક્ષમતા પ્રાપ્ત કરી શકે.

જાતિવાદ અને પ્રાંતીય પૂર્વગ્રહો બાજુએ રાખીને જોતાં સુપ્રજનનશાસ્ત્ર મનુષ્યને થતા રોગોમાં ઘટાડો કરવા અને મનુષ્યના જનીનિક સ્રોતની સુધારણા કરવા માટેનો એક ગંભીર પ્રયાસ ગણી શકાય. તેને બે પાસાંઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) નકારાત્મક (negative) સુપ્રજનનશાસ્ત્ર, નુકસાનકારક જનીનોની આવૃત્તિ ઘટાડવાનો પ્રયાસ અને (2) હકારાત્મક (positive) સુપ્રજનનશાસ્ત્ર, લાભદાયી જનીનોની આવૃત્તિ વધારવાનો પ્રયાસ. નકારાત્મક સુપ્રજનનશાસ્ત્રમાં તદ્દન સ્પષ્ટપણે હાનિકારક કે વિઘાતક જનીનપ્રકારો દ્વારા થતા પ્રજનનનો સામાજિક નિષેધ કરવામાં આવે છે; દા.ત., હીમોફિલિયાક (hemophiliac) વ્યક્તિઓને પ્રજનન માટે પ્રોત્સાહિત કરવાની મૂર્ખતા સ્વ-વિનાશ કરવા બરાબર છે; કારણ કે તેઓને રુધિર આધાન (blood transfusion) દ્વારા પરિરક્ષિત કરવામાં આવે છે. હીમોફિલિયા જનીનની વાહક સ્ત્રીની માહિતી સુલભ હોય ત્યાં તેઓને જનીનિક સમસ્યાથી વાકેફ કરી તે જનીનનું આગળ સંચારણ ન થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આવું જ એક અન્ય ઉદાહરણ દાત્રકોષ અરક્તતા(sickle cell anaemia)નું છે. આવા સુપ્રજનનશાસ્ત્રીય કાર્યક્રમો અનેક હાનિકારક જનીનોના સંચારણનું સંતોષકારક રીતે નિયંત્રણ કરશે; જોકે, આવા કાર્યક્રમો દ્વારા તેનું પૂર્ણ નિરાકરણ થશે નહિ. આવાં શૈક્ષણિક પગલાં હાલમાં પણ અમલમાં છે; પરંતુ મધુપ્રમેહ જેવાં અને અન્ય વધારે આવૃત્તિ ધરાવતાં ઘણાં હાનિકારક જનીનોના વાહકો વિશેની માહિતી ન હોય તો ઉપર્યુક્ત પદ્ધતિથી જનીનોનું નિયંત્રણ થઈ શકતું નથી.

તેથી હકારાત્મક સુપ્રજનનશાસ્ત્ર વધારે પ્રોત્સાહક જણાય છે; જેમાં માત્ર હાનિકારક જનીનોની આવૃત્તિ ઘટાડવાને બદલે લાભદાયી જનીનોની આવૃત્તિ વધારવામાં આવે છે. જોકે, ઊંચી બુદ્ધિમત્તા, સૌંદર્યલક્ષી સંવેદનશીલતા (aesthetic sensitivity), સારું શારીરિક સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ (longevity) જેવાં લક્ષણોનું નિયમન એક જ જનીન દ્વારા થતું નથી; પરંતુ ઘણાં જનીનો યોગ્ય પર્યાવરણમાં સાથે રહી લક્ષણ ઉપર અસર કરતાં હોય છે.

પસંદગીમય સંગમ (mating) કરતાં હકારાત્મક સુપ્રજનનશાસ્ત્રના વધારે સ્વીકૃત અભિગમ તરીકે મુલર અને અન્ય જનીનવિજ્ઞાનીઓએ શુક્રકોષ બૅંકના ઉપયોગનું સૂચન કર્યું છે; જેમાં મહાન સર્જક વ્યક્તિઓના પરિરક્ષિત અતિશીત શુક્રકોષોનો સંગ્રહ કરવામાં આવે છે. આ પદ્ધતિને ભ્રૂણીય પસંદગી (germinal choice) અથવા યુટેલેજિનેસિસ (eutelegenesis) કહે છે. આ પદ્ધતિમાં ઇચ્છુક સ્ત્રીને સારાં આનુવંશિક લક્ષણો ધરાવતા અને ઘણા સમય પહેલાં મૃત્યુ પામેલા પુરુષના સંચયિત વીર્યનું કૃત્રિમ દાન કરવામાં આવે છે. હવે તો વિશ્વભરમાં પ્રતિવર્ષ અસંખ્ય બાળકોનો જન્મ આ કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ દ્વારા થાય છે. જોકે, આ પ્રકારના દાતા-ફલન(donor-fertilization)નું મુખ્ય કારણ પુરુષનું વંધ્યત્વ છે. કેટલાક કિસ્સાઓમાં તેનું કારણ પતિ-પત્ની વચ્ચે જનીનિક અસંગતતા (incompatibility) કે પતિની જનીનિક ખામીઓ (દા.ત., હીમોફિલિયા) હોઈ શકે છે. સામાન્ય દંપતીઓને પણ શિક્ષણ દ્વારા દાતા-ફલન માટે પ્રેરવાનું મુલરે સૂચવ્યું છે, જેથી તેમનાં સંતાનોમાં અત્યંત ઉચ્ચ જનીનિક પ્રદાન થઈ શકે. આમ, આ પદ્ધતિ દ્વારા જનીનિકત: ઉત્કૃષ્ટ સંતાનોનું પ્રમાણ વધારી શકાય છે.

સુપ્રજનનશાસ્ત્રની અન્ય સૂચિત પદ્ધતિઓમાં જનીનિક શલ્યચિકિત્સા (surgery) કે જનીનઇજનેરીવિદ્યા દ્વારા મનુષ્યના DNAના સીધા કૌશલ(manipulation)નો સમાવેશ થાય છે. જનીનકૌશલ મનુષ્ય સહિતના ઘણા સજીવોમાં જનીનદ્રવ્યમાં સીધા ફેરફારો કરવા માટે ખૂબ આશાસ્પદ ગણાય છે; દા.ત., મનુષ્યની જનીનશૃંખલાઓનું રિટ્રોવાઇરસમાં નિવેશન (insertion) કરી સસ્તન કોષોમાં આ જનીનોનું સ્થાનાંતર થઈ શકે છે. આ પ્રકારે સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવેલાં જનીનોમાં HGPRT (હાઇપોઝેન્થિન-ગ્વાનિન ફૉસ્ફૉરાઇબોસીલ ટ્રાન્સફરેઝ) નામના ઉત્સેચક માટેનું જનીન છે. તેની ખામીથી લેસ્ક-નાયહાન સંલક્ષણ (syndrome) થાય છે. આ તકનીકી દ્વારા પ્રયોગશાળામાં જનીનોના વિશાળ ભંડારને અલગ કરી પ્રાજનનિક પેશીઓમાં સમાવિષ્ટ કરી શકાય છે અને સમગ્ર વંશ(lineage)ના જનીનિક બંધારણમાં ફેરફાર કરી શકાય છે.

અન્ય એક સુપ્રજનનશાસ્ત્રીય પદ્ધતિને અસંયોગી જનન (parthenogenesis) કહે છે. ઇચ્છિત જનીનિક બંધારણ ધરાવતી સ્ત્રીઓમાં દ્વિગુણિત (diploid) અંડકોષ સર્જવા પ્રેરવામાં આવે છે. આ અંડકોષોનું ફલન થયેલું હોતું નથી. આવા અંડકોષો માતાના બંધારણને પ્રતિબિંબિત કરે છે અને તેથી ઇચ્છિત માતૃજનીનપ્રકારોનું દ્વિગુણન (replication) થઈ શકે છે. અન્ય પદ્ધતિઓમાં અફલિત અંડકોષોમાં ઇચ્છિત જનીનપ્રકારોમાંથી દ્વિગુણિત કોષકેન્દ્રોના આરોપણ અને દૈહિક પેશીઓના ભ્રૂણીય પેશીઓમાં રૂપાંતરનો સમાવેશ થાય છે. આ પદ્ધતિઓ દ્વારા વ્યક્તિઓના ક્લોન (clone) તૈયાર કરી શકાય છે. આવી જનીનિક સમાનતા ઇચ્છવાયોગ્ય હોવા છતાં આ પદ્ધતિઓની પૂર્ણતા સિદ્ધ કરવી આવશ્યક છે.

આજે વિશ્વમાં ઘણી ઓછી સરકારોએ સુપ્રજનનશાસ્ત્ર સાથે સામ્ય ધરાવતા કાર્યક્રમો આપ્યા છે; જેમાં સૌથી નોંધપાત્ર ચીન છે. 1993માં ચીનની સરકારે ‘સુપ્રજનનશાસ્ત્ર અને સ્વાસ્થ્ય-સંરક્ષણ’(Eugenics and health protection)નો કાયદો ઘડ્યો હતો. આ કાયદો નીચલી ગુણવત્તા ધરાવતાં બાળકોના જન્મના વર્જન (avoidance) અને સમગ્ર વસ્તીનાં માનકો(standards)ની ઉન્નતિ માટે ઘડવામાં આવ્યો છે. 1994માં આ દેશે ‘માતૃ અને શિશુ-સ્વાસ્થ્ય સંભાળ’(Maternal and Infant Health Care)નો કાયદો પસાર કર્યો, જેમાં ‘ગંભીર પ્રકૃતિના જનીનિક રોગો અને સુસંગત માનસિક રોગો’ માટે આદેશાત્મક લગ્નપૂર્વ પરીક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારના રોગોનું નિદાન થયું હોય તેવી વ્યક્તિઓએ કાં તો લગ્ન કરવાનાં રહેતાં નથી; અથવા દીર્ઘકાલીન ગર્ભનિરોધક ઉપાયોના ઉપયોગ માટેની સંમતિ આપવાની કે ફરજિયાત વંધ્યીકરણ કરવાનું રહે છે. આ કાયદામાં વિખંડિત-મનસ્કતા (schizophrenia) જેવાં કારણોસર છૂટાછેડાની મંજૂરી આપવામાં આવી છે.

સાયપ્રસના દ્વીપકલ્પમાં આ પ્રકારની પરીક્ષણનીતિ(જન્મપૂર્વ પરીક્ષણ અને ગર્ભપાત સહિત)થી થેલાસેમિયાની આવૃત્તિ ઘટાડવા ઘડવામાં આવી છે. આ કાર્યક્રમનું અમલીકરણ 1970ના દસકાથી કરવામાં આવ્યું છે અને હાલમાં જન્મતાં બાળકોમાં આ રુધિરરોગ 1 : 158ના ગુણોત્તર(લગભગ શૂન્ય)માં જોવા મળ્યો છે.

યહૂદીઓની કેટલીક કોમોમાં તાય-ઝાક્સનો રોગ, પુટીય તંતુમયતા (cystis fibrosis), કેનાવેનનો રોગ, ફૅન્કોની અરક્તતા (anemia), પારિવારિક દુ:સ્વાયત્તતા (familial dysautonomia), ગ્લાયકોજન સંચયનો રોગ, બ્લૂમનું સંલક્ષણ, ગાઉચરનો રોગ, નાયમેન-પિકનો રોગ અને મ્યુકૉલિપિડોસિસ-IV (mucolipidosis-IV) જેવા રોગોનું પ્રમાણ ઘટાડવા માટે ‘ડોર યેશોરિમ’ નામનો પરીક્ષણ-કાર્યક્રમ આપવામાં આવ્યો છે; જે ઉદારમતવાદી સુપ્રજનનશાસ્ત્ર સાથે સામ્ય દર્શાવે છે. ઇઝરાયલમાં સરકારના ખર્ચે સામાન્ય પ્રજાને બાળકના જન્મપૂર્વે આ રોગોના નિદાન માટે જનીનિક કસોટીઓ કરવામાં આવે છે. જો ગર્ભસ્થ શિશુમાં આ રોગો પૈકી કોઈ એક કે વધારે રોગ(જેમાં તાય-ઝાક્સ રોગ સૌથી સામાન્ય છે.)નું નિદાન થાય તો મંજૂરીની અપેક્ષાએ ગર્ભસ્થ શિશુનો અંત લાવી શકાય છે.

ખ્યાતનામ નોબલ પારિતોષિક વિજેતા જનીનવિજ્ઞાનીઓ જ્હૉન સલ્સ્ટન અને વૉટ્સન જનીનિક પરીક્ષણને અનુમોદન આપે છે. કયા વિચારોને સુપ્રજનનિક (eugenic) ગણવા તે હજુ પણ સામાન્ય પ્રજા અને વિદ્વાનોનાં વર્તુળોમાં વિવાદાસ્પદ છે. ફિલિપ કિશર જેવા નિરીક્ષકો માતાપિતાના જનીનિક પરીક્ષણને ઐચ્છિક સુપ્રજનનશાસ્ત્રનું એક સ્વરૂપ ગણાવે છે.

ઘણા લોકો માને છે કે સુપ્રજનનશાસ્ત્ર કુદરત સાથે ઘણું અવરોધરૂપ છે અને સત્તાધારી સરકારોના હાથમાં તે દુરુપયોગ તરફ દોરી જશે. અન્ય કેટલાકનું માનવું છે કે સુપ્રજનનશાસ્ત્રના કાર્યક્રમો દ્વારા લગ્નમાં જીવનસાથીની પસંદગી જેવા મનુષ્યના મૂળભૂત અધિકારો છીનવાઈ જશે. વળી, પ્રજનનના નિયંત્રણનો દુરુપયોગ થશે. કેટલાક લોકો ધાર્મિક માન્યતાઓને કારણે સુપ્રજનનશાસ્ત્રનો વિરોધ કરે છે.

જનીનવિજ્ઞાન મનુષ્યજાત માટે અત્યંત લાભદાયી હોવા છતાં આ જ્ઞાનનો ઉપયોગ કરી શકે તેવા સામાજિક વિકાસ સિવાય તે ફળદાયી બની શકે તેમ નથી. જો મનુષ્યજાતિ તેની પ્રવર્તમાન વિસંગત સામાજિક પ્રણાલીઓ અને પૂર્વગ્રહોથી મુક્ત બને તો તેનું ભવિષ્ય ઉજ્જ્વળ છે.

પ્લાટના મંતવ્ય મુજબ, છેલ્લી કેટલીક સદીઓથી જ્ઞાન અને પ્રૌદ્યોગિકી(technology)ની પ્રગતિ લગભગ સામર્થ્ય અને સમૃદ્ધિ, સંપર્ક અને આંતરક્રિયા, વધતી જતી સહિષ્ણુતા અને દૃષ્ટિ, પસંદગી અને આયોજન તરફ એક જ સમન્વયી (coordinated) મનુષ્યજાત તરફ ધકેલી રહી છે. ટૂંકા સમયમાં જો મનુષ્યજાત અસ્તિત્વ ટકાવી શકે તો તે ધનાઢ્ય, શક્તિશાળી અને સમન્વયી વૈશ્ર્વિક સમાજ તરફ ગતિ કરશે; સૌર પરિવાર(solar system)ની આરપાર પહોંચી પોતાની જાતને અબજો વર્ષ સુધી જીવંત રાખી તેનો ઉદ્વિકાસ થવા દેશે. આ એક અસામાન્ય અપેક્ષા છે. એક ક્વૉન્ટમ કૂદકો છે. દ્રવ્યની આ એક નવી સ્થિતિ છે. જો મનુષ્યજાતને બચાવવાની પ્રક્રિયા સફળ નીવડે તો ઉદ્વિકાસની સૌથી આશ્ર્ચર્યજનક ઘટનાની તે ભાગીદાર હશે. આ મનુષ્ય તરફ દોરી જતું સોપાન હશે.

બળદેવભાઈ પટેલ