સુપોષણ (Eutrophication) : દૂષિત પદાર્થોને કારણે જલાવરણમાં પોષક દ્રવ્યોની માત્રાના અતિરેકથી લીલ/સેવાળ વગેરેની નિરંકુશ અતિવૃદ્ધિ થતાં જલ-નિવસનતંત્રમાં ઉદભવતી વિકૃત પરિસ્થિતિ. નિસર્ગમાં આ પરિસ્થિતિ ચાલતી રહે છે; પરંતુ મનુષ્ય દ્વારા નિસર્ગ સાથે થતા હસ્તક્ષેપને કારણે અને પ્રદૂષણમાં થતા વધારાને કારણે સુપોષણની પ્રક્રિયા વધી રહી છે. કુદરતી પ્રક્રિયાને પરિણામે સરોવર તથા નદીના મુખપ્રદેશ આગળની ખાડીની સ્વત: આવરદા (natural life-line) ટૂંકી થાય છે. તેની પાછળ મૂળમાં, અન્ય પ્રક્રિયાઓની સાથે સુપોષણ-પ્રક્રિયા પણ એક પરિબળ છે.

માનવ-પ્રવૃત્તિઓ અનેક રીતે સુપોષણ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં કારણભૂત થાય છે; જેમ કે, નાઇટ્રેટો, એમોનિયા, ફૉસ્ફેટો અને અન્ય રાસાયણિક ખાતરોના અતિઉપયોગથી જમીનમાં અને પાણીમાં તેનો ભરાવો થાય છે. જૈવ-વિઘટનીય અને જૈવ-અવિઘટનીય પદાર્થો જળાશયમાં અને જલ-નિવસનતંત્રમાં પ્રવેશે છે. પરિણામે જ્યાંત્યાં સુપોષણની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. શહેરોમાં વપરાતું પાણી ગટરોમાં જતાં અને મોરી-ખાળકૂવાના પાણીનો નિકાલ થતાં તેમાંનાં દૂષિત તત્ત્વો નદી કે જળાશયોમાં (સરોવર, તળાવ વગેરેમાં) લીલ(algae)નો વિકાસ ઝડપી થાય છે અને પાણી ઉપર લીલની છારી (algae bloom) ફેલાય છે. લીલનું પડ જાડું બનતાં સૂર્યનાં કિરણો પાણીમાં પ્રવેશી શકતાં નથી અને પાણીની અંદર ઊગેલાં ઘાસ અને અન્ય વનસ્પતિનો નાશ થાય છે. તેની સાથે વનસ્પતિ ઉપર નભતા સૂક્ષ્મજીવો અને નાના પ્રાણીજીવો ઉપર પણ માઠી અસર થાય છે. સૂક્ષ્મ વનસ્પતિ અને નાનાં પ્રાણીઓ ઉપર આહાર માટે આધાર રાખતાં મોટાં પ્રાણીઓના જીવન પર પણ અસર થાય છે. આમ સુપોષણની પરિસ્થિતિ નિર્માણ થતાં જલ-નિવસનતંત્ર તૂટી પડે છે. સ્વચ્છ પાણીમાં સૂર્યપ્રકાશમાં લીલ પ્રકાશસંશ્લેષણ કરીને પાણીમાં O2નું પ્રમાણ જાળવે છે; પરંતુ સુપોષણની પરિસ્થિતિનું નિર્માણ થતાં પાણીમાં O2ની માત્રા ઓછી થાય છે. માછલી અને અન્ય જળચર વનસ્પતિ અને પ્રાણીઓ નાશ પામે છે. લીલનાં ઘરોમાં ઓછા ઑક્સિજનથી કે ઑક્સિજનના અભાવે અજારક પદ્ધતિથી શ્વસન કરતા બૅક્ટેરિયાથી સકાર્બનિક પદાર્થોમાં સડો કે કોહવાણ થાય છે અને જળાશયનું પાણી ગંધાય છે. આ પરિસ્થિતિમાં તળાવ કે સરોવરનો આનંદ-પ્રમોદ કે પર્યટન માટે ઉપયોગ થઈ શકતો નથી.

સુપોષણની પરિસ્થિતિને કારણે જળચર સજીવ સૃષ્ટિનો વિનાશ થાય છે અને જૈવ-અવિઘટિત પદાર્થો જળાશયના તળિયે બેસીને જળાશયની સ્વત: આવરદા પણ ઓછી કરે છે. (જળાશય છીછરાં બને છે.) આ પરિસ્થિતિ નિવારવા નીચે મુજબનાં પગલાં લેવાં આવશ્યક છે :

(1) સેન્દ્રિય સંશ્લેષિત ખાતરોનો (નાઇટ્રેટો અને ફૉસ્ફેટો) ઉપયોગ મર્યાદિત કરવો.

(2) વાડાને કેન્દ્રગામી ઢોળાવવાળો રાખવો.

(3) જમીનનો ઘસારો અને ધોવાણ નિયંત્રણમાં રાખવાં.

(4) છાણ અને વાડાના (ઉકરડાના) કચરા જેવા પદાર્થોને પુનશ્ર્ચક્રિત કરી તેને પુન: વપરાશમાં લેવા.

(5) ધોવાણ અટકાવવા વધુ વૃક્ષો ઉગાડવાં.

(6) ખાળકૂવાની જાળવણી યોગ્ય રીતે કરવી.

(7) પાણીમાં પ્રવેશેલા પ્રદૂષિત પદાર્થોને પંપ વડે કાઢી લેવા અને તેનો યોગ્ય નિકાલ કરવો.

(8) ફૉસ્ફેટનું પ્રમાણ વધુ હોય તેવા પદાર્થો જેવા કે લૉન્ડ્રી ડિટરજન્ટને ટ્રીટમેન્ટ કર્યા સિવાય નદી, સરોવર કે અન્ય ઉપયોગી જળાશયોમાં છોડવા નહિ.

નીલા ઉપાધ્યાય