સુપૉલ (Supaul) : બિહાર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 07´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 2,985 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ઉત્તર-દક્ષિણ પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં અરારિયા, દક્ષિણે માધેપુરા, નૈર્ઋત્યમાં સહરસા તથા પશ્ચિમે મધુબની જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક સુપૉલ જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ મેદાની છે. અગાઉ કોશી નદીએ તેનાં પૂર દ્વારા વેરેલા વિનાશથી જમીનોની ફળદ્રૂપતા ઘટી હતી; પરંતુ કોશી યોજના થવાથી અનાજનું ઉત્પાદન વધ્યું છે. પૂરથી જમીનોનું ધોવાણ થયેલું, એવી પડતર જમીનોને સુધારીને ખેતીલાયક બનાવાઈ છે, હવે તેમાંથી જરૂરી કૃષિપેદાશો લઈ શકાય છે.

જળપરિવાહ : કોશી અહીંની મુખ્ય નદી છે. હિમાલયના ઢોળાવો પરથી આવતી કોશીને સંકોશી, અરુણ અને તમુર નદીઓ ત્રિવેણી ખાતે મળે છે, તેમાંથી સપ્તકોશી બને છે. અગાઉ આ નદીએ તેનો પ્રવહનપથ વારંવાર બદલ્યા કરેલો તેથી તે ‘બિહારની દિલગીરી’ તરીકે ઓળખાતી હતી; કોશી યોજના થયા પછી તેમાં ફેરફારો થયા છે. અત્યારે તે પશ્ચિમ તરફ નિરમાલી અને માધેપુર નજીકથી વહે છે. તે ભાગલપુર અને કટિહાર જિલ્લાઓની સરહદે ગંગા નદીને મળે છે.

સુપૉલ

ખેતી-પશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય પાક છે, અન્ય પાકોમાં ઘઉં, મકાઈ, જવ, શેરડી અને શણનો સમાવેશ થાય છે. કૃષિસુધારણા અને ઉત્પાદનવૃદ્ધિ માટે જિલ્લાનાં બધાં જ ઘટકો ખાતે બીજ-કેન્દ્રો ઊભાં કરાયાં છે. કોશી યોજના થવાથી સિંચાઈ-સુવિધા ઉપલબ્ધ થઈ છે, તેમ છતાં કેટલાંક સ્થળોમાં કૂવા, શારકૂવા, નળકૂપ(ટ્યૂબવેલ)થી પણ સિંચાઈ થાય છે. સરકાર તરફથી રાહતદરે પંપસેટની સગવડો અપાય છે.

ગાય, ભેંસ, બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંઉછેર પણ થાય છે. અહીંનાં પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી તેમને માટે પશુદવાખાનાં, પશુ-ચિકિત્સાલયો તથા સુધારણા-મથકો ઊભાં કરાયાં છે.

ઉદ્યોગ–વેપાર : આ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પછાત છે. સુપૉલ, નિરમાલી અને બીરપુર ખાતે રમકડાં, ચર્મકામ, તાડપત્રી (કંતાન), બિસ્કિટ, મીઠાઈ, ઘી અને રાઈનું તેલ બનાવવાના એકમો કાર્યરત છે. ડાંગર, ચોખા, શણ અને માછલીની નિકાસ; જ્યારે ચામડાં, લાકડાં, કાપડ, કેરોસીન, મીઠું, રાઈ અને મસાલાની આયાત થાય છે. સુપૉલ શણની નિકાસનું મુખ્ય મથક બની રહેલું છે.

પરિવહન : કોશી નદીનાં પૂરને કારણે અગાઉ પરિવહન-વ્યવસ્થા ખોરવાઈ જતી હતી; હવે સેન્ટ્રલ માર્ગ ફંડ હેઠળ જિલ્લાના માર્ગોને સુધારવામાં આવ્યા છે, નદી પર પુલો બંધાયા છે અને પરિવહનક્ષેત્રમાં સુધારો થયો છે. ઈશાન રેલવિભાગના બે ફાંટા જિલ્લામાંથી પસાર થાય છે. ત્રિવેણીગંજથી પૂર્વમાં 15 કિમી.ને અંતરે આવેલું કોરિયાપટ્ટી ગામ અગાઉના વખતમાં તે વિસ્તારનું વહીવટી મથક હતું. આ જિલ્લામાં કાર્તિકી અને પોષી પૂર્ણિમા, જન્માષ્ટમી, દશેરા અને દિવાળી ટાણે મેળા ભરાય છે.

વસ્તી : જિલ્લાની વસ્તી 17,45,069 (2001) જેટલી છે. તે પૈકી 93 % ગ્રામીણ અને 7 % શહેરી વસ્તી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. અહીંનાં નગરોમાં શિક્ષણ અને તબીબી સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા અમુક પ્રમાણમાં ઉચ્ચ શિક્ષણની સગવડો છે. જિલ્લામાં 4 નગરો અને 9 સમાજવિકાસ ઘટકો આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લો ચાર ઉપવિભાગોથી બનેલો છે. મૂળ સહરસા જિલ્લામાંથી તેના ઈશાન ભાગને અલગ પાડીને સુપૉલ જિલ્લાની રચના કરવામાં આવેલી છે, તેથી તેનો ઇતિહાસ સહરસા જિલ્લાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા