સુએઝ નહેર : ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો, ઇજિપ્તમાં આવેલો, આશરે 190 કિમી. લંબાઈનો માનવસર્જિત જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 29° 00´ ઉ. અ. અને 32° 50´ પૂ. રે.. 1869માં તેનું નિર્માણકાર્ય પૂરું થતાં તેને જહાજી અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે. આ જળમાર્ગ થવાથી યુ.કે. અને ભારત વચ્ચે અંદાજે 9700 કિમી. જેટલું અંતર ઘટી ગયું છે. 1967માં થયેલા આરબઇઝરાયલ યુદ્ધના ગાળા દરમિયાન તે બંધ રાખવામાં આવ્યો તે અગાઉ તે દુનિયામાં આંતરમહાસાગરીય જળમાર્ગ રહેલો. ત્યારે આ માર્ગ મારફતે અવરજવર કરતાં માલવાહક જહાજો પૈકી 70 % જહાજો ખનિજતેલ અને તેની પેદાશો ભરીને જતાં. ત્યારબાદ 1975માં આ જળમાર્ગ ઇજિપ્ત દ્વારા ફરીથી ખુલ્લો મૂકવામાં આવેલો છે.

સુએઝ નહેર

આ નહેર ઉત્તરમાં પૉર્ટ સઇદ (Said) અને દક્ષિણમાં સુએઝનું બંદર ધરાવતા શહેર વચ્ચે સુએઝની સંયોગીભૂમિને વીંધતી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રની જળસપાટીમાં ખાસ તફાવત ન હોવાથી તેમાં પનામા નહેરમાં છે એવી લૉકગેટની વ્યવસ્થા ગોઠવેલી નથી. મોટાભાગની નહેરમાં એકતરફી જળમાર્ગ ચાલે એવી વ્યવસ્થા રાખેલી છે.

આ નહેર જ્યારે બાંધવામાં આવી ત્યારે તેની ઊંડાઈ 8 મીટર, તળભાગની પહોળાઈ 22 મીટર અને સપાટીની પહોળાઈ 70 મીટર જેટલી હતી; પરંતુ તે પછી મોટાં જહાજો અને વધુ હેરફેર માટે તેને ઘણી મોટી કરવામાં આવી છે. આજે તેની ઊંડાઈ 19 મીટર, તળભાગની પહોળાઈ 92 મીટર અને સપાટીની પહોળાઈ 226 મીટર જેટલી છે.

ઇતિહાસ : ઈશુ ખ્રિસ્તના સમયના સૈકાઓ પહેલાં નાઇલ નદી અને રાતા સમુદ્રને જોડતી નહેરો બાંધવામાં આવેલી. સાતમા સૈકામાં અમુક સમય માટે, રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને નહેરથી જોડેલા. નૅપોલિયન પહેલાએ જ્યારે 1798માં ઇજિપ્ત પર આક્રમણ કરેલું, ત્યારે તેણે સુએઝની સંયોગીભૂમિ આરપાર જળમાર્ગ થાય તો લાભ થાય એવું વિચારેલું. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા ફ્રેન્ચ મુત્સદ્દી અને નહેરો બાંધનાર ફર્ડિનાન્ડ દ લૅસેપ્સે નકશો બનાવી તેનું આયોજન કર્યું. 1854માં ઇજિપ્તના શાસક સઇદ પાશા પાસેથી આ પ્રકલ્પ માટેની મંજૂરી મેળવી. નહેરમાર્ગના વ્યવસ્થિત આયોજન માટે 1855માં આંતરરાષ્ટ્રીય તકનીકી પંચ મળ્યું. 1858 સુધીમાં સુએઝ કૅનાલ કંપની સ્થપાઈ. ફ્રેન્ચો અને ઑટોમન સામ્રાજ્યે મોટી સંખ્યામાં તેના શૅર લીધા. 1859ના એપ્રિલની 25મી તારીખે નહેરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું, જે દસ વર્ષના ગાળામાં પૂર્ણ થતાં 1869ના નવેમ્બરની 17મી તારીખે તેને ખુલ્લી મુકાઈ. 1968 સુધીનાં એકસો વર્ષ માટે સુએઝ કૅનાલ કંપનીને રાહતદરે તેને ચલાવવાનો વહીવટ સોંપવામાં આવ્યો.

નહેરના બાંધકામમાં કોઈ પણ પ્રકારનો ભાગ ન લીધો હોવા છતાં તેમજ એક પણ મૂળ શૅર ખરીદેલ ન હોવા છતાં યુનાઇટેડ કિંગ્ડમે નહેરના નિર્માણમાંથી બીજા કોઈ પણ દેશ કરતાં ઘણો લાભ મેળવ્યો છે. 1863માં સઇદ પાશાના અનુગામી વાઇસરૉય થયેલા ઇજિપ્તના ખેદિવ ઇસ્માઇલ પાશાના શૅર 1875માં બ્રિટને ખરીદ્યા. તે પછી તો કમિશનનો વહીવટ બ્રિટિશ અને ફ્રેન્ચ ડિરેક્ટરોએ સંભાળેલો.

1888માં આંતરરાષ્ટ્રીય પરિષદે એકમતે નિર્ણય કર્યો કે આ નહેરને બધાં જ રાષ્ટ્રો માટે શાંતિના તેમજ યુદ્ધના સમયમાં પણ ખુલ્લી રાખવી; પરંતુ યુનાઇટેડ કિંગ્ડમે પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) વખતે નહેર નજીક લશ્કરી દળો ગોઠવ્યાં તથા બ્રિટન સામે યુદ્ધમાં ઊતરેલા બીજા દેશોનાં જહાજોને જળમાર્ગનો ઉપયોગ કરતાં અટકાવ્યાં. બીજા વિશ્વયુદ્ધ(1939-1945)માં શત્રુદેશોને આ નહેરનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવી. ઇજિપ્તે ઇઝરાયલી જહાજોને નહેરમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી.

ઇજિપ્ત સાથે 1954માં થયેલા કરારની શરતો હેઠળ બ્રિટિશ દળોએ 1956ના જૂનમાં નહેર વિભાગ છોડી દીધો. તે જ વર્ષના જુલાઈમાં યુ.એસ. અને યુ.કે.એ નાઇલ નદી આડેના આસ્વાન બંધમાં નાણાકીય સહાય કરવાની વાત કરેલી તે પાછી ખેંચી લીધી. આ કારણ તેમજ ઇજિપ્તની સક્ષમ રાષ્ટ્રીય ચળવળ સહિતનાં અન્ય કારણોથી, જુલાઈની 26મી તારીખે ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ ગમાલ અબ્દુલ નાસરે નહેરનો સંપૂર્ણ વહીવટ પોતાને હસ્તક લઈ લીધો. આ ઘટનાને સુએઝ કટોકટી (crisis) તરીકે ઓળખાવવામાં આવેલી છે. નાસરે જાહેરાત કરી કે આસ્વાન બંધ બાંધવા માટે નહેર વાપરનારાઓ પાસેથી મળતા કરનો ઉપયોગ થશે. બ્રિટન, ફ્રાન્સ અને અન્ય પશ્ચિમી દેશોએ આ પ્રકારના નિયંત્રણ સામે વાંધો ઉઠાવેલો.

નાસરે નહેરનો કબજો લઈ લીધા બાદ, 1956ના ઑક્ટોબરની 29મી તારીખે ઇઝરાયલે ઇજિપ્ત પર આક્રમણ કર્યું. આ જળમાર્ગનો આંતરરાષ્ટ્રીય કાબૂ પાછો મેળવવાના પ્રયાસ રૂપે ઑક્ટોબરની 31મી તારીખે બ્રિટન અને ફ્રાન્સે ઇજિપ્ત પર હુમલો કર્યો. યુનાઇટેડ નેશન્સ વચ્ચે પડ્યું, નવેમ્બરની 6 તારીખે યુદ્ધનો અંત આવ્યો. યુ.એન.ના રક્ષક દળે આ વિસ્તારમાં શાંતિ સ્થાપી આપી. ઇજિપ્તના વહીવટ હેઠળ 1957ના માર્ચમાં નહેરને ફરીથી ખુલ્લી મુકાઈ. 1967ના જૂનના આરબ-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ડૂબી ગયેલાં વહાણોને કારણે આ નહેરમાં અવરોધ થયેલો. નહેરમાંથી થતી અવરજવર બંધ કરાયેલી. 1975ના જૂન સુધી સુએઝ નહેર ખુલ્લી મુકાઈ ન હતી. 1979માં ઇજિપ્તે નહેરના ઉપયોગની ઇઝરાયલ માટેની મનાઈ ઉઠાવી લીધી. 1980માં સુએઝ શહેરથી 16 કિમી. ઉત્તર તરફ નહેર હેઠળ બોગદું બાંધીને તે મોટરવાહનો માટે ખુલ્લું મુકાયું છે. ભૂમધ્ય સમુદ્રના નહેરમુખ પર ડેમિટા બંદર સંકુલ 1986માં ખુલ્લું મુકાયું છે; અહીંથી 1.6 કરોડ ટન વજન સુધીનાં માલવાહક જહાજોની અવરજવરને છૂટ અપાય છે.

ગિરીશભાઈ પંડ્યા