સીસમ (સીસુ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પેપિલિયોનૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dalbergia sissoo Roxb. (સં. શિંશપા, કૃષ્ણસારા; મ., હિ. સીસમ, સીસુ; બં. શિસુ; ક. કરીયઇબ્બડી, બીટીમારા; તા. સીસુ, ઈટ્ટી; મલા. વિટ્ટી; તે. જીટ્ટેગુચેદ્રુ; અં. સીસુ) છે. તે પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને ઘણી વાર વાંકું પ્રકાંડ અને આછો પર્ણમુકુટ ધરાવે છે. અનુકૂળ પરિસ્થિતિમાં તે 30 મી.ની ઊંચાઈ, 2.4 મી.નો ઘેરાવો અને શાખાવિહીન મુખ્ય થડ(bole)ની ઊંચાઈ 10.5 મી. સુધી પ્રાપ્ત કરે છે.

આકૃતિ 1 : સીસમ (Dalbergia sissoo)

સીસુ ઉપહિમાલયી માર્ગમાં રાવીથી આસામ સુધી 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે આ પ્રદેશમાં નદીકિનારે આવેલાં જલોઢ (alluvial) જંગલોમાં વિપુલ પ્રમાણમાં ઊગે છે. પંજાબ, ઉત્તરપ્રદેશ અને આસામમાં તે પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. તે રસ્તાની બંને બાજુએ અને ચાના બગીચાઓમાં છાયાવૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.

તે રેતી અને ગોલાશ્મ (pebbles) ધરાવતી છિદ્રાળુ મૃદામાં સારી રીતે ઊગે છે. તે નદીતટના માર્ગો પર સૌથી સારી રીતે થાય છે. તેની સાથે ખેર (Acacia catechu), શિરીષ (Albizzia procera) અને શીમળો (Salmalia malabarica) વૃંદ(association)માં ઊગતાં હોય છે. ચીકણી માટીવાળી ભૂમિમાં તેની વૃદ્ધિ કુંઠિત બને છે.

સીસુ કુદરતી સ્થિતિમાં શુષ્કતારોધી (drought resistant) અને હિમ-સહિષ્ણુ (frost-hardy) હોય છે. તે પુષ્કળ પ્રકાશાપેક્ષી (light demandor) છે. તે અગ્નિ-રોધી (fire-resistant) નથી. સીસુનું વાનસ્પતિક પ્રજનન મૂળ અંત:ભૂસ્તારી (sucker) દ્વારા થાય છે. તે ઝાડીવન (coppice) ખૂબ ઝડપથી બનાવે છે.

વૃક્ષ પરથી ફળોનું ડિસેમ્બર દરમિયાન પતન થાય છે. બીજનું અંકુરણ વરસાદની શરૂઆતમાં થાય છે. જોકે નદીકિનારે પૂરને કારણે વહેલું અંકુરણ થાય છે. બીજાંકુરણ માટેનાં અનુકૂળ પરિબળોમાં ખુલ્લો પ્રકાશ, છિદ્રાળુ મૃદા, પૂરતો ભેજ અને અપતૃણોની ગેરહાજરીનો સમાવેશ થાય છે.

કૃત્રિમ પ્રસર્જન બીજના સીધેસીધા વાવેતર, બીજાંકુરોના રોપણ, અંત:ભૂસ્તારી અને પાર્શ્ર્વમૂળોના છેદો દ્વારા થાય છે. ધરુવાડિયાના બીજાંકુરનાં ઠૂંઠાં(stump)નું વાવેતર સિંચિત (irrigated) ભૂમિમાં પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. બધી જ પદ્ધતિઓમાં અપતૃણનાશન (weeding) અને સ્વચ્છન (clearing) જરૂરી છે.

સીસુને બાલવૃક્ષ (sapling) કે વૃક્ષક (pole) અવસ્થામાં Fusarium vasinifectam દ્વારા સુકારાનો રોગ લાગુ પડે છે. સીસમના શુદ્ધ વૃંદમાં અથવા ખેર, બાવળ અને શિરીષના મિશ્ર વૃંદમાં આ રોગથી મૃત્યુદર વધારે ઊંચો જોવા મળે છે. વૃક્ષની વિકસિત અવસ્થામાં Ganoderma lucidum દ્વારા મૂળનો રોગ અને પશ્ર્ચ ક્ષય(die back)નો રોગ અને Polyporus gilvas દ્વારા પ્રકાંડના કૅન્કર(canker)નો રોગ લાગુ પડે છે. જ્યાં ભૂક્ષરણ(soil erosion)ને કારણે મૂળ ખુલ્લાં થઈ ગયેલાં અને ઈજાગ્રસ્ત થયેલાં હોય ત્યાં આ રોગની સંભાવના વધારે છે.

Phyllactinia subspirilis (ભૂકીછારાની ફૂગ) અને Uredo sissoo દ્વારા પર્ણોને ચેપ લાગે છે; પરંતુ તેનાથી કોઈ ગંભીર નુકસાન પહોંચતું નથી. Rhizoctonia solani દ્વારા બીજાંકુરને કંઠનો કોહવારો (collar rot) થાય છે. સીસુ પર Dendrophthoe falcata (વાંદો) નામની આવૃત-બીજધારીય પરોપજીવી વનસ્પતિ આક્રમણ કરે છે અને ઘણી વાર તેનો નાશ કરે છે.

સિંચિત વૃક્ષારોપણની કાર્યપદ્ધતિમાં ઝાડીવન તૈયાર કરવામાં આવે છે અને ચાલુ પાકની પૂર્તિ કરવા નવાં બીજાંકુર તૈયાર કરવામાં આવે છે. ઉપહિમાલયના નદીતટીય (riverian) જંગલોમાં પસંદગીમય પાતન (selective felling) અથવા 20 વર્ષ માટે આવર્તન (rotation) આધારિત સરળ ઝાડીવન પદ્ધતિ અજમાવવામાં આવે છે.

સીસુની વૃદ્ધિ અને ઉત્પાદનનો દર પરિસ્થિતિ અનુસાર બદલાતો રહે છે. સિંચિત ભૂમિમાં 25–30 વર્ષમાં વૃક્ષનો ઘેરાવો 1.2 મી. જેટલો બને છે. 20 માસમાં 6.9 મી. ઊંચાઈ પ્રાપ્ત કર્યાની એક નોંધ છે. જુદે જુદે સ્થળેથી મળતા ઉત્પાદનના આંકડાઓમાં ઘણો તફાવત રહે છે, કારણ કે વૃક્ષનું પાતન જુદી જુદી ઉંમરે કરવામાં આવે છે અને સીસુની સાથે બીજાં વૃક્ષો જુદા જુદા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. નદીતટીય વૃક્ષોદ્યાનથી પ્રાપ્ત થતા કાષ્ઠની લંબાઈ વધારે અને પાટડો સીધો હોય છે. રસ્તા પરનાં વૃક્ષોના થડની લંબાઈ ઓછી, મજબૂત અને વાંકાં હોય છે. ભારતમાં ઉત્તર ભારત દ્વારા સીસુનું કાષ્ઠ મોટા જથ્થામાં પ્રાપ્ત થાય છે.

સીસુનું રસકાષ્ઠ (sapwood) સફેદથી માંડી આછું બદામી-સફેદ અને અંત:કાષ્ઠ (heartwood) સોનેરી બદામીથી ઘેરું બદામી હોય છે અને ઘેરા બદામી લિસોટા ધરાવે છે. તે ભારે (વિ. ગુ. 0.82, વજન 800-840 કિગ્રા./ઘમી.), સાંકડું, અંતર્ગ્રથિત (interlocked) કણિકામય અને મધ્યમ ગઠનવાળું (textured) હોય છે.

તેનું વાયુસંશોષણ (air seasoning) કે ક્લીન સંશોષણ (klin seasoning) થઈ શકે છે. સીસુના કાષ્ઠના ગુણધર્મોની તુલના સાગના કાષ્ઠ સાથે ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 110–120, પાટડા તરીકેની દૃઢતા 8095, પાટડાની દુર્નમ્યતા (stiffness) 70–90, થાંભલા તરીકેની ઉપયુક્તતા (suitability) 7085, આઘાત-અવરોધક-ક્ષમતા 135–140, આકારની જાળવણી 80–90, કઠિનતા 125–140, વિરૂપણ (shear) 125–140.

તેના કાષ્ઠનો ઉપયોગ ફર્નિચર અને કૅબિનેટ બનાવવામાં વિપુલ પ્રમાણમાં થાય છે. તેનાં પાટિયાં મજબૂત હોય છે. તેની સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણાને લીધે બાંધકામ અને સામાન્ય ઉપયોગમાં તે વપરાય છે. પલંગના પાયાઓ, હીંચકો, ખુરસી, વિદ્યુત-આવરણ, હથોડીઓ, બૂટની એડીઓ, હૂકાની નળીઓ, ચલમો વગેરે બનાવવામાં તેનું કાષ્ઠ ઉપયોગી છે. તે કોતરકામમાં ઉપયોગમાં લેવાય છે. સીસુનું કાષ્ઠ બળતણ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેમાંથી કોલસા પાડવામાં આવે છે. તેના કાષ્ઠને જીવાત લાગતી નથી.

અંત:કાષ્ઠમાંથી 5.35 % જેટલું આછું બદામી, ઘટ્ટ સ્થાયી તેલ મળે છે અને તેને ઠંડું પાડતાં વૅસેલિન જેવું બને છે. તે શુષ્કન તેલના વર્ગમાં આવે છે અને તુલનામાં ઊંચા તાપમાને તેનું વિઘટન થતું નથી. તેનો ભારે મશીનરીમાં ઊંજણ તરીકે ઉપયોગ થાય છે.

તેનાં પર્ણોનો ઉપયોગ ચારા તરીકે થાય છે. પર્ણો અશુદ્ધ પ્રોટીન 12.6 % – 24.1 %, ઈથર-નિષ્કર્ષ 2.0 % – 4.9 %, અશુદ્ધ રેસો 12.5 % – 26.1 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 42.1 % – 54.8 %, ભસ્મ 6.6 % – 12.8 %, Ca 0.84 % – 2.87 % અને P 0.12 % – 0.42 % ધરાવે છે. પર્ણોમાંથી તૈયાર કરેલ સાઇલેઝ(silage)નું શુષ્કતાને આધારે કરેલું વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 14.0 %, ઈથર-નિષ્કર્ષ 3.6 %, અશુદ્ધ રેસો 30 %, નાઇટ્રોજન મુક્ત નિષ્કર્ષ 34.1 %, અશુદ્ધ પચનીય (digestible) પ્રોટીન 7.3 %, સ્ટાર્ચ તુલ્યાંક 20.

સીસુનાં પર્ણો કડવાં અને ઉત્તેજક હોય છે. પર્ણોનો કાઢો પરમિયા(gonorrhoea)માં ઉપયોગી થાય છે. પર્ણને શ્લેષ્મ તેલ લગાડી ઉતરડેલ ચામડી પર લગાવવામાં આવે છે. તેનું મૂળ સંકોચક છે અને કાષ્ઠનો ઉપયોગ ચામડીના રોગોમાં થાય છે. તેની સીંગ 2 % ટેનિન ધરાવે છે.

સીસુની બીજી જાતિનું વૈજ્ઞાનિક નામ D. latifolia Roxb. (હિં. શિશમ; બં. સિત્સલ, શ્વતસમ; મ. શિશમ, સિસ્વા, સીસુ; ગુ. સીસમ; અં. ઇન્ડિયન રોઝવૂડ, બૉમ્બે બ્લૅકવૂડ) છે. આને ખરેખર સીસમ તરીકે ઓળખાવાય છે. તે એક મોટું, પર્ણપાતી કે લગભગ સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય થડ નળાકાર, સીધું અને પર્ણમુકુટ પૂર્ણવિકસિત અને ગોળાકાર હોય છે. તે ઉપહિમાલયી માર્ગમાં અવધ પૂર્વેથી શરૂ કરી બિહાર, ઓરિસા અને મધ્ય, પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં થાય છે. મિશ્ર પર્ણપાતી જંગલોમાં તેઓ તેના સાથી વૃક્ષ સાગ સાથે વધતે ઓછે અંશે વીખરાયેલાં હોય છે. પશ્ચિમઘાટના દક્ષિણ પ્રદેશમાં તેનાં વૃક્ષો 39 મી.ની ઊંચાઈ, 6 મી.નો ઘેરાવો અને 21 મી.નું મુખ્ય થડ ધરાવે છે. ઉપયોગમાં લેવાતું ઘેરાવાનું લઘુતમ કદ 1.8 મી. છે. તેનું વાનસ્પતિક પ્રજનન પણ મૂળ અંત:ભૂસ્તારી દ્વારા થાય છે. વૃક્ષની આસપાસ ખોદવાથી ઈજાગ્રસ્ત મૂળ દ્વારા અંત:ભૂસ્તારીનું સર્જન પ્રેરાય છે.

સીસમનું પણ સીસુની જેમ સિંચિત વૃક્ષારોપણ થઈ શકે છે. તેને Polystichus steinhellianthus, Schizophyllum commune, Tremetes lactiana અને T. personii નામની ફૂગ સફેદ સડાનો રોગ લાગુ પાડે છે.

તેનું રસકાષ્ઠ સાંકડું અને આછું-પીળાશ પડતું સફેદ હોય છે અને ઘણી વાર તેમાં જાંબલી ઝલક હોય છે. અંત:કાષ્ઠ સોનેરી બદામી આછી ગુલાબી છાંયયુક્ત કે જાંબલી અને વધારે ઘેરા લિસોટાવાળું અથવા ઘેરા જાંબલી રંગનું અને કાળા લિસોટાવાળું હોય છે. ઉંમર વધતાં તે વધારે ઘેરું બને છે.

આકૃતિ 2 : સીસમ (Dalbergia latifolia)

તે સાગ કરતાં વધારે મજબૂત અને બરછટ (coarse) ગઠનવાળું હોય છે. બર્માના સાગ કરતાં તે વધારે સ્થિતિસ્થાપક હોય છે. તે ભારે (વિ. ગુ. આશરે 0.82, વજન 847 કિગ્રા./ઘમી.), સાંકડું અંતર્ગ્રથિત કણિકામય અને મધ્યમ ગઠનવાળું હોય છે. આ સીસમના કાષ્ઠના ગુણધર્મોની તુલના સાગના કાષ્ઠ સાથે ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 110-130, પાટડા તરીકેની ઢતા 85-90, થાંભલાની ઉપયુક્તતા 85, આઘાત-અવરોધક-ક્ષમતા 125-145, આકારની જાળવણી 80, વિરૂપણ 135 અને કઠિનતા 155-175.

તેનું વાયુ સંશોષણ કે ક્લિન સંશોષણ થઈ શકે છે; પરંતુ ક્લિન સંશોષણ દરમિયાન તે વધારે ઘેરું બને છે અને તેથી તેનું મૂલ્ય વધે છે.

અંત:કાષ્ઠ ટકાઉ હોય છે અને તેને કોઈ પ્રતિરોધી (antiseptic) ચિકિત્સાની જરૂર હોતી નથી. જોકે રસકાષ્ઠનો નાશ થઈ શકે છે. તેના પર વેધકો(borers)નું આક્રમણ થાય છે. તેથી તેનો ઉપયોગ કરતાં પહેલાં પરિરક્ષક(preservative)ની ચિકિત્સા આપવી જરૂરી છે. તેની કઠિનતાને કારણે તે સહેલાઈથી વહેરી શકાતું નથી.

આયુર્વેદ અનુસાર ધોળું સીસમ કડવું, શીત, વર્ણકર અને રુચિકર હોય છે. તે પિત્ત, દાહ, સોજો અને વિસર્પનો નાશ કરે છે. કપિલ સીસમ કડવું, શીતવીર્ય, વર્ણકર, બળકર, ઉષ્ણ અને રુચિકર હોય છે. તે શ્રમ, વાયુ, પિત્ત, જ્વર, ઊલટી, સોજા, હેડકી, વિસર્પ અને દાહનો નાશ કરે છે.

કાળું સીસમ અગ્નિદીપક, કડવું, તીખું, ઉષ્ણ અને તૂરું છે અને કફ, વાયુ, શોફ, અતિસાર, સર્વ પ્રકારના કોઢ, મેદ, કૃમિ, બસ્તીરોગ, ઊલટી, ગર્ભદોષ, ત્રિદોષ, મેહ, પીનસ, વ્રણ રક્તદોષ અને અર્જીણનો નાશ કરે છે. પ્રમેહ ઉપર સીસમનાં પર્ણોનો રસ જીરાની ભૂકીમાં નાખી પાવામાં આવે છે. વાસાપ્રમેહ ઉપર કાળા સીસમની છાલનો કાઢો પાવામાં આવે છે.

સીસુની બીજી જાતિઓમાં D. lanceolaria Linn. f., D. sissoides Grah. (મલબાર બ્લૅક વૂડ), D. melanoxylon Guill. & Perr. (આફ્રિકન બ્લૅક વૂડ) વગેરેનો સમાવેશ થાય છે.

મ. ઝ. શાહ

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ