સીસ-ટ્રાન્સ કસોટી

January, 2008

સીસટ્રાન્સ કસોટી : એક જ લક્ષણને અસર કરનારી બે સ્વતંત્ર રીતે ઉદભવેલી વિકૃતિઓ (mutations), એક જ કે અલગ DNAના ભાગ (સિસ્ટ્રોન) ઉપર પેદા થઈ છે કે નહિ, તે નક્કી કરી આપતી કસોટી. તેને સીસ-ટ્રાન્સ પૂરક કસોટી પણ કહે છે.

કોઈ પણ સજીવનાં લક્ષણોનું નિયમન, તેના દૈહિક બંધારણના ઘટક કોષોમાંના કોષકેન્દ્ર સ્થિત રંગસૂત્રો પરના ડીએનએ(ડીઑક્સિરાઇબો ન્યૂક્લિઇક ઍસિડ) દ્વારા થાય છે. ડીએનએ, બેવડી કુંતલાકાર શૃંખલા જેવી સંરચના ધરાવે છે, જેના બંધારણીય ઘટકો ન્યૂક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે.

સજીવના દરેક વિશિષ્ટ લક્ષણ માટે ચોક્કસ સંખ્યામાં અને ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલ ન્યૂક્લિયોટાઇડ જોડીઓ જવાબદાર હોય છે. આ પ્રકારની ન્યૂક્લિયોટાઇડ જોડીઓ કે જે ક્રમાનુબંધે ગોઠવાયેલી હોય, તેને જનીન કહેવામાં આવે છે. દરેક જનીન વિશિષ્ટ હોય છે અને તે વારસાગત ઊતરી આવવાની ક્ષમતા ધરાવે છે. આમ, ચોક્કસ લક્ષણો પેઢી દર પેઢી જોવા મળે છે. અલબત્ત, જો જનીનમાં સમાવિષ્ટ ન્યૂક્લિયોટાઇડની સંખ્યા અને/અથવા ક્રમમાં જો કોઈ પણ કારણસર ફેરફાર થાય, તો જે તે લક્ષણમાં પણ ફેરફાર થઈ શકે છે. આ ઘટનાને વિકૃતિના નામે ઓળખવામાં આવે છે.

જ્યારે વિકૃતિ જોવા મળે, ત્યારે જે તે જનીનના ન્યૂક્લિયોટાઇડની શૃંખલામાં ચોક્કસ કયા સ્થાન પર ફેરફાર થયો છે, તે જાણવા માટે પૂરક કસોટી (complimentation test) વિકસાવવામાં આવી છે. કોઈ એક ચોક્કસ લક્ષણમાં સમાન પ્રકારની વિકૃતિ દર્શાવતા બે અલગ અલગ કોષોના જનીનિક દ્રવ્યને પ્રાયોગિક રીતે એક જ કોષમાં સાથે રાખવામાં આવે છે. આ પ્રકારનો યુગ્મક કોષ મૂળભૂત લક્ષણ દર્શાવે છે કે કેમ, એ ચકાસવામાં આવે છે. જો બંને અલગ અલગ જનીનિક દ્રવ્યમાં વિકૃતિ એક જ સ્થાન પર થઈ હોય, તો સ્વાભાવિક રીતે તેનું નિર્મૂલન થઈ શકતું નથી; પરંતુ જો વિકૃતિનું સ્થાન બંને ડીએનએ પર અલગ હોય, તો પરસ્પર આપૂર્તિ થતાં યુગ્મક કોષ મૂળ લક્ષણને વ્યક્ત કરી શકે છે. આ રીતે પ્રયોગો કરી, વિકૃતિનું સ્થાન નક્કી કરી શકાય છે.

આ પ્રયોગની કાર્યપદ્ધતિ અત્યંત જટિલ છે. કુદરતી રીતે થતી વિકૃતિ ઉપરાંત કૃત્રિમ વિકૃતિ પણ પેદા કરવામાં આવે છે. વિકૃતિની ગોઠવણી બે પ્રકારે કરવામાં આવે છે : (1) એક જ જનીનિક દ્રવ્ય પર બે વિકૃતિઓ અને (2) એક એક વિકૃતિ અલગ અલગ જનીનિક દ્રવ્ય ઉપર. આ પ્રકારની ગોઠવણીને અંગ્રેજીમાં અનુક્રમે સીસ અને ટ્રાન્સ ગોઠવણી કહે છે. આથી, આ પ્રયોગ તેની કાર્યપદ્ધતિના આધારે સીસ-ટ્રાન્સ કસોટી તરીકે ઓળખાય છે.

પીયૂષ મ. પંડ્યા