સીસાનાં ખનિજો : સીસાનું તત્વ ધરાવતાં કુદરતમાં મળતાં ખનિજો. સીસાની ધાતુ તેની પ્રાકૃત સ્થિતિમાં ભાગ્યે જ મળે છે. તે અન્ય તત્ત્વોના સહયોગમાં જ મળે છે, મોટેભાગે તો તે જસતનાં ધાતુખનિજો સાથે મળતાં હોય છે.

ખનિજ રાસા. બંધારણ તત્વની ટકાવારી
ગૅલેના PbS Pb 86.6
સેરુસાઇટ PbCO3 Pb 77.5
અગ્લેસાઇટ PbSO4 Pb 68.3

ઉત્પત્તિ : કુદરતમાં મળતાં સીસાનાં ધાતુખનિજો મોટેભાગે તો સલ્ફાઇડ (ગૅલેના) સ્વરૂપમાં હોય છે. તે 250° સે. જેટલા ઓછા તાપમાનના સંજોગો હેઠળ મૅગ્મામાંથી ઉદભવતાં ઉષ્ણજળજન્ય દ્રાવણો દ્વારા સંસર્ગ કણશ: વિસ્થાપન(contact metasomatism)થી તૈયાર થતાં હોય છે.

પ્રાપ્તિસ્થિતિ : સામાન્ય રીતે જસતનાં ધાતુખનિજોના સહયોગમાં મળતાં સીસાનાં ધાતુખનિજો ચૂનાખડકો કે ડોલોમાઇટમાં રહેલી ફાટો, સાંધા, તડો કે બખોલો(કોટરો)માં ખડકભાગોને વિસ્થાપિત કરીને જમાવટ પામતાં હોય છે. તે શિરાઓ સ્વરૂપે, પટસ્વરૂપે કે વિખેરણ-સ્વરૂપે જમાવટ પામે છે, ક્યારેક વધુ પડતું વિસ્થાપન દળદાર સ્વરૂપોમાં પણ પરિણમતું હોય છે.

ભારતમાં વિતરણ : ભારતમાં સીસાના સ્રોત (જસતના સ્રોતના સહયોગમાં) રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસા, ઉત્તરપ્રદેશ, મેઘાલય, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને સિક્કિમમાં ઓછાવત્તા પ્રમાણમાં મળે છે.

ઉદયપુર (રાજસ્થાન) નજીક ઝાવર ખાતે આવેલી સીસા-જસતની ખાણો ભારતભરમાં જાણીતી છે. અહીંની મોચિયા મગરા, બડા મગરા અને ઝાવરમાલાની ટેકરીઓમાં આ ખનિજો શિરા-ગૂંથણી સ્વરૂપે જોવા મળે છે. ડોલોમાઇટ તે માટેનો માતૃખડક છે. સંરચનાત્મક દૃષ્ટિએ ખડકોના ફાટવિભાગોમાં સીસા-જસતનાં ખનિજોનું સંયુક્ત રીતે સ્થાનીકરણ થયેલું છે. આ ખનિજો ડોલોમાઇટની ઉત્પત્તિ બાદ તેમાં વિસ્થાપિત થયેલાં હોવાથી તે ખડકપશ્ર્ચાત્ (epigenetic) ખનિજો કહેવાય છે. સીસા (1.5થી 2 %) કરતાં જસત(4.5થી 5 %)નું પ્રમાણ વિશેષ છે (1 : 3 જેટલું). આ ઉપરાંત અહીં ચાંદીયુક્ત ગૅલેના, કૅડમિયમ, પાયરાઇટ, ચાલ્કોપાયરાઇટ, આર્સેનોપાયરાઇટ પણ તેમના સહયોગમાં આંશિક માત્રામાં રહેલું છે.

ઝાવર ઉપરાંત આ ખનિજ આંધ્રના ગુંટુર જિલ્લામાં અગ્નિગુંડલા ખાતે, રાજસ્થાનમાં દેરી ખાતે, ગુજરાતમાં અંબાજી ખાતે તથા ઓરિસામાં સુંદરગઢ જિલ્લાના સર્ગીપલ્લી ખાતે પણ મળે છે. ભારતનો કુલ અનામત જથ્થો 1 કરોડ ટન જેટલો અંદાજવામાં આવેલો છે. ભારતની સીસાની જરૂરિયાત ઊપજ કરતાં વધારે હોવાથી તેની આયાત કરવામાં આવે છે.

સીસું સંચયસાધનોની બનાવટમાં, સીસાની નળીઓ અને પટ બનાવવામાં, કૅબલના આવરણપડ તરીકે, કાચની બનાવટમાં, વર્ણક (pigment) માટે તથા દવાઓમાં ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા