સીલોવએસમાલા (સં. શીલોપદેશમાલા)
January, 2008
સીલોવએસમાલા (સં. શીલોપદેશમાલા) : જૈન કથાસાહિત્યની એક રચના. જૈન ધર્મના ઉપદેશોનો પ્રચાર કરવા માટે જ જૈન આચાર્યોએ ઔપદેશિક કથાસાહિત્યની રચના કરી છે. આથી તેમાં કથાનો અંશ પ્રાય: ગૌણ હોય છે. આમ ‘ઉપદેશમાલા’ નામના ઘણા ગ્રંથો રચાયા છે.
‘સીલોવએસમાલા’ અર્થાત્ ‘શીલોપદેશમાલા’માં શીલ અર્થાત્ બ્રહ્મચર્યપાલનનો ઉપદેશ આપેલો છે. 116 ગાથાઓના આ ગ્રંથના રચનાર છે. અચલગચ્છીય જયસિંહસૂરિશિષ્ય જયકીર્તિ. વિ. સં. 1512માં ‘નલદવદંતીરાસ’ તેમજ વિ. સં. 1512-13માં ‘જિનેન્દ્રાતિશયપંચાશિકા’ આપનાર ઋષિવર્ધનસૂરિ આ જયકીર્તિસૂરિના શિષ્ય હતા.
આ ‘શીલોપદેશમાલા’ ઉપર ‘શીલતરંગિણી’ નામની વૃત્તિ વિ. સં. 1394(ઈ. સ. 1337)માં રુદ્રપલ્લીય ગચ્છના સંઘતિલકસૂરિના શિષ્ય સોમતિલકસૂરિ ઉર્ફે વિદ્યાતિલકસૂરિએ રચેલી, જે જામનગરના સ્વ. હીરાલાલ હંસરાજ પંડિતે પ્રકાશિત કરેલી છે. ‘શીલોપદેશમાલા’ની સોમતિલકસૂરિકૃત વૃત્તિના મુદ્રિત પૃ. 281થી 289 ઉપર ખરતરગચ્છીય જિનચન્દ્રસૂરિની શિષ્યા ગુણસમૃદ્ધિ મહત્તરાએ જેસલમેરમાં વિ. સં. 1406(ઈ. સ. 1349)માં પ્રાકૃતમાં રચેલ 504 શ્ર્લોકપ્રમાણ ‘અંજણાસુંદરીચરિત્ર’ આપેલું છે.
પુણ્યકીર્તિએ પણ આ ગ્રંથ ઉપર વૃત્તિ રચી છે. અહીં એ નોંધવું રસપ્રદ છે કે રુદ્રપલ્લીય ગચ્છના સંઘતિલકસૂરિના પટ્ટધર દેવેન્દ્રસૂરિએ વિમલચન્દ્રસૂરિરચિત ‘પ્રશ્ર્નોત્તરરત્નમાલા’ ઉપર પોતે રચેલી વૃત્તિમાં ‘શીલોપદેશમાલા’ના વૃત્તિકાર સોમતિલકને પોતાના જ્યેષ્ઠ ગુરુબન્ધુ કહ્યા છે.
જયન્ત પ્રે. ઠાકર