સીલા (Scilla L.) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવતા લિલિયેસી કુળની એક મોટી કંદિલ (bulbous) શાકીય પ્રજાતિ. તેનું એશિયા, યુરોપ અને આફ્રિકામાં બહોળા પ્રમાણમાં વિતરણ થયેલું છે. તે આશરે 80 જેટલી જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે.

Scilla hyacinthiana (Roth) Macb. syn. S. indica Baker, Ledebouria hyacinthiana Roth. (હિં., બં. સફેદી-ખસ; અં. સાઉથ ઇન્ડિયન સ્ક્વીલ) નાની સુંદર કંદિલ જાતિ છે અને ભારતના લગભગ તમામ ભાગોમાં થાય છે. તે સામાન્ય રીતે તૃણપ્રદેશોમાં અથવા દરિયાકિનારે થાય છે અને ઉનાળા પછી પ્રથમ વરસાદે તેનાં પર્ણો અને પુષ્પો ફૂટી નીકળે છે. કંદ 25 સેમી. વ્યાસ ધરાવતો, અંડાકાર કે ઉપગોળાકાર (sub-globose) અને આવરિત (tunicated) હોય છે. પર્ણો ટોચ ઉપર ઘણીવાર પ્રકલિકા (bulbil) ધરાવે છે. તેઓ લંબચોરસ કે ભાલાકાર, 715 સેમી. લાંબાં અને કાળાં ટપકાંવાળાં હોય છે. પ્રવૃંત (scape) 515 સેમી. લાંબો અને તેના પર કલગી(raceme)-સ્વરૂપે 30થી 60 પુષ્પો ગોઠવાયેલાં હોય છે. પુષ્પો લીલાં-જાંબલી હોય છે. પુષ્પો નિયમિત, દ્વિલિંગી, ત્રિઅવયવી (trimerous), અધોજાયી (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. પરિદલપુંજ (perianth) 6 દલાભ પરિદલપત્રો(tepals)નો બનેલો હોય છે. પુંકેસરચક્ર 6 પુંકેસરોનું બનેલું હોય છે અને તેઓ પરિદલલગ્ન હોય છે. સ્ત્રીકેસરચક્ર ત્રિયુક્ત સ્ત્રીકેસરી બીજાશય અને ત્રિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં 1-2 બીજ હોય છે.

તે ઊંચી માત્રામાં બહુસ્વરૂપતા (multiformity) ધરાવે છે, કારણ કે તે રંગસૂત્રોની સંખ્યાની દૃષ્ટિએ (2n = 30, 44, 45, 46, 58 અને 60 રંગસૂત્રો) અનેક જાતો કે કોષપ્રકારો(cytotypes)ની બનેલી જાતિ છે. દ્વિગુણિત (diploid) જાત (2n = 30) અને ચતુર્ગુણિત (tetraploid) જાત(2n = 60)નાં બાહ્યાકારકીય લક્ષણો સરખાં હોય છે; જ્યારે ત્રિગુણિત (triploid) જાત (2n = 45) એક અલગ જૂથ બનાવે છે. ત્રિગુણિત જાતનાં પર્ણો રેખીય ભાલાકાર હોય છે અને ટોચ પર એક કે તેથી વધારે પ્રકલિકાઓ ધરાવે છે. આ લક્ષણ બીજી જાતોમાં જોવા મળતું નથી. દ્વિગુણિત જાત મોટેભાગે દક્ષિણ ભારતીય દ્વીપકલ્પ(peninsula)માં, ત્રિગુણિત જાત પૂર્વીય દરિયાકિનારાના પ્રદેશમાં મસુલીપટ્ટણમ્થી દક્ષિણમાં અને ચતુર્ગુણિત જાત મધ્ય ભારતમાં થાય છે. કુગુણિતો (aneuploids) તેમના ત્રિગુણિત અને ચતુર્ગુણિત સંબંધીઓ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે.

આ વનસ્પતિના કંદો ટ્રુ અથવા વ્હાઇટ સ્ક્વીલ (Urgenia maritima) અને જંગલી કાંદો કે ઇન્ડિયન સ્ક્વીલ(U. indica syn. Scilla indica)ની અવેજીમાં ઉપયોગમાં લેવાય છે.

સાઉથ ઇન્ડિયન સ્ક્વીલના કંદ છ બુફેડાઇઇનોલાઇડ સંયોજનો અને એક અજ્ઞાત પદાર્થ (ગલનબિંદુ, 166-168°) ધરાવે છે. બુફેડાઇઇનોલાઇડમાં પ્રોસીલેરિડિન ‘એ’, સીલેરિડિન ‘એ’ (બુફે – 3, 5, 20, 22 – ટેટ્રાઇનોલાઇડ), એક સ્ફટિકમય મૉનોસાઇડ અને ત્રણ એગ્લાયકોનનો સમાવેશ થાય છે. સીલેરેન ‘એ’ના ઉત્સેચકીય જલાપઘટનથી પ્રોસીલેરિડિન ‘એ’ પ્રાપ્ત થાય છે. સીલેરેન ‘એ’ સક્ષમ હૃદ્-સક્રિય (cardioactive) ગ્લાયકોસાઇડ છે, જે યુરોપિયન અને ઇન્ડિયન સ્ક્વીલમાં પણ હોય છે. તેના ઍસિડ જલાપઘટનથી સીલેરિડિન ‘એ’ અને રહેમ્નોઝ ઉત્પન્ન થાય છે. બુફેડાઇઇનોલાઇડ ઉપરાંત સીલાના કંદોમાં β – અને ϒ – સીટોસ્ટૅરોલ અને – સીલીસ્ટૅરોલ β – (C19H30O, ગલનબિંદુ 120-122° સે.) હોય છે. સીલીસ્ટૅરોલ -સીટોસ્ટૅરોલની સમઘટક છે. તે કફઘ્ન (expectorant), હૃદ્-ઉત્તેજક (cardiac stimulant) અને મૂત્રલ (diuretic) હોય છે.

S. hohenackeri Fisch & Mey. નાની કંદિલ જાતિ છે અને પંજાબમાં થાય છે. તેના અંડાકાર કંદ વધારે નાના (1.25-2.5 સેમી. વ્યાસ) હોય છે. પર્ણો વધારે મોટાં અને પુષ્પો ચળકતા વાદળી રંગનાં હોય છે. કંદ અને પર્ણોનું આનુક્રમિક વિશ્લેષણ આ પ્રમાણે છે : આલ્કેલૉઇડ (મહત્તમ) 0.23 %, 0.16 %, ગ્લાયકોસાઇડ 0.028 %, 0.035 % અને ટાર < 1.9 %, < 5.4 %.

મીનુ પરબીઆ

દિનાઝ પરબીઆ

બળદેવભાઈ પટેલ