સીલોશિયા : દ્વિદળી વર્ગમાં આવેલ એમરેન્થેસી કુળની સર્વાનુવર્તી (pantropical) પ્રજાતિ. તેની 60 જેટલી જાતિઓ થાય છે. તેઓ મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની પાંચ જાતિઓ થાય છે.

Celosia cristata Linn. syn. C. argentea var. cristata (Linn.) Kuntze. (બં., હિં. લાલ મુર્ગા; ગુ. મોરશિખા; મ., સં. મયૂરશિખા; અં. ધ ગાર્ડન કૉકસ્કૉમ્બ) એક 40-50 સેમી. ઊંચી શાખિત સુંદર એકવર્ષાયુ શાકીય જાતિ છે અને ખેતરોમાં પલાયન (escape) તરીકે હિમાલયમાં 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. ઉપરાંત, તે ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. પર્ણો પહોળાં અને બંને છેડેથી સાંકડાં હોય છે. પુષ્પ નાનાં, લાલ રંગનાં હોય છે અને મોટી કલગી (crest) આકારે શૂકી(spike)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પોનું ગુચ્છન (fasci ation) થવાને પરિણામે પુષ્પવિન્યાસ કલગી આકાર ધારણ કરે છે. કલગી 25-30 સેમી. લાંબી અને 15-20 સેમી. પહોળી મખમલ જેવી હોય છે. તેથી આ જાતિને ‘મખમલી’ પણ કહે છે. પુષ્પનિર્માણ રોપ્યા પછી 34 મહિનામાં થાય છે અને પુષ્પ આવ્યા પછી બેએક મહિના ટકે છે.

આકૃતિ : મોરશિખા(Celosia cristata)નો પુષ્પવિન્યાસ સહિતનો છોડ

વનસ્પતિનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તે બીટાનિન અને કેટલાક સ્ટૅરોલ ધરાવે છે. મુખ્ય સ્ટૅરોલમાં 24-ઇથાઇલ-22-ડીહાઇડ્રૉલેથોસ્ટૅરોલ અને 24-ઇથાઇલલેથોસ્ટૅરોલનો સમાવેશ થાય છે. પુષ્પો સંકોચક (astringent) છે અને અતિસાર (diarrhoea) અને અત્યાર્તવ(menorrhagia)માં વપરાય છે. પુષ્પવિન્યાસ એમરેન્ટિન, આઇસોએમરેન્ટિન, સીલોશિયેનિન અને આઇસોસીલોશિયેનિન ધરાવે છે. બીજ શામક (demulcent) છે અને પીડાજનક મૂત્રણ (micturination), કફ અને મરડામાં ઉપયોગી છે. બીજ રુધિરના રોગોમાં અને નેત્રશોથ માટે શામક મલમ બનાવવામાં વપરાય છે. બીજ તેલ ધરાવે છે. મૂળના જલીય નિષ્કર્ષમાં કેટલાક ફૅટી ઍસિડ હોય છે.

વનસ્પતિ મજબૂત અને સ્થિતિસ્થાપક રેસા ઉત્પન્ન કરે છે, જેમાંથી દોરડાં બનાવાય છે. તેનો પુષ્પવિન્યાસ બૂકે તરીકે ઉપયોગ થાય છે.

C. plumosa (ફીધરીકૉકસ્કૉમ્બ) મોરશિખા કરતાં ઊંચી જાતિ છે. તેનાં પુષ્પ મુખ્યત્વે ગુલાબી રંગનાં અને પીંછા-આકારે ગોઠવાયેલાં હોય છે. મોરશિખા કરતાં તેનું પુષ્પનિર્માણ વહેલું થાય છે. તે શિયાળુ જાતિ છે.

ઉપર્યુક્ત બંને જાતિઓ ઉદ્યાનોમાં ક્યારીઓમાં કે કૂંડામાં રોપવામાં આવે છે. તેમને સારા પ્રમાણમાં ખાતર આપવામાં આવે તો ખૂબ સુંદર પુષ્પો આપે છે.

C. childsi(ચાઇનીઝ વૂલ ફ્લાવર)નાં પુષ્પ ટૅનિસના દડા જેવાં અને ઉપરથી ગરમ કાપડના રેસા જેવાં હોય છે.

સીલોશિયાની બધી જાતિઓની વંશવૃદ્ધિ બીજથી થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ