સીરમ વ્યાધિ (serum sickness) : એક પ્રકારની 8થી 10 દિવસ પછી થતી ઍલર્જી(વિષમોર્જા)રૂપ પ્રતિક્રિયા. તે પ્રાણીજન્ય પ્રતિરુધિરરસ અથવા પ્રતિરસ (antiserum) કે કેટલીક ઍન્ટિબાયૉટિક દવા સામે 4થી 10 દિવસ પછી થતી પ્રતિક્રિયા છે. તેને રુધિરરસજન્ય વ્યાધિ (serum sickness) પણ કહે છે. તે ત્રીજા પ્રકારની અતિપ્રતિગ્રાહ્યતા (hyper sensitivity) અથવા વિષમોર્જા (allergy) છે. તેને પ્રતિરક્ષા-સંકુલ (immune-complex) અતિપ્રતિગ્રાહ્યતા કહે છે. તેનાં લક્ષણો અને ચિહનો વિષમોર્જાજન્ય પ્રતિક્રિયા (allergic reaction) જેવાં હોય છે.
કારણવિદ્યા : લોહીમાંના કોષો સિવાયના પ્રવાહી દ્રવ્યને રુધિરપ્રરસ (plasma) કહે છે. જ્યારે લોહી ગંઠાઈ જાય તે પછી જે પ્રવાહી છૂટું પડે તેને રુધિરરસ (serum) કહે છે. તેમાં રોગપ્રતિકારક પ્રતિદ્રવ્યો (antibodies) હોય છે, જે ગેમાગ્લૉબ્યુલિન નામના પ્રોટીનનાં બનેલાં હોય છે. પ્રાણીઓનાં રુધિરરસમાંનાં આવાં પ્રતિદ્રવ્યોનો ઉપયોગ વિવિધ પ્રકારના ચેપી રોગોના પૂર્વનિવારણ(prevention)માં થાય છે. તે સમયે આ ગેમાગ્લૉબ્યુલિન સામેની ઍલર્જી થવાથી રુધિરરસજન્ય વ્યાધિ અથવા સીરમ વ્યાધિ થાય છે. જે રુધિરરસમાં આવાં ગેમાગ્લૉબ્યુલિન હોય છે તેને પ્રતિરુધિરરસ અથવા પ્રતિરસ કહે છે.
પ્રાણીના રુધિરરસમાંનાં ગેમાગ્લૉબ્યુલિન અથવા પ્રતિરક્ષક ગ્લૉબ્યુલિન(immunoglobulin)ના સંસર્ગમાં આવ્યા પછી શરીર તેની સામે પ્રતિદ્રવ્યો બનાવે છે. આ પ્રતિદ્રવ્યો જે તે પ્રતિરક્ષક ગ્લૉબ્યુલિન (પ્રતિજન – antigen) સાથે પ્રતિક્રિયા કરીને પ્રતિરક્ષા-સંકુલ બનાવે છે. તે નસોની દીવાલમાં પ્રવેશે છે અને ત્યાં સોજો અને અન્ય વિકારો સર્જે છે. તેને શોથ (inflammation) કહે છે. તેની શરીરમાંની વ્યાપક અસરને રુધિરરસજન્ય વ્યાધિ કહે છે. આમ તે એક પ્રકારે થોડી મોડેથી થતી અથવા વિલંબિત (delayed) વિષમોર્જા છે. પ્રતિરક્ષાસંકુલ બનાવવામાં સમય લાગતો હોવાથી આ પ્રકારની વિષમોર્જા થોડા દિવસો પછી થાય છે. ક્યારેક પેનિસિલીન અને તેના જૂથનાં પ્રતિજૈવ ઔષધો (antibiotics) પણ આ પ્રકારનો વિકાર સર્જે છે.
ઘોડાના રુધિરરસમાંના પ્રતિવિષની સામેની વિષમોર્જાને કારણે રુધિરરસવ્યાધિ થતો હતો. અગાઉના જમાનામાં હડકવા સામે ઘોડાના રુધિરરસ(અશ્વરુધિરરસ – horse serum)માંથી રસી બનાવાતી હતી, તે મેળવતાં 16 % દર્દીઓમાં આ વ્યાધિ થતો. જ્યારથી માનવ-રુધિરરસ (human serum) વપરાતું થયું છે ત્યારથી તેનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારે રુધિરરસમાંનું ગેમાગ્લૉબ્યુલિન ચેપકર્તા સૂક્ષ્મજીવમાંના વિષ (toxin) સામે બન્યું હોય તો તેને પ્રતિવિષ (antitoxin) કહે છે. અશ્વરુધિરરસમાંથી બનેલી રસીમાં આવું પ્રતિવિષ હોય છે. આવા પ્રતિવિષ ઉપરાંત કેટલીક દવાઓનો સંસર્ગ પણ રુધિરરસજન્ય વ્યાધિ કરે છે; જેમ કે, એલોપ્યુરિનોલ, બાર્બિચ્યુરેટ્સ, કૅપ્ટોપ્રિલ, સિફેલોસ્પોરિન, ગ્રિસિઓફલ્વિન, પેનિસિલીનો, ફેનિટોઇન, પ્રોકેનેમાઇડ, ક્વિનિડિન, સ્ટ્રૅપ્ટોકાઇનેઝ, સલ્ફોનેમાઇડ્ઝ વગેરે. તેમાંથી સિફાક્લોર અને સિફેલેક્સિન સહિતની સિફેલોસ્પોરિન્સ તથા કો-ટ્રામેક્ઝેસોલ નામની સલ્ફાવાળી દવા રુધિરરસજન્ય વ્યાધિના વધુ કિસ્સા સર્જે છે. આ ઉપરાંત કેટલાક અંત:સ્રાવો (hormones), રસીઓ તથા વિષમોર્જાજનક અર્કો (allergenic extracts) કે જે વિવિધ પ્રકારનાં પરીક્ષણો માટે અને પ્રતિરક્ષણ(immunisation)માં વપરાય છે તે પણ રુધિરરસજન્ય વ્યાધિ કરે છે.
લક્ષણો, ચિહનો અને નિદાન : પ્રાણીના પ્રતિરુધિરરસના સંસર્ગમાં આવ્યા પછી 4થી 10 દિવસે, ક્યારેક 14 દિવસે, ચામડી પર સ્ફોટ (rash), સાંધાનો દુખાવો, તાવ, લસિકાપિંડો(lymphnodes)માં સોજો, લોહીનું દબાણ ઘટવું તથા આઘાત(shock)ની સ્થિતિ સર્જાવી જેવાં વિવિધ ચિહનો અને લક્ષણો થઈ આવે છે. ચામડી પરનો સ્ફોટ સામાન્યત: હસ્તતલ (હથેળી, palm) અને પાદતલ (sole) પર થાય છે. ચામડી પર સ્ફોટ થાય તે પહેલાંથી તાવ (104° F) આવે છે. અર્ધા જેટલા કિસ્સામાં સાંધામાં દુખાવો થાય છે. મોટેભાગે મોટા સાંધા પકડાય છે; પરંતુ ક્યારેક હાથ-પગના નાના સાંધા પણ અસરગ્રસ્ત થાય છે. આશરે 10 %થી 20 % કિસ્સાઓમાં પ્રતિરુધિરરસ-(પ્રતિરસ)ના ઇન્જેક્શનની આસપાસના લસિકાપિંડોમાં સોજો આવે છે. ક્યારેક માથું અને ડોકનો સોજો આવે છે. પેશાબમાં થોડું પ્રોટીન અને થોડુંક લોહી વહે છે. ક્યારેક જોવામાં તકલીફ, હલનચલનમાં તકલીફ, શ્વાસોચ્છવાસની તકલીફ વગેરે થઈ આવે છે.
સારવાર અને અંત્યાનુમાન (prognosis) : સૌપ્રથમ વ્યાધિકારક ઔષધનો સંસર્ગ બંધ કરાય છે. મોટાભાગના કિસ્સામાં લક્ષણો અને ચિહનો આપોઆપ શમે છે; પરંતુ ક્યારેક પ્રતિહિસ્ટામિન ઔષધ કે તીવ્ર વિકારમાં કોર્ટિકૉસ્ટિરૉઇડની જરૂર પડે છે. જરૂર પડ્યે તકલીફો પ્રમાણે સારવાર અપાય છે. મોટાભાગના કિસ્સાઓમાં વિકાર મંદ પ્રકારનો હોય છે અને જો કારણરૂપ ઔષધ લેવાનું બંધ કરવામાં આવે તો તે 1 કે 2 અઠવાડિયામાં શમે છે. ક્યારેક દુખાવો અને અન્ય તકલીફ લાંબો સમય રહે છે. ક્યારેક તીવ્ર વિકારમાં કાયમી તકલીફ રહી જાય છે. જો આઘાતની સ્થિતિ સર્જાય તો મૂત્રપિંડને નુકસાન થાય છે અને ક્યારેક મૃત્યુ નીપજે છે.
પૂર્વનિવારણ (prevention) : જો દર્દીને અગાઉ આ પ્રકારનો વિકાર થયો હોય તો તે પ્રતિવિષ કે ઔષધ અપાતું નથી. જો તીવ્ર વિકાર થતો હોય તો તેવી વ્યક્તિએ તે અંગેની નોંધવાળો કાંડાપટ્ટો (bracelet) કે ખીસામાં સૂચનાપત્રિકા (information card) રાખવી જરૂરી ગણાય છે, જેથી આકસ્મિક પ્રસંગે આરોગ્યકાર્યકરો તેને યોગ્ય મદદ આપી શકે તથા તેઓ પણ સંભવિત જોખમથી સચેત રહે. જ્યારે પણ પ્રતિવિષ આપવું જરૂરી હોય ત્યારે ચામડીમાં પ્રથમ થોડી પરીક્ષણમાત્રા (test dose) આપીને ચકાસી લેવાય છે. પ્રતિવિષની સાથે નસ દ્વારા પ્રતિહિસ્ટામિન ઔષધ આપવાથી પણ લાભ રહે છે. ક્યારેક સંકટકાલીન સ્થિતિમાં એપિનેફ્રિન અથવા ઍડ્રિનાલિન નામના ઔષધ વડે જીવન બચાવી શકાય છે.
શિલીન નં. શુક્લ