સીર દરિયા : ઉઝબેક, તાજિક અને કઝાખ દેશોમાંથી વહેતી નદી. તે પૂર્વ ફરઘાના ખીણપ્રદેશમાં નાર્યન અને કારા દરિયા નદીઓના સંગમથી બને છે અને તેનાં પાણી અરલ સમુદ્રમાં ઠલવાય છે. તેનો મુખપ્રદેશ 46° ઉ. અ. અને 61° પૂ. રે. પર આવેલો છે. સીર દરિયા નદીની પોતાની લંબાઈ 2212 કિમી. જેટલી છે. નાર્યન નદીની લંબાઈ તેમાં ઉમેરતાં તેની સંયુક્ત લંબાઈ 3000 કિમી. જેટલી થાય છે. આ રીતે આ નદી રશિયાઈ-મધ્ય એશિયાની લાંબામાં લાંબી નદી બને છે; પરંતુ તે અમુ દરિયા નદી કરતાં ઓછાં જળ ધરાવે છે. તેના ઉપરવાસને બાદ કરતાં તેના જળવિભાજકની સીમાઓ સ્પષ્ટ નથી. તેના ઉપરવાસનો સ્રાવ-વિસ્તાર આશરે 4,62,000 ચોકિમી. જેટલો થાય છે. ફરઘાના ખીણપ્રદેશમાં વહેતી તેની સહાયક નદીઓ મુખ્ય નદી સુધી પહોંચી શકતી નથી, કારણ કે તેમનાં જળ તેમના સ્થાનિક વિભાગમાં થતી સિંચાઈમાં વપરાઈ જાય છે.

ફરઘાના ખીણ છોડ્યા બાદ તે વાયવ્ય તરફ વહે છે, ત્યાં તેને જમણે કાંઠે ચાર નદીઓ મળે છે. મધ્ય પ્રવાહપથ તેમજ હેઠવાસમાં તેનું વહન સર્પાકાર બની રહે છે, તેથી તે ફાંટાઓમાં વહેંચાઈ જાય છે અને રેતીમાં શોષાઈ જાય છે. તેના નીચાણવાળા કાંઠાઓ પરથી, પૂર વખતે, પાણી ઊભરાય છે અને આજુબાજુ પથરાઈ જાય છે. આ નદીને હિમવર્ષાથી તેમજ હિમનદીના ગલનથી જળપુરવઠો મળી રહે છે; તેથી માર્ચ/એપ્રિલથી સપ્ટેમ્બર સુધી તેમાં જળજથ્થો રહે છે. તે વિપુલ પ્રમાણમાં કાંપનું વહન કરે છે, તેની કાંપજમાવટ કઝાલિન્સ્કથી માંડીને તેના હેઠવાસ સુધી થતી રહે છે; આથી તેનો ત્રિકોણપ્રદેશ અરલ સમુદ્ર તરફ દર વર્ષે 50 મીટર વધુ વિસ્તરતો જાય છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન કેટલાક ભાગમાં તેનાં જળ ઠરી જાય છે. કઝાલિન્સ્કથી હેઠવાસ તરફ અને થોડાક અંતર માટે ત્યાંથી ઉપરવાસ તરફ તે નૌકાઓના જળમાર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

સીર દરિયા તથા તેની સહાયક નદીઓ પર ઘણાં જળવિદ્યુતમથકો આવેલાં છે; તે પૈકી ફરખાદ, કાયરાકુમ અને ચરદારા મથકો મોટાં છે. ચિરચિક અને નાર્યન નદીઓ પર પણ આવાં મથકો છે. કિઝિલઓર્દા અને કઝાલિન્સ્ક પર બંધ બાંધવામાં આવેલા છે. નાર્યન નદી પર 1970માં બાંધેલું અને 1980-90 દરમિયાન વિસ્તારેલું જળવિદ્યુતમથક તેના જળપ્રવાહનું નિયંત્રણ કરે છે. સીર દરિયા અને તેની શાખાનદીઓનાં જળથી આશરે 20 લાખ હેક્ટર ભૂમિને સિંચાઈ મળી રહે છે. તેનાથી ફરઘાના ખીણમાં અને નદીના પ્રવાહના મધ્યભાગમાં કપાસ તથા હેઠવાસમાં ડાંગરનો પાક લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા