સીરવઈ એચ. એમ. (. 5 ડિસેમ્બર 1906, મુંબઈ; . 25 જાન્યુઆરી 1996, મુંબઈ) : ભારતના અગ્રણી ન્યાયવિદ, ભારતના પૂર્વ ઍટર્ની જનરલ તથા સૉલિસિટર જનરલ અને મહારાષ્ટ્રના પૂર્વ ઍડ્વોકેટ જનરલ. આખું નામ હોરમસજી માણેકજી સીરવઈ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. કુશાગ્ર બુદ્ધિ માટે જાણીતા. અંગ્રેજી સાહિત્ય અને ફિલૉસૉફીમાં ખાસ રુચિ. 1927માં તત્વજ્ઞાન વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની અનુસ્નાતક(એમ.એ.)ની પદવી તથા 1929માં કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી. બંનેમાં ઉચ્ચ ગુણવત્તા મેળવી. શિક્ષણ પૂરું કર્યા પછી મુંબઈની અદાલતોમાં વકીલાત શરૂ કરી. 1932માં મુંબઈની વડી અદાલતમાં ધારાશાસ્ત્રી તરીકે દાખલ થયા. 1933માં મુંબઈ રાજ્યના તત્કાલીન ઍડ્વોકેટ જનરલ જમશેદજી કાંગાની ઑફિસમાં જુનિયર તરીકે જોડાયા, જ્યાં 1957 સુધી કાર્ય કર્યું. 1957માં તત્કાલીન દ્વિભાષી મુંબઈ રાજ્યના ઍડ્વોકેટ જનરલ તરીકે નિમાયા. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્ર રાજ્યના ઍડ્વોકેટ જનરલના પદ પર 1974 સુધી કામ કર્યું. ત્યારબાદ ભારતના સૉલિસિટર જનરલ તથા ઍટર્ની જનરલનાં પદો પર થોડાક સમય માટે સેવાઓ આપી. 1972માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’ તથા 1980માં દાદાભાઈ નવરોજી પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા. તત્વજ્ઞાન વિષયમાં નાનપણથી રુચિ હોવાથી બૉમ્બે ફિલૉસૉફી સોસાયટીના પ્રમુખ તરીકે વર્ષો સુધી માનાર્હ સેવાઓ આપતા રહ્યા. વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર પુરસ્કર્તા હોવાથી લોકસ્વાતંત્ર્ય સંગઠનના પ્રમુખ તરીકે પણ કામ કર્યું. વ્યક્તિસ્વાતંત્ર્ય અંગેની તેમની પ્રતિબદ્ધતા તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં પણ દૃષ્ટિગોચર થતી હતી.

એચ. એમ. સીરવઈ

તેમણે ‘કૉન્સ્ટિટ્યૂશનલ લૉ ઑવ્ ઇન્ડિયા’ નામનો ગ્રંથ લખ્યો છે, જે ત્રણ ખંડોમાં પ્રકાશિત થયો છે. લાગલાગટ 25 વર્ષની સાધના પછી તૈયાર થયેલા આ ગ્રંથની માત્ર ભારતમાં જ નહિ, પરંતુ પરદેશમાં પણ પ્રશંસા થઈ છે.

તેમણે જે મહત્વના કેસોમાં વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કામ ચલાવ્યું હતું અને જરૂરી કાર્યવહી કરી હતી તેમાં 1972નો બંધારણમાં સુધારા-વધારા કરવા અંગેની સંસદની સત્તાને પડકારતો કેશવાનંદ ભારતી કેસ, દારૂબંધી દાખલ કરવાની રાજ્ય સરકારની સત્તા અંગેનો કેસ, જુગાર રમવાના કહેવાતા અધિકારને પડકારતો કેસ, વિધાનસભાના અધિકારોનો ભંગ થતો હોય ત્યારે વિધાનસભાઓના અધિકારોના રક્ષણ અંગેનો ‘કેશવસિંગ કેસ’, ભારતના બંધારણની કલમ 368ના સંદર્ભમાં સંસદના અધિકારો અંગેનો કેસ, દેશની વડી અદાલતોમાં કામ કરતા ન્યાયાધીશોની બદલી કરવાની સરકારની સત્તા અંગેનો કેસ, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે કૃષ્ણા નદીના પાણીની વહેંચણી અંગેનો કેસ, મુંબઈ નગરમાં ટેલિફોન-સેવાઓનો ઇજારો ધરાવવા અંગેનો બૉમ્બે ટેલિફોન્સ કંપનીને લગતો કેસ વગેરેનો સમાવેશ થાય છે.

એચ. એમ. સીરવઈ ‘કાયદાક્ષેત્રના મહર્ષિ’ તરીકે ઓળખાતા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે