સીમોન (. . પૂ. 510; . . પૂ. 449, સિટિયમ, સાયપ્રસ) : ઍથેન્સનો રાજપુરુષ અને સેનાપતિ. મિલ્ટિયાડિસનો પુત્ર સીમોન ઈ. પૂ. 480માં થયેલ સાલેમિસની લડાઈમાં જાણીતો થયો હતો. તે પછી ઍથેન્સમાં તે રૂઢિચુસ્ત પક્ષનો નેતા બન્યો અને ઈ. પૂ. 476થી 462 દરમિયાન તે ઍથેન્સનાં સૈન્યોનો સરસેનાપતિ હતો. ઈ. પૂ.ની 5મી સદીમાં ઍથેન્સનો તે સૌથી શક્તિશાળી લશ્કરી નિષ્ણાત હતો. ઈરાનીઓ સામે તેણે ઘણા વિજયો મેળવ્યા હતા. ઈ. પૂ. 468માં યુરીમીડોનના દરિયાઈ અને જમીન પરના યુદ્ધમાં તેણે ઈરાનીઓને સખત હાર આપી હતી. સીમોન રૂઢિચુસ્ત હતો અને ઍથેન્સમાં સ્પાર્ટાતરફી નીતિને અનુસરતો હતો. થેમિસ્ટોક્લિસ તેનો મુખ્ય વિરોધી હતો. તેને દેશનિકાલ કર્યા બાદ ઍથેન્સમાં ઈ. પૂ. 471થી 462 સુધી વાસ્તવમાં તે ઇચ્છે તે બધું કરી શકતો હતો. આ સમય દરમિયાન સીમોન તેની લોકપ્રિયતા અને સત્તાના શિખરે હતો. ઈરાનીઓએ નાશ કરેલ પાર્થેનોનનું બાંધકામ તેણે શરૂ કરાવ્યું, એક્રોપૉલિસની દીવાલોની મરામત કરાવી અને ઍથેન્સમાં અગોરા તથા એકૅડેમીને ફરી વાર શણગારી. ઈ. પૂ. 462માં પેરિક્લિસ તથા એફિયેલ્ટિસના નેતૃત્વ હેઠળ લોકશાહી પક્ષ મજબૂત થવા લાગ્યો. લોકશાહી પક્ષવાળા થેસોસના ઘેરાની બાબતમાં કે મૅસિડોનિયાના રાજા દ્વારા રુશવત અપાયાના સીમોન સામેના આરોપો સાબિત કરી શકાયા નહિ; પરંતુ સ્પાર્ટામાં થયેલ બળવામાં સીમોને સૈન્યને મદદ કરી તેથી ઍથેન્સના કેટલાક નેતાઓ નારાજ થયા. ઈ. પૂ. 461માં ઑસ્ટ્રેસિઝમથી તેને દેશનિકાલ કરવામાં આવ્યો. સીમોન પછીનાં દસ વર્ષ બહાર રહ્યો અને તે પછી ઍથેન્સમાં આવ્યો.

જયકુમાર ર. શુક્લ